આને કહેવાય ડિપ્લોમસીઃ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનને ચીત્ત કરવા રચાયેલા ક્વાડની બેઠકમાં ચીનનો ઉલ્લેખ સુદ્ધાં નહીં!

Thursday 30th September 2021 04:52 EDT
 

વોશિંગ્ટનઃ કોરોનાકાળમાં અમેરિકામાં ક્વાડ દેશોના શીર્ષ નેતાઓની સૌપ્રથમ વ્યક્તિગત બેઠક મળી હતી. આ બેઠક પછી યજમાન અમેરિકાએ જાહેર કરેલા સંયુક્ત નિવેદને બધાને ચોંકાવી દીધા છે. ક્વાડ જૂથે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનને ચીત્ત કરવા માટે અલગ જ રણનીતિ ઘડી હોવાનું આ સંયુક્ત નિવેદન પરથી માનવામાં આવે છે.
ક્વાડ જૂથના ચાર દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત અને જાપાનનો સમાવેશ થાય છે. હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરીને રોકવા માટે ક્વાડ જૂથની રચના થઈ હોવાનું સ્પષ્ટપણે માનવામાં આવે છે. રશિયા, પાકિસ્તાન અને ચીન પણ ક્વાડ જૂથની રચના મુદ્દે કાગારોળ મચાવતું આવ્યું છે. જોકે, ૨૪ સપ્ટેમ્બરે વ્હાઈટ હાઉસમાં અમેરિકન પ્રમુખ જો બાઈડેનના યજમાનપદે યોજાયેલી બેઠકમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા મળ્યા ત્યારે આ બેઠક પછી સંયુક્ત નિવેદનમાં ચીન વિરુદ્ધ કોઈ સંકલ્પ જાહેર કરવામાં આવશે તેવી અટકળો વ્યક્ત થઈ રહી હતી. જોકે વ્હાઈટ હાઉસે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં ચીનનો તો ઉલ્લેખ પણ નથી.
ક્વાડ જૂથોની બેઠકના સંયુક્ત નિવેદનમાં ચીનનો ઉલ્લેખ પણ ન હોવા અંગે હિન્દ-પ્રશાંત ક્ષેત્રના સંરક્ષણ નિષ્ણાત ડેરેક જે. ગ્રોસમેને ટ્વિટ કરીને કહ્યું કે, સંયુક્ત નિવેદનમાં ચીન અંગે કશું જ કહેવાયું નથી. મને લાગે છે કે ક્વાડ દેશોએ નિર્ણય કર્યો હશે કે ચીન ક્વાડ જૂથની રચના તેના વિરોધ માટે જ કરાઈ હોવાની બૂમરાણ ન મચાવે તે માટે તેનો ઉલ્લેખ નહીં કરવાનો નિર્ણય લેવાયો હશે. જોકે, બધા જ લોકો જાણે છે કે ક્વાડની રચના શેના માટે કરાઈ છે.
અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે આ જૂથ લોકતાંત્રિક ભાગીદારી માટેનું છે. આ જૂથ કોરોના મહામારી, જળવાયુ પરિવર્તન અને ઊભરતી નવી ટેક્નોલોજીના પડકારોનો સામનો કરવા માટે એક થઈને કામ કરશે. છ મહિના પહેલાં અમે વર્ચ્યુઅલ બેઠક કરી હતી ત્યારે હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં વ્યાપારિક જહાજોના મુક્ત આવાગમન અંગે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. હું હવે કહી શકું છું કે આ દિશામાં અમે ઘણી પ્રગતિ કરી છે. ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારતના વડા પ્રધાનોએ પણ તેમના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ ટાળ્યો હતો.
વૈશ્વિક આતંકવાદ સામે ક્વાડ દેશો એકસંપ
વ્હાઇટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ બાઇડેન સાથેની વડા પ્રધાન મોદીની દ્વિપક્ષીય મંત્રણા અને ત્યારબાદ ક્વાડ દેશોની સમિટમાં પાકિસ્તાન સામે અંગૂલિનિર્દેશ કરતાં સરહદ પારના આતંકવાદ અને છદ્મ આતંકવાદને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. સાથોસાથ આતંકવાદીઓને આર્થિક અને લશ્કરી સહાય બંધ અટકાવવા પર ભાર મુકાયો હતો.
ક્વાડની બેઠકમાં મુક્ત ઇન્ડો-પેસિફિક રિજન, કોરોના મહામારી સામેની લડાઈ અને ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ આ મુલાકાતો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી અને પ્રમુખ જો બાઇડેન વચ્ચેની મુલાકાતમાં બંને દેશ આતંકવાદને અત્યંત મહત્ત્વનો મુદ્દો ગણવા સહમત થયા હતા. શ્રીંગલાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ક્વાડની બેઠકમાં આતંકવાદ સામેની લડાઈને મહત્ત્વનો મુદ્દો બનાવવામાં પણ સફળ રહ્યાં હતાં.
ક્વાડના સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ક્વાડ સંગઠન કોઈ પણ દેશ સામે છદ્મ આતંકવાદના ઉપયોગને વખોડી કાઢીએ છીએ અને સરહદ પારથી થતા આતંકી હુમલા સહિતના આતંકવાદી હુમલાના આયોજનમાં મદદરૂપ થઇ શકે તેવા આતંકવાદી સંગઠનોને મળતી તમામ આર્થિક અને લશ્કરી સહાય અટકાવી દેવાની ભલામણ કરીએ છીએ.
ભારતના ૨૫ વિદ્યાર્થીને દર વર્ષે ક્વાડ ફેલોશિપ
વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ક્વાડ દેશોની સમિટમાં અમેરિકાના પ્રમુખ જો બાઇડેને અમેરિકાની યુનિવર્સિટીમાં ચાલતા અને STEM તરીકે ઓળખાતા સાયન્સ - ટેક્નોલોજી - એન્જિનિયરિંગ - મેથ્સ અભ્યાસક્રમોમાં જોડાવા માગતા ક્વાડ સભ્ય દેશોના વિદ્યાર્થીઓ માટે ક્વાડ ફેલોશિપની જાહેરાત કરી હતી. ક્વાડ સંગઠનના સભ્ય દેશો અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમો માટે આ શિષ્યવૃત્તિ અપાશે. ક્વાડ સમિટમાં બાઇડેને જણાવ્યું હતું કે, અમે અમેરિકામાં STEM અભ્યાસક્રમોમાં એડવાન્સ ડિગ્રી હાંસલ કરવા ઇચ્છતા ક્વાડ દેશોના વિદ્યાર્થીઓ માટે નવી ક્વાડ ફેલોશિપની શરૂઆત કરી રહ્યાં છીએ. ફેલોશિપ અંતર્ગત ક્વાડ દેશોના ૧૦૦ વિદ્યાર્થીને દર વર્ષે અમેરિકાની અગ્રણી STEM ગ્રેજ્યુએટ યુનિર્વિસટીઓમાં માસ્ટર અથવા ડોક્ટરેટ ડિગ્રી માટે શિષ્યવૃત્તિ અપાશે. ક્વાડ સંગઠનમાં ચાર દેશ હોવાથી દરેક દેશના ૨૫ વિદ્યાર્થીની પસંદગી કરાશે.
બાઇડેનની આ જાહેરાતને પગલે ભારતના પણ ૨૫ વિદ્યાર્થીની આ ફેલોશિપ માટે પસંદગી કરાશે.
વડા પ્રધાન મોદીએ જો બાઇડેન સાથેની પહેલી દ્વિપક્ષીય ઇન-પર્સન મિટિંગમાં એચવન-બી વિઝા સહિત ભારતીય સમુદાયને લગતાં સંખ્યાબંધ મુદ્દા ઉઠાવ્યા હતા. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રીંગલાએ જણાવ્યું હતું તે વડા પ્રધાન મોદીએ બાઇડેન સમક્ષ ભારતીય વ્યાવસાયિકો માટેની તકો અંગે ચર્ચા કરી હતી જેમાં તેમણે એચ-વનબી વિઝાનો ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter