પનામા પેપર્સમાં ભારતીયો સહિત 45 ટાન્ઝાનિયન બિઝનેસમેનનો ઉલ્લેખ

Tuesday 07th May 2024 08:51 EDT
 
 

દારે એ-સલામઃ હાલમાં જ જાહેર કરાયેલા પનામા પેપર્સ એટલે કે પનામા એન્ડ ઓફશોર લીક્સમાં ટાન્ઝાનિયાના નાગરિકો અથવા ત્યાંથી કામ કરતા 45 જેટલા જાણીતા બિઝનેસમેન્સનો ઉલ્લેખ કરાયો છે જેમાં, ઈગુન્ગાના પૂર્વ સાંસદ અને સીસીએમ ઓપરેટિવ રોસ્તમ અઝીઝ, યંગ આફ્રિકન ચેરમેન યુસુફ માનજી, મોરોગોરોસ્થિત બિઝનેસમેન અને રાજકારણી અબ્દુલઅઝીઝ મોહમ્મદ અબૂદ તેમજ કિલિમાન્જારો સફારીઝના માલિક અને પ્રસિદ્ધ વનરક્ષક મિ. એરિક પાસાનિસીનો પણ સમાવેશ થયો છે. પનામા પેપર્સમાં લોકોની વિગતો તથા કરચોરોના સ્વર્ગ તરીકે જાણીતા વિસ્તારોમાં ઓફશોર એકાઉન્ટ્સ ધરાવતી કંપનીઓનાં નામ અને વિગતો જાહેર કરાયા છે. આ નામોમાં કેટલાક, એશિયન અને ગુજરાતીઓ સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

ટાન્ઝાનિયન વ્યક્તિઓનો ઉલ્લેખ કરી પનામા પેપર્સ દ્વારા કશું ખોટું કરાયું નથી પરંતુ, ડેટા જાહેર કરનારા ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) અનુસાર આ માહિતીથી જે લોકો પોતાના નાણા ધંધાકીય કામકાજને ટેક્સની જવાબદારીઓ સામે રક્ષણ આપતા નાના દેશોમાં ઓફશોર એકાઉન્ટ્સમાં રાખે છે તેમના ગુપ્ત સોદાઓ-વ્યવહારો બહાર આવી જશે. ધનવાન લોકો અને કોર્પોરેશન્સ ઉપરાંમત, ક્રિમનિનલ કાર્ટેલ્સ પણ ડ્રગ્સ, અને શસ્ત્રસોદાઓમાંથી મળતી ગુનાઈત આવકનું મનીલોન્ડરિંગ કરવા ઓફશોર એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે. ICIJડેટાબેઝમાં પનામા પેપર્સનો હિસ્સો બનેલી આશરે 320,000 ઓફશોર એન્ટિટીઝ વિશે માહિતી છે. ડેટામાં 2015નાં અંત સુધી લગભગ 40 વર્ષમાં વિશ્વભરના 200થી વધુ દેશ અને વિસ્તારોના લોકો અને કંપનીઓને આવરી લેવાયાં છે.

પોતાને ટાન્ઝાનિયા સાથે સાંકળતી ત્રણ કંપનીઓ વ્હીલોક હોલ્ડિંગ્સ લિમિટેડ, રિચમોન્ડ ફાઈનાન્સ કોર્પોરેશન અને એક્સપ્રો એનર્જી લિમિટેડ સહિત અનેક કંપનીઓનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે. મોટા ભાગની કંપનીઓ શેનો બિઝનેસ કરે છે તે સ્પષ્ટ થતું નથી. ઘણી કંપનીઓ વર્ષોથી નિષ્ક્રિય છે.

એશિયન મૂળના ટાન્ઝાનિયન્સના નામ

પનામા પેપર્સ યાદીમાં એશિયન અને આરબ પશ્ચાદભૂ ધરાવનારાનું વર્ચસ્વ છે. માનજી ફેમિલી ટ્રસ્ટ, હસનઅલી ફેમિલી અને સોમાણી ફેમિલીના એકથી વધુ સભ્યના નામ આ યાદીમાં છે. યાદીમાં અબ્દુલઅઝીઝ મોહમ્મદ અબૂદ, તલાલ મોહમ્મદ અબૂદ, ફૌઝી મોહમ્મદ અબૂદ, યુસુફ માનજી, મિસ સુકાઈના માનજી, કનીજ મેહબૂબ માનજી, મેહબૂબ યુસુફઅલી માનજી, રોસ્તમ અઝીઝ, મોહમ્મદરઝા અહેમદ હસનઅલી, અહમદઈરફાન મોહમ્મદરઝા હસનઅલી, નૌશાદ અહેમદ હસનઅલી, અબ્બાસ મોહમ્મદ જેસ્સા, નરેન્દ્ર વાઘજીભાઈ પટેલ, અનિલ વાઘજીભાઈ પટેલ, સુરિલ શાહ, કલ્પેશ મહેતા, કાન્તાબહેન મણિભાઈ છોટાભાઈ પટેલ, રમેશચંદ્ર છોટાલાલ સોમાણી, રોશ્મિના કાનાણી, બી.એ કોટેચા, આર.ડી. કોટેચા, મિસ આરતી પૂરી, સજ્જાદ મોહમ્મદહુસેન વિરાન, કાસ્બીઆન નુરિલ ચિરિચ, જોર્ગે માર્ટિનો, એડુઆર્ડો માર્ટિનો, એરિક પાસાનિસી, ડેનિયલ લિટ્ટમાન, સેડોઉ કાને, કોન્સેલ જેમ્સ વામ્બુરા, ચાર્લ્સ વિલ્સન, રોબર્ટા થોમાસ ડી મટ્ટોસ, બ્રિસોલા નિકોલસ વગેરેનો સમાવેશ થાય છે. મિ. અઝીઝ, સુરિલ શાહ,જોર્ગે માર્ટિનો, અબ્બાસ મોહમ્મદ જેસ્સા જેવાં નામોનો એકથી વધુ વખત ઉલ્લેખ થયો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter