જીવનમાં ઉત્સાહ અને ઉમંગનાં દીપ પ્રગટાવીને નવા માર્ગ પર પ્રયાણ આરંભવાનું પર્વ એટલે દિવાળી

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 18th October 2022 05:34 EDT
 

દિવાળી એટલે રામ, લક્ષ્મણ અને સીતાનો વનવાસ પૂર્ણ થયા પછી તેમના અયોધ્યામાં પુનરાગમનનું પર્વ. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો રામના જીવનમાં ચૌદ વર્ષનો વનવાસ ન આવ્યો હોત તો રામાયણની કહાણી શું હોત? રામનું વ્યક્તિત્વ, તેમની મહાનતા, રામાયણના અન્ય પાત્રોના ચારિત્ર્ય એ બધું જ રામાયણમાં બનતી રામના વનવાસની ઘટનાને આધારિત છે અને તેના સંદર્ભમાં જ સ્પષ્ટ થાય છે. ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ એટલી મહત્ત્વની હોય છે કે તે માત્ર એક વ્યક્તિ જ નહિ, પરંતુ પુરા સમાજનું ચારિત્ર્ય ઉજાગર કરવામાં મદદરૂપ થાય છે અને તેને બદલવામાં પણ કારણભૂત બને છે. તત્કાલીન લોકોની વિચારસરણી, તેમની પ્રાથમિકતાઓ, પરંપરાઓ અને સંસ્કૃતિ આવી જ ઘટનાથી પ્રસ્તુત બને છે અને પ્રભાવિત પણ થાય છે. આવી વનવાસ જેવી ઘટના ક્યારેક માર્યાદિત લોકો અને વિસ્તાર પૂરતી સીમિત રહે છે અને ક્યારેક એટલી વ્યાપક અસર જન્માવે છે કે સમગ્ર સમાજને બદલી નાખે છે. આવી કાળપ્રભાવી ઘટનાઓ સમય પર અને આપણા સૌના જીવન પર ઊંડી છાપ છોડી જાય છે.

આ દિવાળી પર ચોપડા પૂજન કરતી વખતે એક વિચાર અવશ્ય કરજો કે શું તમારા જીવનમાં પણ આવી કોઈ ઘટના બની છે જેનાથી ન માત્ર તમારું અંગત પરંતુ આસપાસના સૌનું જીવન પરિવર્તિત થયું હોય, પ્રભાવિત થયું હોય? લોકોને તેમાંથી ઘણું શીખવા મળ્યું હોય, સમાજની કેટલીય લાક્ષણિકતાઓ ઉજાગર થઇ હોય, પહેલા અપ્રગટ હોય તેવા લોકોના પરિચય થયા હોય, તેમને ઓળખ્યા હોય તેના કરતા અલગ ઓળખાણ છતી થઇ હોય - તો તેવી ઘટનાને એક વાર ફરીથી મુલવવાની કોશિશ કરજો. તેને રામાયણની રામના વનવાસ જેવી કાળપ્રભાવી ઘટના હોવાનું માનીને ફરીથી તેની આસપાસ તમારા પોતાના અને તેમાં સમાવિષ્ટ સૌના જીવન તથા વ્યક્તિત્વનો પરિચય મેળવવાની કોશિશ કરજો. કોણ એ ઘટના માટે કઈ કઈ રીતે કારણભૂત બન્યું, કોણે તેને અટકાવવાની ક્ષમતા હોવા છતાં દશરથ રાજાની જેમ વનવાસના પ્રણેતા બનીને રહેવાનું મંજુર રાખ્યું, કોણ વનવાસમાં લક્ષ્મણની જેમ રામની સાથે ઉભું રહ્યું અને કોણ રાવણ સાથેના યુદ્ધ માટે સીતાની માફક બીજ બન્યું એવા પ્રશ્નો આ ઘટનાની સાપેક્ષમાં અને તમારા જીવનના સંદર્ભમાં ઉકેલવાની કોશિશ કરજો. જયારે આવા દૃષ્ટિકોણથી જીવનને નિહાળશો ત્યારે સમજાશે કે રામાયણ માત્ર એક વખત નહિ પરંતુ વારે વારે બનતી હોય છે, અત્યાર સુધીમાં કેટલાય રામ અને કેટલીય સીતા આ સૃષ્ટિમાં આવી ગયા છે, અસંખ્ય રાવણ આ સમાજમાં અસ્તિત્વ ધરાવતા હોય છે પરંતુ સમયે સમયે તેમના સ્વરૂપ અને લક્ષણો બદલાતા રહેતા હોય છે. દિવાળીનો ઉત્સવ આપણને આવા રાવણ પર વિજય મેળવીને જીવનના પ્રતીકાત્મક વનવાસને સમાપ્ત કરવાનું સૂચન કરે છે. દિવાળી આપણને પોતાની જાતે લીધેલા કે કોઈના કારણે ભોગવવા પડેલા વનવાસને પૂરો કરીને હવે પાછા અયોધ્યા આવવા માટે પ્રયાણ કરવા પ્રેરિત કરે છે.
જીવનમાં નવા ઉત્સાહ અને ઉમંગનાં દીપ પ્રગટાવીને નવા માર્ગ પર નવું પ્રયાણ આરંભવાના પર્વ દિવાળી નિમિતે આ કાર્ય કરવા જેવું છે. આ દિવાળી પર એક સ્વયં વિશ્લેષણનું કાર્ય હાથ ધરીએ અને ચોપડાપૂજનની જેમ, લક્ષ્મીપૂજનની જેમ ખુબ જ શ્રદ્ધાથી આ અવલોકન કરીને નવા વર્ષથી નવું ખાતું ખોલવાની શરૂઆત કરીએ. જમા બાજુ આપણે વનવાસ જેવી પ્રતીકાત્મક ઘટનામાંથી શીખેલી રામના સદ્ગુણો જેવી સારી બાબતોને ઉમેરીએ તથા ઉધાર બાજુ રાવણના જીવનમાં જોવા મળતી બુરી બાબતોને મૂકીને બાકાત કરીએ. જે સરવાળો આવે તેને સવાયો કરીને પછી આખું વર્ષ તેમાં સદ્ગુણોનો ઉમેરો કરતા જઈએ અને આ વર્ષ દરમિયાન આખરે નફામાં જીવન પસાર થાય અને સૌનો સાર્વત્રિક વિકાસ થાય તેવો પ્રયત્ન કરીએ.
દિવાળીના પર્વ નિમિતે ગુજરાત સમાચારના સૌ વાચકોને ખુબ ખુબ શુભેચ્છાઓ અને આપના જીવનમાં ખુબ સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિ બની રહે તેવી પ્રાર્થના. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus