બાલાપુર ગણેશનો લાખેણો લાડુ

Saturday 17th September 2022 07:05 EDT
 
 

હૈદરાબાદ: શહેરના બાલાપુર ગણેશના વિખ્યાત 21 કિલોના લાડુના લિલામમાં રૂા. 24.60 લાખ ઉપજ્યા હતા. સારું નસીબ, આરોગ્ય, સંપતિ અને સમૃદ્ધિ લાવતો હોવાની માન્યતા ધરાવતો 21 કિલોનો વિખ્યાત લાડુ વેપારી અને બાલાપુર ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય વી. લક્ષ્મા રેડ્ડીએ ખરીદ્યો હતો. બાલાપુર ગણેશ ઉત્સવ સમિતિ દર વર્ષે આવું લિલામ યોજે છે. પ્રથમ વાર 1994માં લાડુનું લિલામ કરાયું હતું જેના રૂ. 450 મળ્યા હતા.
વર્ષોના વીતવા સાથે આ મિઠાઈની લોકપ્રિયતા અને કિંમત વધતા ગયા. એવું માનવામાં આવે છે કે આ લાડવાની ખરીદી કરનારને સમૃદ્ધિ મળે છે. એથી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને રાજકારણીઓ વચ્ચે આ લાડુ ખરીદવા માટે જોરદાર સ્પર્ધા જામે છે. 1994માં પ્રથમ લિલામમાં કોલાનુ મોહન રેડ્ડીએ આ લાડુ ખરીદ્યો હતો અને સળંગ પાંચ વર્ષ સુધી તે સફળ બિડર રહ્યા હતા. બિડમાં વિજેતા બન્યા બાદ તેને સમૃદ્ધિ મળતા લાડુની લોકપ્રિયતા વધી ગઈ.
જોકે 2020માં કોવિડ મહામારીને કારણે જાહેર સમારંભો પર પ્રતિબંધ હોવાથી લાડુનું લિલામ રદ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે લિલામના વિજેતાઓ લાડુના ટુકડાનું વિતરણ તેમના પરિવાર અને મિત્રોમાં કરી દેતા હોય છે. એટલું જ નહિ અમુક ટુકડા તેઓ પોતાના ખેતરોમાં, કાર્યાલયમાં તેમજ ઘરમાં પણ વેરી દેતા હોય છે.
શિક્ષણ મંત્રી સબિતા ઈન્દ્ર રેડ્ડી, પશુપાલન મંત્રી ટી. શ્રીનિવાસ યાદવ અને હૈદરાબાદના ભૂતપૂર્વ મેયર ટી. ક્રિષ્ના રેડ્ડીની હાજરીમાં યોજાયેલી હરાજીમાં ત્રણ બિન-સ્થાનિક સહિત કુલ નવ બિડરોએ ભાગ લીધો હતો. સેંકડો ભક્તોના હર્ષોલ્લાસ વચ્ચે સારું નસીબ લાવતા હોવાનું મનાતા લાડુ માટે હિસ્સેદારો ખુલ્લા લિલામમાં બોલી લગાવે છે.
ગયા વર્ષે લાડુના રૂ. 18.90 લાખ ઉપજ્યા હતા. આંધ્ર પ્રદેશ વિધાનપરિષદના સભ્ય રમેશ યાદવ તેમજ તેલંગણના નાદેરગુલના વેપારી મરી શશાંક રેડ્ડીએ આ વિખ્યાત લાડુની ખરીદી કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter