સ્વજન સાથે વ્યવહાર - સંપર્ક જરૂર જાળવો, પણ અતિરેકનો ઊંબરો ના ઓળંગો

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 04th April 2023 05:50 EDT
 

સગાસંબંધીઓ, મિત્રો અને પરિચિતોમાં આપણે હળવામળવાનું અને ઊઠવાબેસવાનું રાખતા હોઈએ છીએ. માનવીનો સ્વભાવ જ છે સામાજિક સહચાર કેળવવાનો. સાહચર્ય વિના આપણને એકલું લાગે છે, સૂનુંસૂનું લાગે છે. એટલા માટે જ કહેવાય છે ને કે માનવી સામાજિક પ્રાણી છે. તે એક બીજા વિના રહી શકતો નથી. એકાંતમાં રાખવામાં આવે તો માણસ પાગલ થઇ જાય છે. ગુનાહિત માનસ ધરાવતા કેદીઓને એકાન્તવાસની સજા આપવામાં આવે છે તેનું કારણ જ એ છે કે તે સૌથી આકરી હોય છે.

પરંતુ શું તમે ક્યારેય આવા હળવામળવાનું, સામાજિક સંગતનું બીજું પાસું વિચાર્યું છે? સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે अतिपरिचयादवज्ञा संततगमनादनादरो भवत। જેનો અર્થ છે - અતિ પરિચયથી અવજ્ઞા અને વારંવાર મુલાકાતથી અનાદર થાય છે. માટે, માનવ સ્વભાવ અનુસાર આપણે પરિચય તો કેળવીએ પરંતુ જો તેમાં અતિ થઇ જાય તો આપણી અવજ્ઞા થવા લાગે છે. તેવી જ રીતે મિત્રો અને પરિચિતોના ઘરે કે ઓફિસે વારેવારે જઈએ તો ધીમે ધીમે આદર ઘટતો જાય છે અને પછી અનાદર પણ થવા લાગે છે. આ સુભાષિત સામાન્ય જીવનમાં તદ્દન સાચું છે. મોટા ભાગે વ્યવહાર - સંબંધનો અતિરેક આપણને અવગણના તરફ દોરી જાય છે.
સારા મિત્ર છે એવું માનીને વારેવારે કોઈના ઘરે જતા રહીએ તો ધીમે ધીમે તેઓ બહાના બનાવવાનું શરૂ કરી દે. તેમના ઘરે જઈએ ત્યારે તેઓ કોઈ કામ ઉખેડીને બેસી જાય. આપણા પર ધ્યાન આપવાનું ઓછું કરી દે. આવા સંકેતોથી આપણે સમજી જવું જોઈએ કે હવે અતિ થવા મંડી છે અને સામેવાળાને ગમતું નથી. તેમ છતાં પણ જો આપણી આંખ ન ઉઘડે તો પછી ન થવાનું થાય છે. ક્યારેક તેઓ આપણે ઘરે પહોંચીએ અને પોતે તાળું ઉઠાવીને કહે છે કે અમે તો બહાર જવા નીકળતા હતા, તમે પછી આવજો. ક્યારેક ભાઈ અંદર ટીવી જોતા હોય તો પણ તેમની પત્ની દરવાજેથી જ કહી દે કે બીમાર છે અને ડોક્ટરે આરામ કરવાનું કહ્યું છે. આવી નામોશી થાય તેના કરતાં આવાગમન મર્યાદામાં રાખવું સારું.

કોઈનો પરિચય કરીએ, વારેવારે મળવા પહોંચી જઈએ, ફોન કરીને લાંબી વાતો કરીએ, વોટ્સએપ નંબર પર નકામી ચેટમાં તેમનો સમય ખરાબ કરીએ તો ધીમે ધીમે આ પરિચય પણ અવજ્ઞા તરફ દોરી જાય છે. કોઈ આપણા વોટ્સએપના મેસેજ જોઈ લે, બ્લુ ટીક આવી જાય પણ તેમ છતાંય જવાબ ન આપે તો એક-બે વાર તો એવું માની શકાય કે તેઓ બિઝી હશે અને પછી રિપ્લાય કરશે પરંતુ એવું વારે વારે થાય તો પછી સમજી જવાનું કે તેમની આપણી સાથે વાત કરવામાં રસ નથી. ફોરવર્ડ મેસેજ હોય કે સામાન્ય બ્રોડકાસ્ટ હોય તેના જવાબ તો ન આપે તો સમજાય, કેમ કે તેના જવાબની કોઈ અપેક્ષા પણ રાખતું હોતું નથી. પરંતુ કંઈક પૂછો અને તેનો જવાબ ન આવે તો આ સંકેત સ્પષ્ટ છે. અને તેવું થવામાં સામેવાળી વ્યક્તિનો વાંક હોય તે જરૂરી નથી. આપણે જ ‘કેમ છો?’ ‘શું જમ્યા?’ ‘આજે સાંજનો શું પ્લાન છે?’ વગેરે વગેરે જેવા મેસેજ મોકલીને નાહકનો જ કોઈનો સમય વેડફીએ તો તેઓ આપણી અવજ્ઞા કરે તે શક્ય છે.
આ જ્ઞાન આપણને સદીઓ પહેલા આપણા સંસ્કૃત ગ્રંથોમાં આપવામાં આવ્યું છે અને તે આજના જમાનામાં પણ સાચું છે. તેમ છતાંય ક્યારેક ક્યારેક આપણી વ્યવહાર બુદ્ધિને તેજ કરવા માટે યાદ અપાવવી હિતાવહ છે એટલા માટે આ લેખ વાંચીને પોતાનું વર્તન ચકાસી જોજો. શું તમે કોઈની સાથેના પરિચયમાં અને અવરજવરમાં અતિ તો નથી કરી રહ્યાને? એવું થતું હોય તો સમયસર ચેતીને માફકસર ગણી શકાય તેટલું પરિવર્તન કરી લેવું, જેથી કરીને સારો સંબંધ ગુમાવવાનો વારો ન આવે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqus