જીવનમાં તાર્કિક વિચારસરણી કેળવવા માટે આવશ્યક છે જાતને સરળ - સચોટ - સંલગ્ન સવાલ પૂછવાની આદત

રોહિત વઢવાણા Tuesday 23rd May 2023 10:28 EDT
 
 

સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે અને વખાણી છે. ગ્રીક દર્શનશાસ્ત્રી સોક્રેટિસની પદ્ધતિમાં પણ માહિતીપ્રદ વિવાદ અને પ્રશ્ન-જવાબની તરફેણ કરવામાં આવી છે. યુધિષ્ઠિરને યક્ષે પાંચ પ્રશ્નો પૂછેલા. નચિકેતાના પ્રશ્નોના યમરાજે જવાબ આપ્યા તેના આધારે તો આપણને ‘કઠોપનિષદ’ મળ્યું છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જે શિક્ષણ પદ્ધતિનો ઉલ્લેખ થયો છે તે ગુરુકુળમાં ગુરુ-શિષ્ય વચ્ચે સંવાદ અને પ્રશ્ન-જવાબના આધારિત જ હતી.

સરળ અને ટૂંકા પ્રશ્નો આપણને વિચારવા માટે મજબૂર કરે છે. તેનાથી આપણા મગજમાં અનેક નવા વિકલ્પો સામે આવે છે અને એક પછી એક એવી બાબતો સામે આવતી જાય છે જેના અંગે આપણે વિચાર્યું ન હોય. ઓફિસમાં પણ તમે જયારે કોઈ પ્રસ્તાવ લઈને જાઓ ત્યારે ઉપરી અધિકારી તેના અંગે સવાલ કરે, તેના વિશે ખુલાસો અને વિગત માંગે ત્યારે આપણને સમજાય છે કે એ વિગત તો આપણે વિચારી જ નહોતી. મિત્ર સાથે વાતચીત કરતી વખતે જયારે આપણે ઉત્સાહથી કોઈ પ્રસ્તાવ મૂકીએ અને મિત્ર ખુબ સહજતાથી પૂછે કે ‘એ બધું તો બરાબર છે, પણ કેવી રીતે કરીશું?’ ત્યારે મગજના તાર ઝણઝણી જાય છે કે એ તો વિચાર્યું જ નહોતું.

મોટી યોજનાઓ બનાવવી હોય અને તેને સફળ બનાવવી હોય ત્યારે આપણે પ્રાથમિક ખ્યાલ વિશે, આપણા ઉદેશ્ય વિશે એક પછી એક પ્રશ્ન કરતા જઈએ ત્યારે વિચારોના નવા દરવાજા ખુલતા જાય છે. તેનાથી આપણી યોજનાની ક્ષતિ અને શક્તિ સામે આવે છે. તે કેટલી હદે વાસ્તવિક છે અને તેનો અમલ કરવામાં કેટલી ચેલેન્જ આવી શકે તે પૂછાયેલા પ્રશ્નોના જવાબ મેળવતા સમજાય છે. આવા પ્રશ્નો આપણે જાતે પૂછી શકીએ અથવા તો કોઈ બીજી વ્યક્તિ પણ પૂછી શકે.

પરંતુ આવશ્યકતા છે કે આ પ્રશ્નો સચોટ હોય, સરળ હોય અને સીધા જ મુદ્દાને સ્પર્શતા હોય. આડાઅવળા મતલબ વગરના સવાલ-જવાબ વાતને ઉલઝાવી નાખે છે. તેનાથી કોઈ ઉકેલ મળતો નથી પરંતુ સમય બરબાદ થાય છે. પ્રશ્ન પૂછવાનો ઉદેશ્ય કોઈ યોજના કે પ્રસ્તાવને પડકારવાનો નહિ, પરંતુ તેની વાસ્તવિકતાની એરણ પર ચકાસણી કરવાનો હોવો જોઈએ. આખરે તો એ જ યોજના સફળ થાય છે જેના દરેક પાસાને બરાબર સમજીને અમલ કરવામાં આવ્યો હોય. અધકચરી માહિતી અને તૈયારીથી બનાવાયેલી રૂપરેખા ધરાવતી યોજનાના નિષ્ફળ જવાની શક્યતા વધારે છે અને સફળ થવાના ચાન્સ ઓછા.

પ્રશ્ન પૂછો, વધારે માહિતી મેળવો, અજ્ઞાનના આવરણને હટાવો તથા મુદ્દાના મૂળ સુધી પહોંચો ત્યારે જ મગજમાં પૂરો ખુલાસો થાય છે. તેના વિના કરવામાં આવતું દરેક કામ અંધારામાં તીર મારવા જેવું છે. એટલા માટે જયારે કોઈ આપણને સામે પ્રશ્ન કરે, આપણી વાત અંગે વધારે વિગત માંગે ત્યારે તેને આપણા વિરોધી સમજવાને બદલે આપણા માટે સોક્રેટિસ બનીને આવેલ દર્શનશાસ્ત્રી માનવા જોઈએ. તેમની મદદથી આપણે પોતે પણ એવું વિશ્લેષણ કરવા સક્ષમ બની શકીએ કે જે અન્યથા આપણા દિમાગમાં ક્યારેય આવ્યું જ ન હોય. આપણે પોતાની ઈચ્છા કે યોજનાનું જમા પાસું જોઈએ એવા ઉત્સાહી બની જતાં હોઈએ છીએ કે તેના અન્ય પાસાં ચકાસવાનું ચૂકી જઈએ છીએ.

ખરેખર તો આપણે જીવનમાં તાર્કિક રીતે વિચારતા શીખવું હોય, સ્પષ્ટતા કેળવવી હોય તો પોતાની જાતને સચોટ, સરળ અને સંલગ્ન સવાલ પૂછતાં શીખવું હોઈએ. આ પ્રશ્નોના નિખાલસ અને યથાર્થ જવાબ શોધવાથી ઘણું સારી રીતે દિશાદર્શન થઇ શકે છે. પ્રશ્નો પૂછવાની આ કળા આપણે સૌએ શીખવા જેવી અને અમલમાં મુકવા જેવી છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter