આફ્રિકન પાર્લામેન્ટના પ્રમુખની ચૂંટણીની બેઠકમાં ધાંધલધમાલ

Wednesday 09th June 2021 06:19 EDT
 
 

મીડરેડઃ આફ્રિકન યુનિયન પાર્લામેન્ટના નવા પ્રમુખની ચૂંટણીના મુદ્દે એક અઠવડિયાની ચર્ચા ઉગ્ર બનતાં મારામારી થઈ હતી.  
દક્ષિણ આફ્રિકાના નેશનલ બ્રોડકાસ્ટર SABC પર દર્શાવાયેલા આ ધાંધલધમાલના દ્રશ્યોમાં પોતાનો અસંતોષ વ્યક્ત કરવા સાંસદો ફ્લોર તરફ દોડી જતા, અધિકારીઓ સામે ઘાંટા પાડતા દેખાયા હતા.  
પાન આફ્રિકન પાર્લામેન્ટના પ્રમુખની ચૂંટણીમાં મતદાન કરવા માટે રૂમમાં આગળ જ મૂકાયેલા વ્હાઈટ બેલટ બોક્સ કબજે કરવા સાંસદોમાં ખેંચતાણ ચાલી હતી.
પહેલા તો આ બોક્સ માટે બે મહિલા લડી હતી અને એકબીજાના હાથમાંથી બોક્સ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે પછી ગુસ્સે થયેલા એક પુરુષ સાંસદે સાઉથ આફ્રિકાના મહિલા સભ્ય પેમી મેજોડિનાની દિશામાં પોતાનું સૂટ જેકેટ ફેંક્યુ હતું. ઓળખી ન શકાયેલા સાંસદે જણાવ્યું કે તેઓ મેજોડિનાને લાત મારવાનો પ્રયાસ કરતા ન હતા પરંતુ, આ અંધાધૂંધીનું રેકોર્ડિંગ કરી રહેલા બીજા સાંસદના હાથમાંથી સેલફોન પાડવા માટે કીક મારવાનો પ્રયાસ કરતા હતા.
મેજોડિનાએ SABC ને જણાવ્યું કે હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ અને અંધાધૂંધી ભરેલી છે અને મુદ્દો ચૂંટણી અને રોટેશનલ સિદ્ધાંતનો છે.   .  
અન્ય સાંસદો તેમના માઈક્રોફોન પર બૂમો પાડતા હતા કે રૂમમાં સશસ્ત્ર લોકો છે અને તેઓ વારંવાર પોલીસ અને સિક્યુરિટીને બોલાવતા હતા. તેમણે દાવો કર્યો કે સાઉથ આફ્રિકનોના એક ગ્રૂપે તેમને બંદૂક બતાવીને ધમકી આપી હતી. મેજોડિનાએ જણાવ્યું કે રૂમમાં કોઈ બંદૂક ન હતી.  
આફ્રિકન યુનિયન કમિશનના ચેરપર્સન મૌસૈ ફાકી મહબમતે આ હિંસાની કડક શબ્દોમાં ટીકા કરી હતી.  
ગયા ગુરુવારે જોહાનિસબર્ગ નજીકના સ્થળે ફરજ બજાવતા સ્ટાફ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચૂંટણી મુલતવી રખાઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter