ઝિમ્બાબ્વે ચૂંટણીમાં પ્રેસિડેન્ટ મ્નાન્ગાગ્વા પુનઃ ચૂંટાયા

Tuesday 29th August 2023 03:07 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વેની સામાન્ય ચૂંટણીમાં પ્રેસિડેન્ટ એમર્સન મ્નાન્ગાગ્વા પુનઃ પાંચ વર્ષની બીજી અને આખરી મુદત માટે ચૂંટાઈ આવ્યા છે. શનિવાર 26 ઓગસ્ટની મોડી સાંજે જાહેર પરિણામ મુજબ શાસક પાર્ટી Zanu-PFના ઉમેદવાર મ્નાન્ગાગ્વાને 52.6 ટકા જ્યારે મુખ્ય હરીફ વિરોધ પક્ષ સિટિઝન્સ કોએલિશન ફોર ચેન્જ (CCC)ના ઉમેદવાર નેલ્સન ચામીસાએ 44 ટકા મત હાંસલ કર્યા હતા. ઝિમ્બાબ્વે ઈલેક્ટોરલ કમિશન (ZEC)ના જણાવ્યા મુજબ રજિસ્ટર્ડ મતદારોના 69 ટકા અથવા 4.4 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાંથી મ્નાન્ગાગ્વાને 2.3 મિલિયન અને ચામીસાને 1.9 મિલિયન મત મળ્યા હતા. જોકે, વિરોધપક્ષો અને ચૂંટણી નીરિક્ષક દેશોએ પરિણામો બાબતે શંકા વ્યક્ત કરી હતી. ચામીસાએ ભારે ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો હતો.

એમર્સન મ્નાન્ગાગ્વાએ ચૂંટણીમાં શાંતિ જાળવવા બદલ રવિવારે લોકોનો આભાર માન્યો હતો. તેમણે 2017ના લશ્કરી બળવા પછી લાંબા સમયથી સત્તા પર રહેલા રોબર્ટ મુગાબે પાસેથી સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. તેમણે 2018માં વિપક્ષી નેતા ચામીસાને સાંકડી સરસાઈથી હાર આપી હતી. શાસક પાર્ટી Zanu-PF ચાર દાયકા કરતા વધુ સમયથી સત્તા પર છે.

કેન્યામાં બ્રિટિશ સૈનિકો દ્વારા શોષણ મુદ્દે તપાસ

નાઈરોબીઃ કેન્યાની સરકારે નાઈરોબીના કેરોલિન કિમેઉ ટ્રેનિંગ યુનિટમાં બ્રિટિશ આર્મી દ્વારા શોષણના આક્ષેપોમાં પાર્લામેન્ટરી ઈન્ક્વાયરીની જાહેરાત કરી છે. આ માટે લોકોને આર્મી દ્વારા કથિત ગુનાઓ કે શોષણની ઘટનાઓ વિશે પિટિશન કરવા જણાવાશે અને ઓક્ટોબરમાં તપાસ શરૂ કરી વર્ષના અંતે રિપોર્ટ જાહેર થશે. સાંસદોએ આ બાબતે કહ્યું હતું કે આના પરિણામે દેશમાં બ્રિટિશ આર્મીના ભવિષ્યને અસર થઈ શકે છે. કેન્યાની પાર્લામેન્ટરી ડિફેન્સ કમિટી દ્વારા તપાસમાં બ્રિટિશ આર્મી ટ્રેનિંગ યુનિટ કેન્યા (Batuk)ની પ્રવૃત્તિઓને આવરી લેવાશે. આ યુનિટના સૈનિકો સામે હત્યા, જાતીય શોષણ અને નાઈરોબીથી 200 કિ.મી.ઉત્તરે આવેલા નાનયુકી થાણા નજીકની જમીનને નુકસાન કર્યાના આક્ષેપો લાગ્યા છે. કેન્યાએ 1963માં યુકેથી આઝાદી મેળવ્યા પછી પહેલી વખત બ્રિટિશ આર્મીની પ્રવૃત્તિઓની સમીક્ષા થઈ રહી છે. કેન્યા અને યુકે વચ્ચે સંરક્ષણ સમજૂતી હેઠળ બ્રિટિશ દળોને કેન્યામાં તાલીમ લેવાની સવલતો મળે છે.

યુગાન્ડાનો વપરાયેલા વસ્ત્રોની આયાત પર પ્રતિબંધ

કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ વપરાયેલા વસ્ત્રોની આયાત પર પ્રતિબંધ લાદ્યો છે. પ્રમુખે કહ્યું હતું કે આવી આયાતથી સ્થાનિક ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થતો નથી તેમજ આવા વસ્ત્રો પશ્ચિમના મૃત લોકોના હોય છે. મોટા ભાગના આફ્રિકન દેશોની માફક યુગાન્ડા પણ વપરાયેલા વસ્ત્રોની મોટા પાયે આયાત કરે છે કારણકે તેની કિંમત ઓછી હોવાથી ગ્રાહકો તેને પસંદ કરે છે. જોકે, સેકન્ડ હેન્ડ વસ્ત્રો બજારમાં ઠલાવાથી યુગાન્ડાની કોટન અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના વિકાસની ક્ષમતા રૂંધાતી હોવાની સ્થાનિક ઉત્પાદકોની ફરિયાદ રહી છે. બ્રિટિશ ચેરિટી ઓક્સફામ અનુસાર યુરોપ અને યુએસની ચેરિટીઝને દાનમાં અપાયેલા વસ્ત્રોના 70 ટકા આફ્રિકામાં પહોંચે છે. જોકે, આમાંથી મૃતકોના કેટલા વસ્ત્રો દાનમાં આવ્યા હોય તેની ટકાવારી મળતી નથી. પ્રમુખ મુસેવેનીએ એમ પણ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક મીટર્સ અને ઈલેક્ટ્રિક કેબલ્સને પણ પ્રતિબંધ લાગુ પડશે અને આ માલ યુગાન્ડાની ફેક્ટરીઓમાંથી જ ખરીદવાનો રહેશે.

માડાગાસ્કરના સ્ટેડિયમમાં ભાગદોડથી 13ના મોત

આન્ટાનાનારિવોઃ માડાગાસ્કરની રાજધાની આન્ટાનાનારિવોના સ્ટેડિયમમાં 26 ઓગસ્ટ શુક્રવારે થયેલી ભાગદોડથી સાત બાળકો સહિત ઓછામાં ઓછાં 13ના મોત સાથે 107 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું રેડક્રોસ દ્વારા જણાવાયું હતું. જોકે, માડાગાસ્કરના વડા પ્રધાન ક્રિશ્ચિયન નિટ્સેએ 12 મોત અને 80 ઈજાગ્રસ્તનો આંકડો આપ્યો હતો. બારેઆ સ્ટેડિયમ ખાતે યોજાએલા ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેઈમ્સના ઉદ્ઘાટન સમારંભમાં આશરે 50,000 દર્શક આવ્યા હતા ત્યારે પ્રવેશદ્વાર પર ભાગદોડ મચી હતી. આ ગેઈમ્સ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. આશરે 40 વર્ષથી દક્ષિણપશ્ચિમ હિન્દ મહાસાગરના વિવિધ ટાપુરાષ્ટ્રોમાં દર ચાર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાય છે. ગત સ્પર્ધા મોરેશિયસમાં યોજાઈ હતી.

સાઉથ આફ્રિકામાં વધી રહેલી અંધત્વની સમસ્યા

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં કેટેરેક્ટ-મોતિયા અને ગ્લુકોમાના દર્દીઓમાં અંધત્વની સમસ્યા વધી રહી છે. હજારો પેશન્ટ્સ તેમની દૃષ્ટિ પુનઃ પ્રાપ્ત કરવાની આશામાં મૃત્યુ સુધી ડોક્ટર્સની રાહ જોઈ રહ્યા છે. મેડિકલ ચેરિટીઝ દ્વારા ‘આઈ ક્લિનિક વીક’ના આયોજનો થાય છે જે પૂરતાં નથી. ડિસેબિલિટીઝ વિશે સાઉથ આફ્રિકામાં છેલ્લી ગણતરી 2011માં કરાઈ હતી જે મુજબ 11 ટકા વસ્તીને જોવા કે દૃષ્ટિ સંબંધિત સમસ્યા હતી જેમાં 700,000થી વધુ લોકોને ગંભીર સમસ્યા હતી. લાઈફસ્ટાઈલમાં ફેરફાર, ડાયાબિટીસસ હાઈપર ટેન્શન જેવા રોગો તેમજ વૃદ્ધ વસ્તીમાં વધારો દૃષ્ટિ સમસ્યા સાથે સંકળાયેલા છે જેમાં, ગ્લુકોમા, કેટેરેક્ટ, ડાયાબિટિક રેટિનોપથી અને મેક્યુલર ડિજનરેશનની સમસ્યા મુખ્ય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ 2.2 બિલિયન લોકો નબળી દૃષ્ટિ ધરાવે છે જેમાંથી ઓછામાં ઓછાં 1 બિલિયન લોકોની સમસ્યા નિવારી શકાય તેવી હોય છે. સાઉથ આફ્રિકા નિવારી શકાય તેવા અંધત્વને 20 વર્ષમાં નાબૂદ કરવાની WHO ની યોજનામાં વર્ષ2000માં જોડાયું હતું. દર વર્ષે પ્રતિ દસ લાખ લોકોમાંથી વાર્ષિક 2000 કેટેરેક્ટ સર્જરી કરવાની ભલામણને પણ તે પહોંચી શક્યું નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter