આ છે રાજસ્થાનનો આઇન્સ્ટાઇનઃ યુએસની 6 યુનિવર્સિટીમાં પ્રવેશની ઓફર

Tuesday 26th April 2022 17:08 EDT
 
 

સીકરઃ આ છે સીકરનો નવયુવાન આઇન્સ્ટાઇન... તેણે જગવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી ખ્યાતિ ભલે હજુ મેળવી ના હોય, પરંતુ એ ચાલી રહ્યો છે એ જ રાહ પર તેમાં બેમત નથી. માધોપુરા (લક્ષ્મણગઢ)ના ધો. 12ના વિદ્યાર્થી આઇન્સ્ટાઇન ધયાલને તેની તેજસ્વી શૈક્ષણિક કારકિર્દીના પગલે અમેરિકાની 6 યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ઓફર મળી છે. આ સાથે જ અંદાજે 64 લાખ રૂપિયા (84 હજાર ડોલર) સુધીની સ્કોલરશિપની પણ ઓફર મળી છે. આ વિદ્યાર્થીએ વિશ્વની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાંથી એક સ્કોલિસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ (‘સેટ’)માં 1480નો સ્કોર હાંસલ કર્યો છે. આ સાથે જ તેને અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાંતા બારબરા, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડ, યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ, યુનિવર્સિટી ઓફ ઇલિનોઇ અર્બાના-શેમ્પેન અને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશનની ઓફર મળી ગઇ હતી.
સફળતાના મૂળમાં આકરી મહેનત
હાલ હૈદરાબાદના એક કોચિંગ ઇન્સ્ટિટ્યુટમાં તાલીમ લઇ રહેલા આ રાજસ્થાની આઇન્સ્ટાઇને એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રાપ્ત કરવા માટે ‘સેટ’ પરીક્ષા આપવી પડે છે. તેની તૈયારી માટે તેણે 12-12 કલાક સુધી વાંચન કર્યું હતું. પરીક્ષામાં ઉચ્ચ સ્કોર પ્રાપ્ત કરવાથી ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશપાત્ર બનાય છે. આ પછી વિદ્યાર્થીએ ધો. 9થી લઇને ધો.12 સુધીના સમગ્ર શૈક્ષણિક અને એકસ્ટ્રા એક્ટિવિટીઝનો રેકોર્ડ યુનિવર્સિટીને મોકલવાનો રહે છે. એટલું જ નહીં, અરજીની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરનો નિબંધ પણ મોકલવાના રહે છે. આ દરેક વસ્તુઓનું આકલન કર્યા બાદ યુનિવર્સિટી અરજીને સ્વીકારે છે.
મંગળ પર રોબોટ મોકલવાનું સ્વપ્ન
તેજસ્વી શૈક્ષણિક કારકીર્દિ ધરાવતો આઇન્સ્ટાઇન અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખુદની કંપની ખોલવા માગે છે, એ પછી રોબોટ તૈયાર કરીને મંગળ ગ્રહ પર મોકલવા માગે છે. સ્કૂલના દિવસોમાં આઇન્સ્ટાઇને પાણીમાં મિશ્રિત થતાં પ્લાસ્ટિકના માઇક્રોપાર્ટિકલ્સ સાફ કરતું મશીન બનાવ્યું હતું, જેનું રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કર્યું હતું. પ્રખ્યાત વિજ્ઞાન લેખક પોઝ જી. હેવિટે પણ પોતાના પુસ્તકમાં આ પ્રયોગનો ઉલ્લેખ કર્યો છે.
પિતા છે તેની પ્રેરણાસ્ત્રોત
આઇસ્ટાઇનના પિતા પ્રો. માર્શલ ધયાલ વારાણસીની આઇઆઇટી પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓ 22 વર્ષ પહેલા યુનિવર્સિટી ઓફ માનચેસ્ટરમાં પ્રવેશ મેળવનાર સીકરના પહેલા વિદ્યાર્થી હતા. આ પછી આઇનસ્ટાઇને ધો. 7ના અભ્યાસ દરમિયાન પોતાના પિતાને તેના પસંદગીની યુનિવર્સિટી વિશે પૂછ્યું હતું. પિતાએ જે વિકલ્પ આપ્યા તેને ગૂગલ પર સર્ચ કર્યા અને તે જ યુનિવર્સિટીઓમાં અભ્યાસ અંગેની પ્રતિજ્ઞા લીધી. આજે આઇન્સ્ટાઇનનું સપનું સાકાર થવાના આરે છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter