થિંકિંગ વોકઃ ચાલતાં ચાલતાં મગજને દોડાવવાની કળા

આરોહણ

- રોહિત વઢવાણા Wednesday 05th June 2024 13:02 EDT
 
 

શું તમે ક્યારેય થિંકિંગ વોક કરી છે? થિંકિંગ વોક એટલે શું એ પ્રશ્નનો જવાબ આમ તો તેના શાબ્દિક અર્થમાંથી જ મળી રહે તેમ છે. વિચારતા વિચારતા ચાલવાની ક્રિયાને આપણે થિંકિંગ વોક કહી શકીએ. તેનો ફાયદો એ છે કે જયારે વ્યક્તિનું મન કોઈ સમસ્યાનો ઉકેલ ન મેળવી શકતું હોય, કોઈ કોયડો મનમાં ઘણા સમયથી વણઉકેલ્યો પડ્યો હોય અથવા તો કોઈ ગંભીર પ્રશ્ન સતાવતો હોય ત્યારે બગીચામાં કે વગડામાં થોડીવાર માટે ચાલવા જતાં રહેવાથી અને તે કોયડા કે પ્રશ્ન પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચાર કરવાથી ઉકેલ મળવાની શક્યતાઓ વધી જાય છે.

કેટલાય વૈજ્ઞાનિકો અને લેખકો આ રીતે મનમાં કોઈ પ્રશ્ન લઈને તેના પર વિચારતા વિચારતા કલાકો સુધી ચાલવા નીકળતા હોય છે. ચાલતાં ચાલતાં તેમનું મન તે પ્રશ્નના અલગ અલગ પાસાઓને મૂલવે છે અને તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરે છે. ડાર્વિનની આદત હતી કે તેઓ પોતાના ઘરની પાછળ જંગલમાં કલાકો સુધી ચાલવા જતા. શેક્સપિઅર માટે પણ એવું કહેવાય છે કે તેઓ પણ એકાંતમાં ચાલવાનું રાખતા અને તે દરમિયાન પોતાના નાટકો, પાત્રો વગેરે વિષે વિચારતા. કેટલાય બીજા લેખકો, વૈજ્ઞાનિકો અને રાજકારણીઓ પણ આ રીતે એકાંતમાં ચાલતા ચાલતા મનોમંથન કરતા હોય છે.
વ્યક્તિ જયારે થિંકિંગ વોક કરે ત્યારે તેને સમસ્યાનો ઉકેલ મળવાની શક્યતા વધી જવાના અનેક કારણો છે. જયારે આપણે ચાલીએ છીએ ત્યારે શરીરની સાથે સાથે આપણું મન પણ સક્રિય બને છે. એકલા ચાલતા હોવાને કારણે આપણું મસ્તિસ્ક કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કોઈની સાથે વાતચીત કરવાની હોતી નથી, કોઈના પ્રશ્નનો જવાબ આપવાનો હોતો નથી, એટલા માટે આપણે સરળતાથી પોતાની ધૂનમાં ધીમે ધીમે ચાલ્યા કરીએ છીએ. કોઈની સાથે ચાલવા જવાથી તેમની સાથે નજર મિલાવવી, તેમની ગતિ સાથે તાલ મેળવવો વગેરેમાં આપણું મન કોઈ એક પ્રશ્ન પર ફોકસ કરી શકતું નથી. પરંતુ જે રીતે મનમાં વિચારોની અવરજવર થાય તે રીતે આપણા કદમનો તાલ અને ગતિ બદલાતા રહે અને આપણા કોયડાઓ ધીમે ધીમે ઉકેલાતા રહે તેવું માત્ર એકાંત પ્રવાસ દરમિયાન જ શક્ય છે.
વાત માત્ર ચાલવાની નથી. થિંકિંગ વોક એટલે કે વિચારતા ચાલવાની છે, માટે વોક પર જતા પહેલા મનમાં કોઈ જટિલ પ્રશ્ન કે કોયડો લઈને જવું આવશ્યક છે. તેનાથી આપણું ધ્યાન અહીંતહીં ભટકતું નથી પરંતુ એક જગ્યાએ કેન્દ્રિત રહે છે. જંગલ કે બાગમાં ચાલવા જવાનો ફાયદો એ પણ છે કે ત્યાંની વનરાજી અને હરિયાળી આપણી આંખો અને મનને ટાઢક આપે છે. કુદરત જોઈને આપણું મન પ્રફુલ્લિત થાય છે. જંગલમાં અન્ય કોઈ ન હોય, આપણે એકલા ચાલતા હોઈએ ત્યારે આપણને આસપાસની દુનિયાની ચિંતા સતાવતી નથી. કોઈ આપણને જોઈ રહ્યું તો નથી ને તેવો ભય કે સજાગતા પણ આપણા મનમાં પ્રવેશતી નથી માટે નિશ્ચિત બનીને આપણે પોતાની મસ્તીમાં ચાલ્યા કરીએ છીએ.
આપણું જાગ્રત અને અર્ધજાગ્રત બંને મન આપણા એકાંત પ્રવાસ દરમિયાન માત્ર એક જ બાબત પર કેન્દ્રિત હોય છે. જયારે અર્ધજાગ્રત મન પણ પોતાની શક્તિ જાગ્રત મન સાથે ઉમેરે ત્યારે ઉકેલ ન મળી શકે તેવો કોયડો તો ભાગ્યે જ કોઈ હોઈ શકે. અને જો તે પ્રવાસ દરમિયાન હલ ન પણ મળે તો પણ એ સમસ્યા આપણા અર્ધજાગ્રત મનમાં અંકિત થઇ ગયેલી હોવાથી હવે તે શક્તિશાળી સ્ત્રોત પોતાની રીતે કામે લાગે જશે અને ઊંઘમાં પણ તેનો ઉકેલ શોધીને જ રહેશે. આઇન્સ્ટાઇનનો બાથટબમાંથી નિર્વસ્ત્ર અવસ્થામાં ‘યુરેકા’ બોલતા બહાર દોડી આવવાનો કિસ્સો આ પ્રકારે અર્ધજાગ્રત મને શોધી કાઢેલા ઉકેલનું જ ઉદાહરણ છે.
તમે પણ જો કોઈ સમસ્યા કે કોયડાનો ઉકેલ શોધી રહ્યા હોય અને તેમાં સફળતા ન મળતી હોય તો આ રીતે થિંકિંગ વોક કરી શકો છો. જો કોઈ ગંભીર પ્રશ્ન ન પણ હોય તો પણ થિંકિંગ વોક કરીને નવું આયોજન કરી શકાય, કોઈ સ્થિતિનું વિશ્લેષણ કરી શકાય. તે સમયે આપણા મગજની તીક્ષ્ણતા અનેકગણી વધારે હોય છે તેમાં કોઈ શક નથી. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus