અભિયનમાં અવ્વલઃ જયશંકર સુંદરી

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Tuesday 28th July 2020 10:04 EDT
 
 

મુંબઈમાં છોટાલાલ પંડ્યાની ગુજરાતી નાટક મંડળી. ખેલ પૂરો થતાં કેટલાક શેઠિયા નાટકમાં નાયિકાનાં દર્શન કરવા તલપાપડ થઈને ઊભા રહેતા. છોટાલાલ પંડ્યા કારણ સમજી જાય અને તેમને વિનયપૂર્વક ના પાડે. એક વાર એક વિધુર શેઠિયાએ નાયિકાને પરણવા તૈયારી બતાવેલી. તેને કહેવામાં આવ્યું, ‘આ છોકરી નથી પણ છોકરો સ્ત્રીનું પાત્ર ભજવે છે.’ આ જાણીને તે શેઠ નિરાશ થયા હતા. વીસમી સદીની પહેલી પચ્ચીસીમાં આ નાયિકાની બોલબાલા હતી. નાયિકા સાથે નાયક બનનાર બાપાલાલ નાયક હતા.
આ જમાનામાં નાટકમાં પુરુષ જ સ્ત્રીનો પાઠ ભજવતો. સ્ત્રીઓને નાટકમાં રાખવામાં આવતી નહીં. ગુજરાતમાં અને અન્યત્ર હિંદી કે મરાઠી નાટકો ભાગ ભજવનાર પુરુષનું નામ પુરુષ તરીકે જ રહેતું. ગુજરાતી નાટકોમાં એક જ પુરુષને નાટકમાં સ્ત્રીપાત્ર ભજવવા બદલ સ્ત્રીના નામથી સંબોધતા તે જયશંકર સુંદરી.
વિસનગર નજીકના ઉંઢાઈ ગામમાં ૧૮૮૯ના આરંભે તેમનો જન્મ ભોજક - બ્રાહ્મણ પરિવારમાં થયો. નાનપણમાં દાદા ત્રિભુવને એમને નાટકમાં કામ કરનારે શું કરવું? કેવું બોલવું? વગેરે શીખવેલું. ઉસ્તાદ ફકરુદ્દીન અને વાડીલાલ નાયકે પણ જયશંકરના ઘડતરમાં ભાગ ભજવેલો. માત્ર બે ધોરણનો તેમનો અભ્યાસ.
૧૮૯૭માં કલકત્તાની ઊર્દૂ નાટક મંડળીમાં જોડાઈને શરૂઆત કરી. પછી જોડાયા છોટાલાલ પંડ્યા સાથે. ૧૯૦૧માં ૧૨ વર્ષની વયે ‘સૌભાગ્ય સુંદરી’ નાટકમાં એમણે મુખ્ય નાયિકાની ભૂમિકા એટલી સુંદર રીતે ભજવી કે જયશંકર ભોજક ત્યારથી જયશંકર સુંદરી તરીકે ઓળખાયા.
જયશંકર ૧૨ વર્ષે સુંદરી બન્યા અને ૮૬ વર્ષે મરણ પામ્યા. ૭૪ વર્ષ એ ‘સુંદરી’ તરીકે ઓળખાયા. સ્ત્રીપાત્રમાં એમની જોડ શોધવી મુશ્કેલ. તેમણે ઘણાં નાટક કર્યાં. ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની કુમુદસુંદરી પણ બનેલા. કેટલાંક નાટક મહિનાઓ સુધી ચાલતાં. સુંદરીના છણકા, અભિનય, વાણી વગેરે માણવા કેટલાક ચાહકો એકનું એક નાટક સંખ્યાબંધ વાર જોતાં. સતત ૩૧ વર્ષ સુધી સુંદરી નાટકો કરતા રહ્યા. ૧૯૩૨માં ૫૩ વર્ષની વયે તેમણે રંગભૂમિ પર અભિનય કરવાનું છોડ્યું, પણ રંગભૂમિ સાથેનો નાતો અતૂટ રાખ્યો.
નિવૃત્ત થઈને વિસનગર વસ્યા. એમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું. નાટકોનું દિગ્દર્શન કર્યું. નાટકના પાત્રોના પોશાક, અલંકાર અને બોલવાની છટા - એ બધાનાં એમના તલસ્પર્શી જ્ઞાને ગુજરાતી રંગભૂમિને સમૃદ્ધ કરી. ૧૯૪૮થી ૧૯૬૨ સુધી લગભગ દોઢ દશકો અમદાવાદમાં રંગભૂમિ પરનાં નાટકોના એ અજોડ દિગ્દર્શક બની રહ્યા.
કલામર્મજ્ઞ રસિકલાલ પરીખ અને ભારતની લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર સાથે મળીને જયશંકર સુંદરીએ અમદાવાદમાં નાટ્ય વિદ્યામંદિરની સ્થાપના કરી. જયશંકર સુંદરી તેમના આચાર્ય બન્યા. આ વિદ્યામંદિરે દલપતરામનું ‘મિથ્યાભિમાન’ નાટક ભવાઈરૂપે ભજવતાં એમાંથી લોકકલાનો પુનર્જન્મ થયો.
જયશંકર સુંદરીની આત્મકથામાં ગુજરાતી રંગભૂમિના ૧૦૦ વર્ષનો ઈતિહાસ છે. દિગ્દર્શક અને નિર્માતા વચ્ચેની સંવાદિતાના અભાવે રંગભૂમિને વેઠવું પડ્યું એવું એ નોંધે છે. આત્મકથાનું નામ છે, ‘થોડાં આંસુ, થોડાં ફૂલ.’ આત્મકથાનું હિંદી અને અંગ્રેજીમાં રૂપાંતર પણ થયું છે.
જયશંકર સુંદરીને ૧૯૫૨માં ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ સન્માન શો રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ૧૯૫૭માં નાટ્યકળામાં સર્વોચ્ચ દિગ્દર્શન બદલ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે તેમને નવાજ્યા હતા. ૧૯૬૭માં ગુજરાતી સાહિત્ય પરિષદના કલાવિભાગના એ પ્રમુખ બન્યા હતા. ૧૯૬૭માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમીએ તેમને સન્માન્યા હતા તો ૧૯૭૧માં પદ્મવિભૂષણથી નવાજાયા હતા.
માત્ર બે ધોરણ ભણેલી વ્યક્તિએ અભિનય કલાના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અત્યાર સુધી અનન્ય બની રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter