ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાના પ્રયાસમાં બ્રિટિશર અને 3 અમેરિકન સહિત 37ને શુક્રવાર 13 સપ્ટેમ્બરે મોતની સજા ફરમાવાઈ છે. વિપક્ષી નેતા ક્રિસ્ટિયન મલાન્ગાના નેતૃત્વ હેઠળ ગત 19 મેએ પ્રેસિડેન્ટ ફેલિક્સ ત્સીસેકેડીને ઉથલાવવા બળવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. બેલિજિયન, કેનેડિયન અને કેટલાક કોંગોલીઝ નાગરિકો સહિતના લોકો ટેરરિઝમ, હત્યા, અને ગુનાઈત સાથીદારી સહિતના આરોપો પરના ચુકાદા સામે અપીલ કરી શકશે. બળવાના પ્રયાસમાં 6 વ્યક્તિના મોત નીપજ્યા હતા.
યુએસસ્થિત કોંગોલીઝ રાજકારણી મલાન્ગાને સિક્યુરિટી દળોએ મારી નાખ્યા તે પહેલા સશસ્ત્ર હુમલાખોરોએ પ્રેસિડેન્સી ઓફિસ પર થોડો સમય કબજો જમાવ્યો હતો. જુલાઈમાં થયેલી ટ્રાયલમાં છોડી દેવાયા હતા. મોતની સજા ફરમાવાયેલા ત્રણ અમેરિકન આરોપીમાં મલાન્ગાના પુત્ર માર્સેલ મલાન્ગા, ટેલર થોમ્પસન જુનિયર અને બેન્જામિન ઢાલમાન-પોલુન છે તેમજ બ્રિટિશર વિશે કોઈ સત્તાવાર માહિતી મળતી નથી.
• સુદાન સામે શસ્ત્ર પ્રતિબંધ લંબાવાયા
યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા સુદાનના ડારફૂર વિસ્તારમાં સંઘર્ષરત પક્ષો સામે શસ્ત્ર સહિત પ્રતિબંધો વધુ એક વર્ષ લંબાવાયા છે. આ પ્રતિબંધો 12 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે જેમાં, પ્રવાસ પ્રતિબંધ, સંપત્તિઓ સ્થગિત કરવા સહિતનો સમાવેશ થાય છે. સુદાનમાં એપ્રિલ 2023થી હરીફ જનરલ્સ વચ્ચે યુદ્ધ ફાટી નનીકળ્યા પછી ભયાનક માનવતાવાદી કટોકટી સર્જાઈ છે. 10 મિલિયનથી વધુ લોકો સલામતી માટે ઘરબાર છોડી નાસી છૂટ્યા છે. યુએનના અહેવાલ મુજબ દેશમાં 26 મિલિયન લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે.
• નાઇજીરિયામાં બોટ અને ટ્રક અકસ્માતોમાં 110થી વધુના મોત
નોર્થવેસ્ટ નાઇજીરિયાના ઝામફારા સ્ટેટમાં 14 સપ્ટેમ્બર શનિવારની સવારે નદીમાં 70થી વધુ ખેડૂતોને ગુમ્મી ટાઉન લઈ જતી લાકડાંની હોડી ઊંધી વળતાં ઓછામાં ઓછાં 64 ખેડૂતના મોત નીપજ્યાના અહેવાલ છે. બચાવ કામગીરીમાં 6 ખેડૂતને પાણીમાંથી જીવતા શોધી લેવાયા હતા. જ્યારે અન્ય અકસ્માતમાં ગત રવિવાર 8 સપ્ટેમ્બરે તેલના ટેન્કર તથા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. જેના પરિણામે ભારે વિસ્ફોટ થતાં 48 લોકોના મોત થયા હતા તેમજ 50 જેટલા દૂધાળાં ઢોર પણ જીવતા સળગી ગયા હતાં.
• કુશળ વર્કર્સ માટે કેન્યા-જર્મની વચ્ચે કરાર
જર્મનીના લેબર માર્કેટમાં અછત પૂરી કરી શકે તેવા કેન્યન કુશળ વર્કર્સ બાબતે જર્મની અને કેન્યા વચ્ચે સમજૂતી પર બર્લિનમાં 13 સપ્ટેમ્બર શુક્રવારે સહીસિક્કા કરાયા હતા. આ ઉપરાંત, જર્મનીમાં રહેવાનો અધિકાર ન હોય તેવા ગેરકાયદે કેન્યનોને સ્વદેશ પરત મોકલી અપાશે. જર્મનીની મુલાકાતે ગયેલા કેન્યાના પ્રમુખ વિલિયમ રુટો અને જર્મન ચાન્સેલર ઓલાફ શ્કોલ્ઝની હાજરીમાં આ સમજૂતી થઈ છે. જર્મનીને દર વર્ષે આશરે 400,000 કુશળ ઈમિગ્રન્ટ્સની જરૂર રહે છે. જર્મનીને મોટી સંખ્યામાં કેન્યન આઈટી નિષ્ણાતોનો લાભ મળશે.