ભારતીય પેટ્રોનેટનો ટેલ્યુરિન સાથે કરારઃ પાંચ મિલિયન ટન એલએનજી ખરીદશે

Friday 27th September 2019 04:51 EDT
 
 

હ્યુસ્ટનઃ અમેરિકાના એનર્જી સેક્ટરની ૧૭ ટોચની કંપનીઓના ચીફ એક્ઝિક્યુટિવ્સ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફળદાયી બેઠક બાદ ભારતની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ (પીએલએલ) અને અમેરિકાના ટેલ્યુરિન કોર્પોરેશન વચ્ચે વાર્ષિક પાંચ મિલિયન ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ ખરીદવાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. ભારતની પેટ્રોનેટ એલએનજી લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓ ટેલ્યુરિન કોર્પોરેશન પાસેથી અમેરિકાથી દર વર્ષે પ૦ લાખ ટન એલએનજી આયાત કરશે. ટેલ્યુરિન કોર્પોરેશને જારી કરેલા નિવેદન અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બંને કંપનીઓ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા છે. કંપનીના સીઇઓ મેગ જેન્ટલે જણાવ્યું હતું કે, ડ્રિફ્ટવૂડ પ્રોજેક્ટમાં પેટ્રોનેટ સાથે લાંબી અને સમૃદ્ધ ભાગીદારીની અમને આશા છે.

કરાર પર એક નજર

૨૦૧૬માં લોન્ચ થયેલી એલએનજી સેક્ટરની અગ્રણી કંપની ટેલુરિયન એલએનજીએ એપ્રિલમાં ડ્રિફ્ટવૂડ એલએનજી એક્સપોર્ટ ટર્મિનલના નિર્માણ માટે પરમિટ મેળવી હતી. ડ્રિફ્ટવૂડ પ્રોજેક્ટની ક્ષમતા વાર્ષિક ૨.૭૬ કરોડ મેટ્રિક ટન એલએનજી ઉત્પાદનની છે. કરાર અનુસાર ભારતની પેટ્રોનેટ ડ્રિફ્ટવૂડ હોલ્ડિંગ્સમાં મૂડીરોકાણ કરશે. બદલામાં કંપની ટેલુરિયન પાસેથી વર્ષે ૫૦ લાખ ટન એલએનજી ખરીદવાનો અધિકાર મેળવશે.

મૂડીરોકાણ મુદ્દે મંત્રણા

વડા પ્રધાન મોદીએ ઓઇલ સેક્ટરની ૧૭ અમેરિકન જાયન્ટ કંપનીઓના સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ મંત્રણાના કેન્દ્રસ્થાને ઊર્જા સુરક્ષા સેક્ટરમાં સહકાર અને બંને દેશ વચ્ચે પરસ્પર મૂડીરોકાણની તકોમાં વધારો કરવાના મુદ્દા હતા. આ મિટીંગમાં ભારત-સ્થિત અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટર પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter