આર્ટિસ્ટ સમાજને ઘડે છે, સમાજની વિચારધારાને પ્રભાવિત કરે છે તો ક્યારેક તે નવી વિચારધારાનું ઉદગમસ્થાન પણ બને છે

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 14th July 2021 07:49 EDT
 

આર્ટિસ્ટની પણ એક અલગ દુનિયા હોય છે જેમાં તે પોતાના વિચારો અને ભાવનાઓમાં રાચે છે અને તેને લોકો સમક્ષ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. કેટલાક આર્ટિસ્ટને દુનિયા સમજે છે અને કેટલાક લોકો સમજની બહાર રહે છે. આર્ટના પણ અલગ-અલગ પ્રવાહો હોય છે જેમ કે ક્લાસિકલ, કન્ટેમ્પરરી, મોર્ડન કે સરરીયલ. અને આ દરેક પ્રકારના પોતપોતાના ચાહકો હોય છે. આમ તો દરેક આર્ટ પ્રવાહને પોતાના નિયમો હોય છે પરંતુ કોઈ એક પ્રચલિત પદ્ધતિના નિયમોમાંથી બહાર નીકળીને અને તેનાથી કંઈક અલગ કરીને જ નવો આર્ટનો પ્રવાહ શરૂ થાય છે.

જ્યારે આપણે આર્ટની વાત કરીએ ત્યારે તે કોઈ પણ પ્રકારની કલા અને અભિવ્યક્તિ માટે લાગુ પડે છે અને તેમાં કોઈ પણ પ્રકારે રજૂ થતા અનુભૂતિ અને એક્સપ્રેશન મહત્ત્વ ધરાવે છે. જે આર્ટમાં એક્સપ્રેશન ન હોય તે કોઈને અપીલ કરતું નથી. આપણે ત્યાં લોકો માટે રોજબરોજની જિંદગીના સંઘર્ષમાંથી સમય મળતો નથી ત્યારે લોકો આર્ટ વિશે વધારે સમય કાઢી ન શકે અને તેને વધારે સારી રીતે સમજવાની કોશિશ ન કરી શકે તે વાત સાચી છે. પરંતુ તેમ છતાં દરેક સમાજનાં અને સમયનાં પોતપોતાના પ્રકારના આર્ટસ પ્રકારો ઉભરી આવતા હોય છે.
આર્ટિસ્ટ સમાજને અસર કરે છે, સમાજને ઘડે છે, સમાજની વિચારધારાઓને પ્રભાવિત કરે છે. ક્યારેક તો તે નવી વિચારધારાનો વાહક જ નહીં, પરંતુ ઉદગમસ્થાન પણ બને છે. કેટલાય આર્ટિસ્ટે પોતાના વિચારોથી સમાજમાં ક્રાંતિ લાવી છે. હિટલર પણ એક ચિત્રકાર હતો. રવીન્દ્રનાથ ટાગોર એક બહુમુખી પ્રતિભાશાળી આર્ટિસ્ટ હતા. તેઓએ સમાજને ખૂબ પ્રભાવિત કર્યા. ફિલોસોફર અને આર્ટિસ્ટ વચ્ચે પણ કંઈ તફાવત કરવો શક્ય નથી કેમ કે તેઓ પણ નવા વિચારોને અને સમાજની ખામીઓને ખૂબીઓને સામે લાવવા મથતા હોય છે. જેમ કે રુસો, કાફકા વગેરે જેવા કલાકારો અને લેખકો તો ક્રાંતિના પ્રણેતા બન્યા છે.
ડાન્સ પણ એક અભિવ્યક્તિ રજૂ કરવાનું માધ્યમ છે જેના દ્વારા વિચારોનું પ્રાગટ્ય થાય છે. આપણે ત્યાં જેને ક્લાસિકલ ડાન્સ તરીકે ઓળખીએ છીએ એ તો જૂની અને પારંપરિક કથાઓ રજૂ કરે જ છે, પરંતુ કન્ટેમ્પરરી એટલે કે તત્કાલીન ડાન્સના પ્રકારો દ્વારા પણ લોકો નવા વિચારો અને ભાવનાઓ વ્યક્ત કરતા હોય છે. તાજેતરમાં ઓક્સફર્ડ પાસે બ્લેન્હેમ પેલેસમાં ટીનો સહેગલ નામના એક ભારતીય મૂળના જર્મન આર્ટિસ્ટનું પ્રદર્શન યોજાયું, જેમાં ખુબ પ્રવાહી શૈલીમાં અલગ-અલગ પ્રકારના અનુભવો અને વિચારોને ડાન્સના માધ્યમથી રજૂ કર્યા. ખૂબ મોટા ગાર્ડનમાં અલગ અલગ જગ્યાએ ડાન્સરનું એક જૂથ પર્ફોર્મન્સ આપતું જાય, જેમાં કોઈ ખાસ પ્રકારનો ડાન્સ ન હોય પરંતુ તેઓ ક્યાંક ચાલતા દેખાય તો ક્યાંક એક જગ્યાએ બેઠેલા દેખાય. ક્યાંક માનવશૃંખલા બનાવીને ધીમે ધીમે આગળ વધતા દેખાય તો ક્યારેક જળાશયમાં ઉતરીને છબછબિયા કરતા દેખાય. ક્યારેક હમમમ હમમમ જેવા સ્વરોથી ગાય તો ક્યારેક ચીસો પણ પાડે અને ક્યારેક એકબીજા સાથે વાતો કરતાં પણ દેખાય. એકાદ જગ્યાએ સંભોગમય સ્થિતિના વર્ણનરૂપ ડાન્સનું પ્રદર્શન પણ હોય. સરળતા અને પ્રવહિમયતા સાથેનું આ લાઇવ પ્રદર્શન આપણે ત્યાં આસાનીથી સમજી શકાય તેવું નહોતું પરંતુ તે ખરેખર લોકોને વિચારતા કરી મૂકે તેવું હતું. એક ડાન્સ જ નહીં, પણ આર્ટ એટલે કે કલાનો વિચાર વ્યક્ત કરવામાં કેટલી સરસ રીતે ઉપયોગ કરી શકાય તેને તદ્દન અલગ રીતે રજૂ કરવામાં આવ્યું હતું જે લોકોને ખૂબ ગમ્યું.
આજના લેખકો, કવિઓ અને ચિત્રકારો પણ ક્લાસિક અને સૌ જેને સમજે છે તેના કરતાં અલગ, તત્કાલીન અને મોડર્ન આર્ટનાં માધ્યમથી લોકોમાં વિચારોનો સંચાર કરવા પ્રયત્ન કરે છે. લોકો આર્ટ માટે પ્રેરણા મેળવવા પ્રાચીન સમયમાં પ્રતીકોનો, જુદી જુદી સંસ્કૃતિના માધ્યમનો ઉપયોગ કરે છે. લોકો આ બધાનું ફ્યુઝન કરીને, તેમનો સમન્વય કરીને પોતાની કલ્પનાને વ્યક્ત કરે છે. એક વાત ખરી કે સમાજમાં સંશોધનો થાય, નવા વિચારોનો સંચાર થાય અને સમાજમાં પરિવર્તન આવે તે માટે આર્ટિસ્ટ ઘણી રીતે જવાબદાર બને છે ભલે પછી તે ચિત્રકાર હોય, લેખક હોય, કવિ હોય, નૃત્યકાર હોય કે વક્તા હોય. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter