ઝામ્બીઆની કોન્કોલા કોપર માઈન્સ ફડચામાં જતાં બચી

Tuesday 12th September 2023 14:07 EDT
 
 

લુસાકાઃ ઝામ્બીઆની સૌથી મોટી કોપર ખાણ કોન્કોલા કોપ માઈન્સ (KCM)ને તેની લંડનસ્થિત મુખ્ય હિસ્સેદાર કંપની વેદાંતાએ એક બિલિયન ડોલરની રોકડની ફાળવણી કરવા સાથે તે ફડચામાં જતાં બચવા ઉપરાંત, સરકાર સાથે વર્ષો જૂની કાનૂની લડાઈનો અંત આવ્યો છે. સરકારી માલિકીની ZCCM-IH કંપની આ ખાણમાં લઘુમતી હિસ્સેદાર છે. ઝામ્બીઆ સરકારે 2019માં ટેક્સ અને સંચાલનના મુદ્દાઓ પર KCMને લિક્વિડેશન પ્રક્રિયામાં મૂકી હતી. સરકારે જણાવ્યા મુજબ કોન્કોલા કોપર માઈન્સનું સંચાલન 79.4 હિસ્સા સાથેની વેદાંતા રિસોર્સીસ લિમિટેડ પાસે યથાવત રહેશે. વેદાંતાએ સ્થાનિક માઈનિંગ કોમ્યુનિટી પાછળ વાર્ષિક 20 મિલિયન ડોલર ફાળવવાની જાહેરાત પણ કરી છે. આફ્રિકામાં તાંબાના ઉત્ખનનમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કેોન્ગો પછી ઝામ્બીઆ બીજા ક્રમે છે.

ખાર્ટુમમાં હવાઈ હુમલોઃ 40ના મોત

ખાર્ટુમઃ આંતરિક સંઘર્ષમાં ફસાયેલા સુદાનની રાજધાની ખાર્ટુમના ભરચક ક્યોરો બજારમાં 10 સપ્ટેમ્બર, રવિવારે ડેરોન હુમલો થતા 40થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા અને 36થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. UNદ્વારા ઓગસ્ટના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં સંઘર્ષમાં 4,000 થી વધુ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. રિપોર્ટ અનુસાર સામસામા આક્ષેપો કરાતા આ ડ્રોન હુમલા માટે કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ નથી પરંતુ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સુદાનમાં 5 એપ્રિલથી શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદ નાગરિકોના મોતનો આ સૌથી મોટો આંકડો છે.

યુગાન્ડાની લશ્કરી કાર્યવાહીઃ ADFના 567 લડવૈયાનો ખાત્મો

કમ્પાલાઃ યુગાન્ડાએ ડિસેમ્બર 2021માં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોન્ગો (DRC)માં ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા બળવાખોર જૂથ એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF) વિરુદ્ધ કાર્યવાહી આરંભી ત્યારથી 567 લડવૈયાનો ખાત્મો બોલાવ્યોનો દાવો કર્યો છે. યુગાન્ડાવિરોધી ADF કોન્ગોની પૂર્વમાં આવેલા જંગલોમાં છુપાઈ યુગાન્ડા અને કોન્ગો બંને સામે હુમલાઓ કરે છે. યુગાન્ડાના પ્રમુખ મુસેવેનીએ જણાવ્યું હતું કે યુગાન્ડાની મિલિટરીએ અત્યાર સુધી ADFની છાવણીઓ પર હુમલાઓ કરી 567 સભ્યને મારી નાખ્યા છે અને 50થી વધુને જીવતા ઝડપી લીધા છે. બળવાખોરો પાસેથી મોટા જથ્થામાં શસ્ત્રો પણ કબજે લેવાયા હતા. આ વર્ષે જૂન મહિનામાં ADFદ્વારા કાશેસેની શાળા પરના હુમલામાં વિદ્યાર્થીઓ સહિત42 લોકોના મોત નીપજ્યા હતા.

કેન્યાના બે બંધ પ્રોજેક્ટ નિષ્ફળ જવાનું કૌભાંડ

નાઈરોબીઃ કેન્યામાં આરોર અને કિમ્વાવેર બંધો કદી બંધાયા ન હોવાં છતાં, સરકારના 80 મિલિયન પાઉન્ડ પાણીમાં પડી ગયા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ઈટાલિયન કંપની દ્વારા બંધાનારા બે બંધ માટે આ રકમ ઈન્સ્યુરન્સ તરીકે ચૂકવાઈ હતી. શોર્ટ ફિલ્મ ‘આફ્રિકા અનસેન્સર્ડઃ કેન્યાઝ જર્ની ટુ એ ડેટ ક્રાઈસિસ’માં આ કૌભાંડ અને ભ્રષ્ટાચાર વિશે ચિંતા દર્શાવાઈ છે.

આરોર અને કિમ્વાવેર બંધોથી પાંચ લાખ લોકોને વીજળી અને પાણી મળશવાની યોજના હતી. ઈટાલિયન કંપનીને કામગીરી સોંપાઈ હતી. વૃક્ષો કાપવા ઉપરાંત, આશરે 800 લોકોના સ્થળાંતર માટે પણ કહી દેવાયું હતું. જોકે, છ વર્ષ પછી આ બંધોએ કેન્યાને દેવાંના ખાડામાં ઉતારી દીધું છે અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મર્યાદિત ફાયદો જ થયો છે. બંધ કૌભાંડ સંબંધિત લોન્સ માટે ઈન્સ્યુરન્સની રકમો શા માટે ચૂકવાઈ તેનો કોઈ ઉત્તર મળતો નથી.

યુગાન્ડાના ધર્મસ્થળોમાં અજાણ્યાને પ્રવેશ ન આપોઃ મુસેવેની

કમ્પાલાઃ યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસના બળવાખોરોની ત્રાસવાદની ધમકીઓ સામે સાવચેત રહેવાનું મહત્ત્વ સમજાવવા સાથે ચર્ચ અને મસ્જિદ સહિતના ધર્મસ્થાનો તેમજ આનંદપ્રમોદના સ્થળોમાંમાં અજાણ્યા લોકોને પ્રવેશ નહિ આપવાની યુગાન્ડાવાસીઓને તાકીદ કરી હતી. અજાણી વ્યક્તિઓ ધર્મસ્થળોમાં પ્રવેશ કરવા માગે તો સામે પ્રશ્નો કરો અને પોલીસને જાણકારી આપો તેમ મુસેવેનીએ રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું. તેમણે હોટેલ્સ અને લોજીસનો ઉલ્લેખ કરી ત્યાં રહેતા તમામની ઓળખપત્રો અને ફોટોઝ સાથેની માહિતી નોંધવા જણાવ્યું હતું. કમ્પાલાના ચર્ચમાં બોમ્બહુમલો અટકાવાયાના બીજા દિવસે વધુ પાંચ બોમ્બ મળી આવ્યાના પગલે પ્રમુખ મુસેવેનીએ લોકોને સાવધાની રાખવા જણાવ્યું છે.

સુદાનમાં ગૃહયુદ્ધથી 50 લાખ લોકો ઘરવિહોણા

ખાર્ટુમઃ સંયુક્ત રાષ્ટ્રની એજન્સી ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના જણાવ્યા મુજબ નોર્થ આફ્રિકન દેશ સુદાનના લશ્કરના જનરલ અબ્દુલ ફત્તાહ બુરહાન અને હરીફ અર્ધલશ્કરી દળો રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF)ના જનરલ મોહમ્મદ હમદાન દગાલ વચ્ચે એપ્રિલ મહિનાથી સત્તા કબજે કરવાની અથડામણોના કારણે 40 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે જ્યારે અન્ય 11 લાખ લોકો પડોશી દેશોમાં નાસી છૂટ્યા છે. 7.5 લાખથી વધુ લોકોએ ઈજિપ્ત અને ચાડમાં આશરો લીધો છે. સુદાનીઝ લશ્કર અને RSF વચ્ચે મધ્યસ્થીના આંતરરાષ્ટ્રીય પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ રહ્યાં છે. જોકે, અત્યાર સુધી ઓછામાં ઓછી નવ યુધ્ધવિરામ સમજૂતીઓ થઈ હતી પરંતુ, પરિસ્થિતિમાં કોઈ નિવેડો લાવી શકાયો નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter