મુસેવેનીના વસ્ત્રો પાછળ દૈનિક Shs 1 મિલિયન ખર્ચનો વિરોધ

Tuesday 23rd May 2023 06:30 EDT
 

કમ્પાલાઃ યુગાન્ડાના વિરોધપક્ષોએ પ્રમુખ યોવેરી મુસેવેનીના વસ્ત્રો, બેડિંગ અને પગરખાં પાછળ કરાતાં જંગી ખર્ચાનો વિરોધ કર્યો છે. યુગાન્ડાના નાણાવર્ષ 2023/24 ના સૂચિત બજેટમાં 239 બિલિયન શિલિંગ્સની રકમ સ્ટેટ હાઉસ માટે ફાળવાઈ છે અને વિપક્ષે તેમાં 82 બિલિયન શિલિંગ્સનો કાપ મૂકવા દરખાસ્ત કરી છે. વિપક્ષી સાંસદોએ જણાવ્યું હતું કે સ્ટેટ હાઉસમાં વસ્ત્રો, બેડિંગ અને પગરખાં પાછળ સૂચિત 350મિલિયન શિલિંગ્સના ખર્ચનો તેઓ વિરોધ કરે છે. ગત વર્ષે પણ આટલી જ રકમ ફાળવાઈ હતી. આ હિસાબે વસ્ત્રો ખરીદવા દૈનિક સરેરાશ 1મિલિયન શિલિંગ્સનો ખર્ચ કરાય છે તેવો આક્ષેપ શેડો ફાઈનાન્સ મિનિસ્ટર મુવાન્ગા તથા કિરા મ્યુનિસિપાલિટી લેજિસ્લેટર ઈબ્રાહિમ સ્સેમુજ્જુ ન્ગાન્ડાએ લગાવ્યો હતો.

                                        ઝિમ્બાબ્વેના શ્વેત ખેડૂતોને જંગી વળતરની કવાયત

હરારેઃ આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કે ઝિમ્બાબ્વેમાં જમીનો અને અન્ય સંપત્તિ ગુમાવનાારા શ્વેત ખેડૂતોને 3.5 બિલિયન ડોલરની રકમનું જંગી વળતર આપવા ભંડોળ એકત્ર કરવાની કવાયત આરંભી છે. બેન્કના પ્રેસિડેન્ટ એકિન્વુમિ આડેસિનાએ વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે બેન્ક ઝિમ્બાબ્વે સરકાર સાથે મળીને દેશના દેવાંમાં વધારો ન થાય તે રીતે ઈનોવેટિવ નાણાકીય સાધનો ઉભા કરવા માટે કાર્યરત છે. પૂર્વ પ્રમુખ રોબર્ટ મુગાબેના શાસનકાળમાં અશ્વેત પરિવારોના પુનર્વસન માટે વર્ષ 2000 પછી સ્થાનિક શ્વેત ખેડૂતોની જમીનો લઈ લેવાઈ હતી. આ ખેડૂતોને વળતર આપવા ઝિમ્બાબ્વે 2020માં સંમત થયું હતું. શ્વેત ખેડૂતોની જમીનો લઈ વેવાયા પછી પશ્ચિમી દેશોએ દક્ષિણ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે સામે સંખ્યાબંધ પ્રતિબંધો જાહેર કરવાના પરિણામે ઊંચા ફૂગાવા અને ભારે દેવાં હેઠળ તેનું અર્થતંત્ર ખાડે ગયું છે.

કેન્યા -સોમાલિયા સરહદ 12 વર્ષ પછી ખુલ્લી કરાશે

નાઈરોબીઃ કેન્યા અને સોમાલિયા 90 દિવસમાં તબક્કાવાર તેમની સરહદોના ત્રણ પોઈન્ટને ખોલવા સહમત થયા છે. અલ કાયદા સાથે સંકળાયેલા અને સોમાલિયાસ્થિત અલ-શાબાબ ત્રાસવાદી સંગઠન દ્વારા વારંવાર હુમલાના પગલે પૂર્વ પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ 2011માં ગેરિસ્સા, માન્ડેરા અને લામુ કાઉન્ટીઝમાં આવેલા બોર્ડર પોઈન્ટ્સ બંધ કરાવી દીધા હતા. હવે કેન્યા અને સોમાલિયા વચ્ચે સરહદ પારના સહકાર અને દ્વિપક્ષી સંબંધો વધારવાના પ્રયાસમાં બંને દેશો દ્વારા સોમવાર 15 મેએ આ નિર્ણય લેવાયો છે. સૌ પહેલા 30 દિવસમાં માન્ડેરા-બુલા હાવા પોઈન્ટ અને તે પછી સોમાલિયા તરફ આવેલા લિબોઈ-હારહાર- ધોબ્લે પોઈન્ટ અને છેલ્લે કિઉન્ગા-રાસ કામ્બોની બોર્ડર પોઈન્ટ ખોલવામાં આવશે.

 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter