ઉતાવળિયા સ્વભાવે કામ કરવું આસાન છે, પરંતુ રાહ જોવામાં જ છે મનની ખરી કસોટી

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 13th October 2021 05:30 EDT
 

અમિત અને સંગીતાના લગ્નને આઠેક વર્ષ થયા હતા. બંનેની જોડી સારી હતી પરંતુ સ્વભાવ તદ્દન અલગ. અમિત ઉતાવળીયો અને સંગીતા શાંત. મનમાં જે આવે તે બોલી દે, ઈચ્છા થાય તે પગલું ભરી લે અને જે વિચાર આવે તેનો તરત જ અમલ કરી દે. સંગીતા દરેક વિચારને વલોવે, ઈચ્છા પર એક રાત ઊંઘે અને મનને મારીને પણ દરેક વાત પર પૂરો તર્કવિતર્ક કરે. બંનેના અલગ અલગ સ્વભાવને કારણે ક્યારેક તેમની વચ્ચે તકરાર થઇ જાય. ક્યારેક સારી તક ચુકી જવાય તો અમિત ગુસ્સે થાય અને જો ઉતાવળિયું પગલું ભરવાથી કોઈ નુકશાન થઇ જાય તો સંગીતા બગડે.

ધીરજ રાખવી, રાહ જોવી, ઇન્તઝાર કરવો એક આવડત છે. બધા લોકોમાં તે સહજતાથી આવતી નથી. ઉતાવળિયા સ્વભાવે કામ કરવું આસાન છે, તેમાં સંયમની જરૂર પડતી નથી પરંતુ રાહ જોવામાં જ મનની ખરી કસોટી છે. જે વિચાર આવ્યો તેના પર તરત જ પગલું લેવું સ્વાભાવિક છે. જે વ્યક્તિના મનમાં આવેલા વિચારો, ઈચ્છાઓને નિયંત્રણમાં રાખવામાં સફળ થાય છે તે વધારે મજબૂત મનોબળ ધરાવતો હોય છે. આવા મનોબળથી જ વ્યક્તિના જીવનની દિશા નક્કી થાય છે.
જમીનમાં દાણા વાવતાં જ તરત તેમાંથી છોડ ઉગતો નથી. વાવણી થવામાં અને પાકની લણણી થવાની વચ્ચે ઘણો સમય જાય છે. કેટલોય પરિશ્રમ આપવો પડે છે અને અનાજ પાકવાની રાહ જોવી પડે છે ત્યારે જ પાક મળે છે. ખેડૂત જે રીતે આ સમય દરમિયાન ધીરજ રાખીને એક પછી એક કામ પદ્ધતિસર કરે છે તે જ રીતે વ્યક્તિએ સંયમ રાખીને નિયમાનુસાર કામ કરતા રહેવું પડે છે. જો કિસાન ધીરજ ચુકી જાય અને પાક તૈયાર થાય તે પહેલા જ લણી નાખે તો તેના હાથમાં કંઈ જ લાગતું નથી તેમ માણસ પણ સમય પહેલા કોઈ પગલું ભરી બેસે તો પસ્તાવાનો વારો આવે છે.
ખરેખર તો વ્યક્તિને અભ્યાસ દરમિયાન ધીરજની પણ તાલીમ આપવી જોઈએ. પ્રક્રિયા અનુસરતા શીખવવી જોઈએ. સમય પહેલા કઈ જ કામ પર પડતું નથી તે વાત સમજતા આવડી જાય તો કેટલીય મુશ્કેલી પાર પડી જાય. પરંતુ આ કામ જ સૌથી અઘરું છે. તેમ છતાંય જો તર્ક અને બુદ્ધિમતાથી કામ લેવામાં આવે તો કેટલીય ઉત્સુકતાવાળી સ્થિતિમાં પણ આપણે સંયમ રાખી શકીએ છીએ, પોતાના પર કાબુ રાખી શકીએ છીએ, વિચારોને નિયંત્રણમાં રાખી શકીએ છીએ અને ધીરજથી બધા જ કામ પાર પાડી શકીએ છીએ. ઉતાવળે નિર્ણય લેવાને કારણે થતા નુકશાનથી બચવા માટે એ જરૂરી છે કે વ્યક્તિ પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછે.
શું આ કામ અત્યારે જ કરવું જરૂરી છે? જો તેનો જવાબ હા હોય અને તેને જરાય રાહ જોવડાવી શકાય તેમ ન હોય તો જ તે કામ તાત્કાલિક કરવું જોઈએ. નહીંતર સારપ એમાં જ છે કે કોઈ પણ નિર્ણયને એક રાત ઠંડો પાડવા દેવો. મગજમાં આવેલા વિચાર પર એક રાત ઊંઘી જવું અને પછી સવારે પણ તે જ વિચાર આવે તો અમલ કરવાનું વિચારવું. માત્ર અચાનક આવી જતા વિચારને અમલી બનાવીને ઉતાવળું પગલું લેવું નહિ.
શું તેનો અમલ નહિ થાય તો કોઈ મોટું નુકશાન થઇ જશે? કેટલાક વિચારો પર આપણે તાત્કાલિક અમલ એટલા માટે કરતા હોઈએ છીએ કે તેવું ન કરતા આપણે કોઈ નુકશાન કરી બેસીએ છીએ. જયારે કેટલાક નિર્ણયો એટલા માટે ઝડપથી લઈએ છીએ કે તેમાં વિલંબ થવાથી ફાયદો જતો રહે છે. આ બંને પ્રકારની સ્થિતિમાં છેતરાવાની શક્યતા છે. લૂંટારાઓ વ્યક્તિની ઝડપથી ફાયદો મેળવવાની અથવા તો મોટું નુકશાન થતું બચાવવાની વૃત્તિને ધ્યાનમાં લઈને જ એવી ઓફર આપતા હોય છે કે લોકો છેતરાઈ જાય છે.
ટૂંકમાં, સંયમ રાખવો, ધીરજ રાખવી અને ઉતાવળ ન કરવી એ મોટી સિદ્ધિ છે. જે તેને હસ્તગત કરી જાણે તેને ફાયદો જરૂર મળે છે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter