કેન્યામાં પેટ્રોલ, ક્રિપ્ટો કરન્સીઝ અને બ્યૂટી પ્રોડક્ટ્સ પર ભારે ટેક્સ લદાશે

વાળ કપાવવા પણ હવે મોંઘા પડશે

Tuesday 23rd May 2023 06:04 EDT
 

નાઈરોબીઃ કેન્યામાં નાણાકીય અછત અનુભવી રહેલી પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની સરકારે તિજોરી ભરવા માટે ફાઈનાન્સ બિલમાં પેટ્રોલ, ક્રિપ્ટો કરન્સીઝ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ, સ્પેઘેટી અને કૃત્રિમ નખ, વિગ્સ જેવી બ્યૂટી પ્રોડક્ટ્સ સહિતની ચીજવસ્તુઓને ટેક્સમાં આવરી લીધી છે. સરકારે 2023/24 માટે 3.6 ટ્રિલિયન શિલિંગ્સ (26.2 બિલિયન ડોલર)ના બજેટમાં 289 બિલિયન શિલિંગ્સ ઉભાં કરવાના નવા ટેક્સ લાદ્યા છે.

કેન્યાના એફોર્ડેબલ હાઉસિંગ પ્રોગ્રામનું ભંડોળ ઉભું કરવા તમામ ટેક્સ ભરતા કેન્યાવાસીના પગારમાંથી 3 ટકાના ટેક્સની સૌથી વિવાદિત જોગવાઈ પણ રખાઈ છે. મોટા ભાગની પેટ્રોપેદાશો પર VAT બમણો કરી 16 ટકા કરવાનો પ્રસ્તાવ છે. આયાતી માછલી, સ્થાનિક સુગર કન્ફેક્શનરી, પાવડર્ડ જ્યૂસ અને સ્થાનિક પાસ્તા પર નવી એક્સાઈઝ ડ્યૂટી લદાશે. સરકારે કેરોસીન અને ડિઝલની સબસિડીઓ રદ કરી નાખેલી હોવાથી ફ્યૂલના રિટેલ ભાવ ઉછળેલાં જ છે. ક્રિપ્ટો કરન્સીઝ જેવી ડિજિટલ એસેટ્સને ટ્રાન્સફર કરવામાં 3 ટકા ટેક્સ, જુગારમાં દાવ પર લગાવાયેલી રકમો પર ટેક્સ વધારીને લગભગ 20 ટકા કરવા તેમજ સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ અને સર્વિસ પ્રોવાઈડર્સની આવક પર 15 ટકા ટેક્સની દરખાસ્ત છે.

વારંવારના દુકાળ અને યુક્રેનયુદ્ધથી ત્રસ્ત કેન્યાના અર્થતંત્રમાં ફૂગાવો વધી રહ્યો છે અને જીડીની વૃદ્ધિ નીચે ઉતરે છે. દેશના માથે આશરે 70 બિલિયન ડોલર જેટલું ગંજાવર દેવું છે જેના પરિણામે, મૂડી સહિતની ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ સોવરિન ડેટ રેટિંગ્સ ડાઉનગ્રેડ કરી નાખ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter