દુનિયાભરમાં ભારતીયોએ દિવાળી ઉજવી, પણ આ બે દક્ષિણ ભારતીય ગામમાં લોકોએ દિવડોય ન પ્રગટાવ્યો!

Friday 08th November 2019 05:32 EST
 

ચેન્નાઇ: એકાદશીથી શરૂ થતો દિવાળીનો પરંપરાગત તહેવાર દુનિયાભરમાં વસતાં ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉંમંગથી ઉજવાયો, પરંતુ તામિલનાડુના શિવગંગા જિલ્લાના મામપટ્ટી અને કોલુકુડ્ડીપટ્ટીના લોકોએ દિવાળીના નામે દિવડોય પ્રગટાવ્યો નથી. આ ગામના લોકો આ વર્ષે જ દિવાળીથી દૂર રહ્યા છે તેવું નથી છેલ્લા છ દસકાથી દિવાળી ઊજવતા નથી.
આ બન્ને ગામમાં છેલ્લા ૬૦ વર્ષથી દિવડાનું અજવાળું પણ જોવા મળતું નથી કે ફટાકડાઓનો અવાજ પણ સંભળાતો નથી. દેશવિદેશમાં ભારતીયો દિવાળીનું પર્વ ઉજવતા હતા ત્યારે મામપટ્ટી અને કોલુકુડ્ડીપટ્ટી ગામો માટે આ એક રૂટિન દિવસો હતા. આ ગામના લોકો દિપોત્સવ કેમ ઉજવતા નથી તેની પાછળનું કારણ પણ પ્રેરણા આપે તેવું છે.
મામપટ્ટી અને કોલુકુડીપટ્ટી આ બંને ગામોની નજીક વેટ્ટનગુડી પક્ષી અભ્યારણ્ય આવેલું છે. આ ગામના લોકોને પક્ષીઓ માટે અનહદ લાગણી છે. દિવાળીના ફટાકડા ફોડવાથી આ અભ્યારણ્યમાં રહેતા પક્ષીઓને ખલેલ ના પડે તે માટે દાયકાઓથી દિવાળી મનાવતા નથી.
ઓકટોબરથી માર્ચ સુધી અહીંની બર્ડ સેન્ચ્યૂરીમાં હોર્ન્સ, ડાર્ટસ, સ્પૂનબિલ્સ, એશિયન ઓપન બિલ, ફલેમિંગો વગેરે જાતભાતના પક્ષીઓ આવે છે. આ પક્ષીઓ શાંત વાતાવરણમાં રહેવા ટેવાયેલા છે. વડીલોના જણાવ્યા અનુસાર એક સમય એવો હતો કે મામપટ્ટી અને કોલુકુડ્ડીપટ્ટી ગામના લોકો દિવાળી ઉજવવા માટે વ્યાજખોરો પાસેથી પૈસા લેતા હતા. લોકો દેવું કરીને પણ દિવાળી ઉજવતા હતા. જોકે સમય જતાં લોકોને સમજાયું કે પક્ષીઓને ખલેલ પડે તેવો ઉત્સવ ઉજવવો તેના કરતાં તો ઉજવણી જ ટાળવી. આમ ગામ લોકોએ દિવાળી નહીં ઉજવવાનું નકકી કર્યું હતું.
૧૯૫૮માં ગામ લોકોએ ગામદેવીની સાક્ષીએ દિવાળી નહીં ઉજવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને આજે પણ પાળવામાં આવે છે. આ પ્રતિજ્ઞા લેનારા વડીલો તો આજે હયાત નથી, પરંતુ તેની પેઢી આજે પણ સંકલ્પને પાળે છે આથી ગામમાં દિવાળી જેવો તહેવાર જ નથી. દિવાળીના ફટાકડા ફોડવાથી આ અભ્યારણ્યમાં રહેતા પક્ષીઓને ખલેલ ના પડે તે માટે દાયકાઓથી દિવાળી મનાવતા નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter