ડોક્ટર ટ્રાફિકમાં ફસાયા તો કાર છોડી 3 કિમી દોડ્યા, દર્દીનો જીવ બચાવ્યો

Friday 16th September 2022 07:03 EDT
 
 

બેંગલૂરુ: ડોક્ટરને ભગવાન સમાન ગણાવાય છે, અને ડો. ગોવિંદ નંદકુમારે આ માન્યતાને ખરા અર્થમાં સાકાર કરી દેખાડી છે એમ કહીએ તો પણ ખોટું નથી. બેંગલૂરુમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ડો. નંદકુમારે પોતાના દર્દીનો જીવ બચાવવા માટે એવું પગલું ભર્યું, જે અન્ય લોકો માટે ઉદાહરણ બન્યું છે. મણિપાલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સર્જન ડો. ગોવિંદ નંદકુમાર, જેઓ 30 ઓગસ્ટના રોજ લેપ્રોસ્કોપિક પિત્તાશયની ઇમરજન્સી સર્જરી કરવા માટે જઈ રહ્યા હતા, પરંતુ તેઓ સરજાપુર-મરાથલ્લી માર્ગ પર ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. ડો. નંદકુમારે ટ્રાફિક જોઈને વિચાર્યું કે તે સમયસર હોસ્પિટલે પહોંચી શકે એમ નથી અને મોડું થવાથી મહિલા દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આથી તેમણે કાર ત્યાં જ મૂકી દીધી અને સર્જરી કરવા માટે ત્રણ કિલોમીટર દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા.
ડો. નંદકુમારે કહે છે તેઓ સેન્ટ્રલ બેંગલૂરુથી મણિપાલ હોસ્પિટલ સુધી રોજ મુસાફરી કરે છે. એ દિવસે પણ તેઓ સમય કરતાં ઘણાં વહેલાં ઘરથી નીકળ્યા હતા. તેમની ટીમ સર્જરી માટે તૈયાર હતી. જોકે ટ્રાફિક જામને જોતાં ડોકટરે કારને ડ્રાઈવર સાથે છોડવાનું નક્કી કર્યું અને વિચાર્યા વગર હોસ્પિટલ જવા માટે દોડ લગાવી હતી. ડોક્ટર નંદકુમારની ટીમ દર્દીને એનેસ્થેસિયા આપવાની તૈયારી કરી રહ્યા હતા. બીજી બાજુ, ડોક્ટર ઓપરેશન થિયેટર પહોંચ્યા અને સર્જિકલ ડ્રેસ પહેરી ઓપરેશન શરૂ કર્યું.
આખરે સર્જરી સફળ રહી અને મહિલા દર્દીને રજા આપવામાં આવી હતી. ડોક્ટર નંદકુમારે સોમવારે દોડવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત નથી કે તેમણે આ પરિસ્થિતિનો સામનો કર્યો હોય. બેંગલૂરુના ઘણા વિસ્તારોમાં પગપાળા જવું પડે છે, અને કેટલીક વાર રેલવેલાઇન પર ચાલીને પહોંચવું પડે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter