ડોડોમા, અમદાવાદઃ બિલિયોનેર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ જોઈન્ટ વેન્ચરે ટાન્ઝાનિયામાં દાર-એ- સલામ પોર્ટસ્થિત કંપની ટાન્ઝાનિયા ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ સર્વિસીસ લિમિટેડમાં 95 ટકા હિસ્સો હસ્તગત કરવા હચિસન પોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સાથે સમજૂતી સાધી છે. અમદાવાદસ્થિત કંપનીએ જણાવ્યું હતું કે અદાણીએ અબુ ધાબીસ્થિત લોજિસ્ટિક્સ કંપની એડી પોર્ટ્સ ગ્રૂપ અને ઈસ્ટ હાર્બર ટર્મિનલ્સ લિમિટેડ સાથે પાર્ટનરશિપમાં 39.5 મિલિયન ડોલરની કિંમતે ટાન્ઝાનિયાની કન્ટેનર કંપની હાથમાં લેવા સોદો કર્યો છે.
બિલિયોનેર ગૌતમ અદાણીના એરપોર્ટ્સથી પાવર સુધી વિસ્તરેલા વેપારક્ષેત્રમાં સૌપ્રથમ આફ્રિકા ખંડમાં કન્ટેનર ટર્મિનલનો સમાવેશ થશે. અદાણી પોર્ટ્સના પોર્ટફોલીઓમાં ઈઝરાયેલમાં હાઈફા અને શ્રી લંકામાં કોલંબો પછી આ ત્રીજી આંતરરાષ્ટ્રીય પોર્ટ એસેટનો ઉમેરો થશે. અદાણી ગ્રૂપ ટાન્ઝાનિયાના ફેર કોમ્પિટિશન કમિશન દ્વારા બહાલી સાથે આગામી મહિનાના અંત સુધીમાં એક્વિઝિશન સોદાને પાર પાડવા તૈયાર છે.
અદાણી પોર્ટ્સે દાર-એ- સલામ પોર્ટની બીજી કન્ટેનર સુવિધાના સંચાલન અને કામકાજ બાબતે ટાન્ઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે 30 વર્ષના કન્સેશન એગ્રીમેન્ટ પર સહીસિક્કા કર્યા છે. આ ટર્મિનલ એક મિલિયન ટ્વેન્ટી ફૂટ યુનિટ સમકક્ષ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે અને તેના દ્વારા 2023માં 820,000 TEUનું સંચાલન કરાયું હતું.