વિશિષ્ટ વેપારીઃ હિમાંશુ ટીંબડિયા

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Wednesday 22nd July 2020 07:13 EDT
 
 

૧૯૬૪માં દીકરાને જન્મ આપીને દશ દિવસમાં મા બકુલાબહેનનું અવસાન થતાં લલિતરાયનો આનંદ શોકમાં પલટાયો. મામા-મામીએ નવજાત ભાણા હિમાંશુની જવાબદારી ઉપાડી. લલિતરાયે પુત્રના માટે ફરી પરણવાનું સગાંનું દબાણ પાંચ વર્ષ પાછું ઠેલ્યું, પણ અંતે ઈન્દુમતીબહેન સાથે પરણ્યા. નવી મા ઈંદુમતીબહેને હિમાંશુની સાચી મા બનીને પ્રેમ વરસાવ્યો.
હિમાંશુએ લંડનમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવ્યા પછી ૧૯૮૮થી ૨૦૮૮ બે દસકા લલિતરાય સાથે રહીને ધંધામાં કામ કર્યું. પિતાના સંબંધો અને કાર્યપદ્ધતિનો ખ્યાલ આવ્યો. પિતાની સખાવતી પ્રવૃત્તિ જાણી અને પરંપરા જાળવવાની તાલીમ મળી.
૨૦૦૮માં લલિતરાયનું અવસાન થતાં વતન બીલખામાં ‘લલિતરાય ટીંબડિયા’ પ્રાથમિક શાળાના અદ્યતન મકાનનું નિર્માણ કરી આપ્યું. પિતા જ્યાં જ્યાં દાન આપતા, પુત્રે ત્યાં બધે દાન આપવાનું ચાલુ રાખ્યું. આમાં એમની પત્ની હિમાનિકાએ સાથ આપ્યો.
હિમાંશુ સિંગાપોરના ગુજરાતીઓમાં એની ઉદારતા, નમ્રતા અને કાર્યનિષ્ઠાથી આગવી છાપ ધરાવે છે. પિતાના સંસ્કારવારસા અને આધુનિક શિક્ષણે હિમાંશુનું ઘડતર કર્યું.
હિમાંશુની ઈમકો કંપનીએ ૧૯૬૬માં સિંગાપોરમાં ફેક્ટરી કરી. તેમાં તે ચણ (બર્ડફૂડ) પેક કરે છે. હિમાંશુ યુરોપ અને યુએસએમાં બર્ડફૂડની મોટા પાયા પર નિકાસ કરે છે. સુમાત્રાના મેડન નામના નગરમાં હિમાંશુની (બર્ડફૂડ) ચણની બીજી ફેક્ટરી છે. હિમાંશુ વ્યવસાયમાં ગજબની કોઠાસૂઝ ધરાવે છે. પિતાના મરણ પછી માત્ર બે જ વર્ષમાં ઈથિયોપિયામાં એણે ચણની ફેક્ટરી કરી. અહીંથી તે યુરોપ અને યુએસએમાં માલની નિકાસ કરે છે.
ઈમકો કંપની મારફતે તે ઈન્ડોનેશિયા, મલયેશિયા અને બીજા દેશોમાંથી મરી-મસાલા મંગાવીને પશ્ચિમના દેશોમાં તેની નિકાસ કરે છે. આમાં મરી, તજ, લવિંગ, જાવંત્રી, ઈલાયચી વગેરેનો સમાવેશ થાય છે. સિંગાપોરમાં મરી-મસાલાના વેપારમાં હિમાંશુ અગ્રગણ્ય છે. હિમાંશુની વય ભલે નાની હોય, પણ તે મરી-મસાલાના વેપારમાં અગ્રણી છે. પશ્ચિમી જગત ઉપરાંત ભારત, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, મ્યાનમાર અને આરબ દેશોમાં તે નિકાસ કરે છે.
ગરમ મસાલાના વેપારી હિમાંશુ સ્વભાવે શાંત, નમ્ર અને શાંતિપ્રિય છે. પિતા લલિતરાયે આરંભેલો ધંધો એણે જાળવ્યો અને વિસ્તાર્યો છે. બાપ કરતાં બેટો સવાયો એ હિમાંશુએ પૂરવાર કર્યું છે.
હિમાંશુની નસોમાં પેઢી દર પેઢીના વેપારમાં સંસ્કારનું લોહી છે. દાદા મોહનલાલની બીલખા ગામમાં નાની હાટડી. પિતા લલિતરાય ૧૯૩૫માં જન્મેલા. ૧૯૫૨માં તેઓ સિંગાપોર આવ્યા અને બનેવી વનેચંદની ઓફિસમાં બેસીને ૧૯૬૧ સુધી કોફીનો વેપાર કર્યો. ભાવની ઉથલપાથલમાં ખોટ જતાં ધંધો છોડીને વતન ભેગા થયા. આ જાણીને કલકત્તાના એક મિત્રે કહ્યું, ‘વેપારમાં ખોટ અને નફો બંને હોય. વેપારીનો દીકરો એમ હારી ના જાય. પાછો સિંગાપોર જા. હું તને મદદ કરીશ.’ લલિતરાય ૧૯૬૨માં ફરી સ્ટીમરે ચઢીને સિંગાપોર ગયા. કોફીના બદલે મરી-મસાલાના વેપારમાં પડ્યા અને ફાવ્યા. લલિતરાયનું પ્રભાવશાળી વ્યક્તિત્વ. કોઈને ક્યારેય ના છેતરે. સૌને મદદ કરવા આતુર. સાચી સલાહ આપે. એમના સ્વભાવથી એ સૌને ગમતા થયા. ગુજરાતી સમાજમાં વખત જતાં પ્રમુખ બન્યા. આ ગુણોનો વારસો હિમાંશુમાં ઉતર્યો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter