આપણા જ્ઞાનમાં વૃદ્ધિ કરતી નિરીક્ષણ અને અવલોકન કરવાની સુટેવ

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 09th March 2021 01:02 EST
 

અવલોકન શક્તિ અંગે શાળામાં એક પાઠ ભણેલા. એક મુલ્લાને અવલોકન કરવાની ટેવ. આસપાસ બનતી ઘટનાઓનું અવલોકન સારી રીતે કરે. એક વખત કોઈ વ્યાપારીનો ઊંટ ખોવાઈ ગયો અને તેણે ઊંટ શોધતા શોધતા મુલ્લાને પૂછ્યું કે શું તમે મારો ઊંટ જોયો છે? મુલ્લા પૂછે છે કે શું ઊંટની એક તરફ ઘઉં અને બીજી તરફ મધ લાદેલા હતા? વેપારી તરત હા કહે છે. શું ઊંટનો એક દાંત પડેલો હતો અને શું તે એક પગે લંગડો હતો? વેપારી કહે છે હા, તે જ મારો ઊંટ છે. બોલો મુલ્લાજી તમે ક્યાં જોયો એ ઊંટને? મુલ્લા કહે મેં તો ઊંટને જોયો જ નથી. વેપારી એ ધારી લીધું કે જરૂર આ મુલ્લાએ મારો ઊંટ જોયો છે પરંતુ તેના પર લાદેલા માલસામાનની લાલચે મને કહેતો નથી. તેણે રાજાના દરબારમાં ફરિયાદ કરી. મુલ્લાને દરબારમાં બોલાવવામાં આવ્યો અને પૂછપરછ થઇ. મુલ્લાએ વેપારીને કહેલું તે બધું જ દરબારમાં કહ્યું પણ એ પણ કહ્યું કે તેણે ઊંટ જોયો જ નથી.

‘જો તમે ઊંટ જોયો જ નથી તો તમને ઊંટ વિષે આટલી વિગતો કેવી રીતે મળી?' દરબારી ન્યાયાધિકારીએ પૂછ્યું.
હું જંગલ તરફના માર્ગે જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે ઊંટના પગલાંના નિશાન હતા તેમાં ત્રણ પગ તો બરાબર દેખાતા હતા, પણ એક પગ સતત ઝાંખો અને ઓછા નિશાન વાળો હતો. એટલે મેં માન્યું કે ઊંટનો તે પગ લંગડો હોવો જોઈએ. આગળ જતા વૃક્ષઓના પાંદડા ખાધેલા હતા તેમાં પાનનો નાનો ભાગ છૂટી ગયો હતો એટલે મેં માન્યું કે ઊંટનો દાંત પડેલો હોવો જોઈએ. રસ્તાની એકબાજુ ઘઉંના દાણા ક્યાંક ક્યાંક વેરાયા હતા અને બીજી બાજુ ધૂળ પર પડેલા કોઈ પ્રવાહી પર માંખીઓ બણબણતી હતી એટલે મેં માન્યું કે ઊંટની એક તરફ ઘઉં અને બીજી તરફ મધ લાદેલા હોવા જોઈએ. આ અવલોકનના આધારે મેં વેપારીને વર્ણન કરી બતાવ્યું તો તેમણે તો મને ગુનેગાર માની લીધો.
દરબારમાં મુલ્લાની અવલોકનશક્તિની ખુબ પ્રસંશા થઇ અને રાજાએ તેણે પોતાના દરબારમાં નોકરીએ રાખી લીધો.
ઇનામ કે પ્રસંશા માટે નહિ પરંતુ આદત મુજબ પણ લોકો અવલોકન કરતા હોય છે. આપણને પણ નાનપણથી એવું કહેવામાં આવ્યું છે કે નિરીક્ષણ અને અવલોકન કરવું સારી આદત છે અને તેનાથી આપણું જ્ઞાન વધે છે. પરંતુ શું આપણે હવે આજના ઝડપી જમાનામાં અવલોકન કરીએ છીએ? મોટા ભાગના લોકો એ વાતથી સહમત થશે કે દિવસે દિવસે આપણી નિરીક્ષણ ક્ષમતા ઘટતી જાય છે અને તેનું ઉદાહરણ એ છે કે આપણે આસપાસ બનતી ઘટનાઓનું અવલોકન કરતા નથી. આપણી પાસે સમય જ નથી અવલોકન કરવાનો. આપણે મહત્ત્વની બાબતો પર જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું પણ આપતા નથી તો બીજી બાબતોમાં અવલોકન કરવાની વાત તો દૂર રહી.
કેટલાક લોકો એવી દલીલ કરે છે કે તેમની પાસે એટલું કામ હોય છે કે તેઓ કોઈ બાબત પર ધ્યાન જ આપી શકતા નથી. તો શું અવલોકન માત્ર નવરા લોકોનું કામ છે? જે લોકો કામમાં વ્યસ્ત હોય તેમને અવલોકન કરવાની, નિરીક્ષણ કરવાની આવશ્યકતા નથી? જો તેઓ પણ અવલોકન શક્તિ વિકસાવે અને વધારે તો તેમની કાર્યક્ષમતા સુધારે કે તેમનો સમય વેડફાય? આ પ્રશ્નોનો ઉકેલ તમારે જાતે જ તમારા માટે શોધવાનો છે પરંતુ એક વાર વિચાર જરૂર કરજો.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter