મુંબઇઃ મહાનગર જન્માષ્ટમી પર્વના ભાગરૂપે યોજાતા દહીંહાંડી મહોત્સવ માટે જગવિખ્યાત છે. આ વર્ષે દહીંહાંડી મહોત્સવ દરમિયાન નવો વિશ્વ વિક્રમ રચાયો છે. થાણેના વર્તકનગરમાં યોજાયેલા દહીહાંડી મહોત્સવમાં મુંબઇના જોગેશ્વરી સ્થિત કોંકણનગર ગોવિંદા પથકે દસ સ્તરીય પિરામીડ રચીને પોતાના નામે આ વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. અત્યાર સુધી કોઇ પણ ગોવિંદા પથક વધુમાં વધુ નવ સ્તરીય (થર) પિરામીડ રચવામાં જ સફળ રહ્યું છે.
આ વિક્રમ કલ્ચર સંસ્કૃતિ દહીહાંડીની ઉજવણીમાં રચાયો હતો. કોંકણનગર ગોવિંદા પથકે આ વિક્રમ સર્જીને 25 લાખ રૂપિયાનું રોકડ રકમ ઇનામ પણ મેળવ્યું હતું. વહેલી સવારથી વિવિધ ગોવિંદા ટુકડીઓ નવી ઉંચાઇઓ સર કરવાના ઇરાદા સાથે મુંબઇ-થાણાની ટોચની દહીંહાંડી સ્થળોએ પહોંચી ગઇ હતી. જોગેશ્વરી સ્થિત કોંકણનગર ગોવિંદા પથકે કોઇપણ ભૂલ વગર દસ સ્તરીય પિરામીડ રચીને ઇતિહાસ સર્જ્યો હતો. કોંકણનગર ગોવિંદા પથકની ટીમનું નેતૃત્વ 38 વર્ષીય કોચ વિવેક કોચરેકર કરી રહ્યા છે, જે 12 વર્ષથી પણ વધુ સમયથી ટીમને શિસ્તબદ્ધ તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે. પિરામીડ બનાવવા માટે સંગઠિત અને સચોટ અભિગમ માટે કોંકણનગર ગોવિંદા પથક જાણીતું છે.
વિશ્વ વિક્રમની સિદ્ધિ બાદ કોચરેકરે જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે નવ સ્તરીય પિરામીડ રચ્યો હતો, પણ આ વર્ષે અમે દસ સ્તરીય પિરામિડ રચવાના સંકલ્પ સાથે આવ્યા હતા અને અમે તે કરી બનાવ્યું હતું. અમારા ગોવિંદા પથકમાં 550 ગોવિંદાઓનો સમાવેશ થાય છે અને અમે આ વર્ષે દસ સ્તર રચવાના આશયથી જ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આ વખતે મોટી સંખ્યામાં જાહેર જનતાની સાથે જ સ્પેનિશ નાગરિકો પણ
અહીં પિરામિડ રચાતા જોવા આવ્યા હતા અને તેમણે પણ અમારી સિદ્ધિ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી.