મૃત્યુ જીવનનો અંત નહીં, પણ નવજીવનનો આરંભ

આરોહણ

- રોહિત વઢવાણા Wednesday 19th July 2023 05:05 EDT
 
 

‘નામ તેનો નાશ’ના ન્યાયે જે ‘જન્મે તેનું મૃત્યુ’ નિશ્ચિત જ છે. દરેક સજીવ - પછી તે માનવી હોય, પક્ષી હોય, પ્રાણી હોય, વનસ્પતિ હોય કે સુક્ષ્માણુ હોય, તેનું મૃત્યુ આજે નહિ તો કાલે થવાનું જ છે. કોઈ જ શાશ્વત નથી. કોઈ જ અમર નથી. દરેક જીવનની નરી વાસ્તવિકતા એટલે મૃત્યુ. જયારે મૃત્યુ આપણા જીવનનું સૌથી નિશ્ચિત સત્ય છે તો તેના વિષે સમાજમાં અને આપણી સમજમાં એટલો ભય અને ભ્રમ શા માટે પ્રવર્તે છે? મૃત્યુને લગતા ચિંતન ઓછા થયા છે - ગુજરાતીમાં તો બહુ જ ઓછા. કાકાસાહેબ કાલેલકરે ‘પરમ સખા મૃત્યુને’ પુસ્તક લખ્યું તે આ ક્ષેત્રમાં શિરોમણી ગણી શકાય. પરંતુ આપણા સદીઓ પુરાણા દાર્શનિક ગ્રંથ ભગવદ્ ગીતામાં પણ મૃત્યુ વિષે ઘણું ગહન ચિંતન થયું છે - અલબત્ત ટૂંકમાં. આત્માની અમરતા અને શરીરની નાશવંતતા અંગે ગીતામાં વાત થઇ છે.

મૃત્યુ જીવનનો અંત નથી પરંતુ નવા જીવનનો આરંભ છે તેવો ખ્યાલ ગીતામાંથી મળે છે. આપણા ધર્મમાં તો પુનઃજન્મની સંકલ્પના છે જ ને. શરીર તો માત્ર આત્માના એક વસ્ત્ર તરીકે આલેખાયું છે. ક્યારેક પ્રાણી સ્વરૂપે તો ક્યારેક પક્ષી સ્વરૂપે, ક્યારેક જીવજંતુ તરીકે અને ક્યારેક માનવી તરીકે આ આત્મા વારંવાર જીવનચક્રમાં અવતર્યા કરે છે. મૃત્યુ તેનું નથી, માત્ર શરીરનું છે. માત્ર ઘસાઈ ગયેલા કપડાં બદલીને નવા પોશાકમાં આત્મા પ્રવેશે છે અને સૃષ્ટિના આ સ્ટેજ પર નવો ખેલ માંડે છે. રંગભૂમિના એક કલાકારની માફક નવા નવા પાત્ર તરીકે તે અભિનય કરતો રહે છે પરંતુ ફરક માત્ર એટલો છે કે રંગભૂમિનો કલાકાર પાત્ર અને પોતાના વાસ્તવિક અસ્તિત્વ અંગે ભેદ સમજી શકે છે જયારે આપણે જીવન-મૃત્યુના આ ચક્રમાં પોતાના અભિનય અને અસ્તિત્વ વચ્ચેનો ભેદ પારખવા સમર્થ નથી. કદાચ કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે જેથી કરીને આપણે પોતાના પાત્ર સાથે પૂરું તાદાત્મ્ય સાધી શકીએ. અલબત્ત, આપણને એ વાતની માહિતી - જ્ઞાન તો જરૂર આપી દીધું છે - ગીતા દ્વારા, અન્ય અનેક ધર્મગ્રંથો અને ગુરુઓ દ્વારા. પરંતુ આપણે તેને સ્વીકારીએ છીએ કે નહિ તે આપણી પરિપક્વતા અને સમજ પર આધાર રાખે છે.

મૃત્યુ વિષે લખવાનો ઉદેશ્ય માત્ર એટલો કે સમયે સમયે આપણે સૌ પોતાની ક્ષણભંગુરતા વિષે વિચાર કરતા રહીએ અને તેનાથી વાકેફ રહીએ. આ રંગભૂમિમાં એટલા તલ્લીન ન થઇ જઈએ કે પોતાને અવિનાશી માની બેસીએ અને જાણે કે ક્યારેક એ પરમ સત્ય મૃત્યુ આવવાનું જ ન હોય તેમ અનંત આયુની કામના કરીને અવિચારી જીવનમાં તલ્લીન રહીએ. મૃત્યુનો ખ્યાલ આપણને વિનમ્ર બનાવી રાખે છે. પાંચ મહાભૂતોમાંથી બનેલા આપણે કાલે તેમાં જ વિલીન થવાના છીએ તે વિષે સજાગ રાખે છે. આવી જાગૃકતા આપણા શાણપણ માટે અને વિવેક માટે આવશ્યક છે. જે લોકો આ વિવેકભાન ભૂલી જાય છે તેઓ ભ્રમમાં રહીને અહમ અને લોભનો શિકાર બને છે. માનવજીવનના અહમ અને લોભ જેવા દુર્ગુણો પણ મૃત્યુની વાસ્તવિકતાને ધ્યાન સમક્ષ રાખવાથી દૂર રહે છે.

ખરેખર તો મૃત્યુનો અહેસાસ આપણને એક સારા વ્યક્તિ બનાવવામાં ખુબ મદદરૂપ બને છે. અન્ય સૌ પ્રત્યે આપણી સહાનુભૂતિ અને બિનઅવલંબી પ્રેમ વધારે છે. કોઈથી રાગદ્વેષ ન કરવા અને સૌને માટે સમદૃષ્ટિ કેળવવા આપણે સક્ષમ બનીએ છીએ. અંત ધ્યાનમાં રાખીને જ મુસાફરી કરવામાં આવે તો તે સાચી દિશામાં થાય છે અને માર્ગ ભૂલવાની શક્યતાઓ નહિવત બની જાય છે તેવી જ રીતે જીવનના અંતને - મૃત્યુને - હંમેશા મનમાં સચેત રાખવાથી આપણે કુમાર્ગે જતા અટકીએ છીએ. ભગવાન બુદ્ધ તો કહી ગયા છે કે જે વ્યક્તિ તમામ બંધનોમાંથી મુક્ત થઈને આ દુનિયા છોડે છે તેને ફરીથી જન્મ-મરણના વિષચક્રમાં ભટકવું પડતું નથી. તે હંમેશને માટે મુક્તિ - નિર્વાણ પામે છે. આ સમજણ ત્યારે જ આવી શકે જયારે આપણે આ જન્મને અનંત, સનાતન ન માની લઈએ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus