મોદીની સાદગીઃ ફૂલ નીચે પડ્યું તો જાતે જ ઊઠાવ્યું

Thursday 26th September 2019 05:55 EDT
 
 

હ્યુસ્ટનઃ મોદી હ્યુસ્ટન પહોંચ્યા ત્યારે જ્યોર્જ બુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. એક અમેરિકી અધિકારીએ તેમને આવકારવા ફુલોનો ગુલદસ્તો આપ્યો તે વેળા તેમાંથી એક ફૂલ નીચે પડી ગયું. મોદી તેમના સ્વાગત માટે હાજર ભારતીય સંરક્ષણ અધિકારીઓ સાથે હસ્તધૂનન કરી રહ્યા ત્યારે તેમની નજર નીચે પડેલા ફૂલ પર પડી હતી. પ્રોટોકોલની પરવા કર્યા વગર જ તરત તેમણે નીચા વળીને ફૂલ ઊઠાવી લીધું હતું અને સાથેના સુરક્ષા અધિકારીને આપી દીધું હતું.

મોદીએ સેનેટરના પત્નીની માફી માંગી

વડા પ્રધાન મોદીએ અમેરિકાના સેનેટર જ્હોન કોર્નિનના પત્નીની માફી માંગી હતી કારણ કે જ્હોન કોર્નિન ‘હાઉડી મોદી’માં હાજરી આપવા આવ્યા હોવાથી તેમના પત્નીની બર્થડે પાર્ટીમાં હાજર રહી શક્યા નહોતા. મોદીએ કોર્નિનના પત્ની સેન્ડીને જન્મદિનની શુભેચ્છા આપતા કહ્યું કે, ‘હું તમારી માફી માગું છું કારણ કે, તમારો જન્મદિવસ છે અને તમારા પતિ મારી સાથે છે.’ મોદીએ આ સંદેશો ટ્વીટ કર્યો હતો.

મોદીને પીરસાઇ વિશેષ ‘નમો થાળી’

મેગા ઇવેન્ટ બાદ મોદીને અમેરિકામાં મધર ઓફ ઇન્ડિયન ડાઇનિંગ તરીકે પ્રસિદ્ધ કિરણ વર્માએ તૈયાર કરેલાં ગુજરાતી વ્યંજનો સાથેની ‘નમો થાળી’ પીરસાઇ હતી. મોદીના યુએસ પ્રવાસ દરમિયાન કિરણ વર્માના રેસ્ટોરાંમાંથી જ ભોજન મોકલાશે. ‘નમો થાળી’માં મેથીના થેપલાં, સમોસા સાથે ફુદીનાની ચટણી, દાળ-ખીચડી, ખાંડવી, કચોરી, આમલીની ચટણી વગેરે સામેલ હતા. મીઠાઇમાં ગાજરનો હલવો, રસમલાઇ, શ્રીખંડ, ગુલાબજાંબુ અને ખીર પીરસાયાં હતાં.

બે કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ

વડા પ્રધાન મોદી એનઆરજી સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે ઉપસ્થિત અમેરિકાના અગ્રણી નેતાઓએ શાનદાર અભિવાદન કર્યું હતું. મોદીએ મંચ પર પહોંચ્યા બાદ ઝૂકીને ભારતીયો અને અમેરિકન સાંસદોનું અભિવાદન કર્યું હતું. મોદીનું સ્વાગત કરતાં હ્યુસ્ટનના મેયર સિલ્વેસ્ટર ટર્નરે તેમને ‘કી ઓફ હ્યુસ્ટન’ આપીને સન્માન્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ ગુરુવાણી અને શબદકીર્તન સાથે થયો હતો. બાદમાં ભાંગડા, ગરબા રજૂ કરાયાં હતાં. ૯૦ મિનિટના રંગારંગ કાર્યક્રમમાં ૨૭ કલ્ચરલ ગ્રૂપના ૪૦૦થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. એક ગ્રૂપે અમેરિકા અને ભારતની મિત્રતા દર્શાવતા ધમાકેદાર ગીત પર ડાન્સ રજૂ કર્યો હતો. ગુજરાતી ગરબાની રમઝટ સમયે તો આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું હતું.

અમદાવાદના કલાકારો છવાયા

સંગીતમય કાર્યક્રમનું સંચાલન અમદાવાદ સ્થિત પ્રસિદ્ધ તબલાવાદક ગુરુ પંડિત દિવ્યાંગ વકીલ અને હિના પટેલે કર્યું હતું. સંગીતસભર કાર્યક્રમનો પ્રારંભ ઋષિ વકીલના ગીત સાથે થયો હતો. સિતાર - તબલા - બેન્જો - વેસ્ટર્ન ડ્રમ - કી બોર્ડ વગેરે વાજિંત્રો પર રજૂ થયેલું કમ્પોઝિશન પંડિત દિવ્યાંગ વકીલનું સર્જન હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter