કમ્પાલાઃ યુગાન્ડામાં સંગઠન અને અભિવ્યક્તિની આઝાદીને જોરદાર ફટકો આપતાં અપીલ્સ કોર્ટે સજાતીયતાના અધિકારોની હિમાયતી સંસ્થા સેક્સ્યુઅલ માઈનોરિટીઝ યુગાન્ડા (SMUG)ને NGO તરીકે રજિસ્ટ્રેશન કરવા સરકારને ફરજ પાડવાની વિનંતી ફગાવી દીધી હતી. રજિસ્ટ્રેશન અરજી નકારવા માટે સંસ્થાનું નામ જાહેર હિતનું વિરોધી હોવાનું કારણ અપાયું હતું. સંસ્થા ઓગસ્ટ 2022માં એનજીઓ બ્યુરોમાં રજિસ્ટર ન થઈ શકવાથી કાયદેસર કામગીરી બજાવી શકતી નથી.
વિશ્વમાં સૌથી કઠોર એન્ટિ-હોમોસેક્સ્યુઆલિટી એક્ટ (AHA) પસાર થઈ કાયદાનું સ્વરૂપ અપાયાને 21 માર્ચે એક વર્ષ થયું હતું. આ દમનકારી અને વિવાદાસ્પદ કાયદાને માનવાધિકાર હિમાયતીઓ, જર્નાલિસ્ટ્સ, એકેડેમિક્સ અને ધાર્મિક નેતાઓ દ્વારા અપાયેલા પડકારની અરજીઓને સુપ્રીમ કોર્ટ ચકાસી રહી છે.
સંસ્થા સેક્સ્યુઅલ માઈનોરિટીઝ યુગાન્ડા 2004થી LGBTને સેક્સ્યુઆલિટી પર શિક્ષણ આપવા સાથે તેમની આરોગ્યસેવાઓ માટે હિમાયત કરી રહી છે અને એક દાયકા કરતાં વધુ સમયથી સંસ્થાને કાયદેસરતા મળે તેની લડત ચલાવી રહેલ છે. યુગાન્ડા રજિસ્ટ્રેશન સર્વિસીસ બ્યુરોએ 2012માં સંસ્થાને ક્રિમિનલ સંસ્થા ગણાવી નોંધણીની અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટે 2018માં આ નિર્ણયને માન્ય ઠરાવ્યો હતો જેની સામે સંસ્થાએ અપીલ કરી હતી. અપીલ કોર્ટે મુખ્યત્વે સંસ્થાના SMUG નામ સંબંધે જ ચુકાદો આપ્યો હતો પરંતુ, જજે નોંધ્યું હતું કે સંસ્થા LGBTલોકોના અધિકારોને આગળ વધારવા અને તેની સુરક્ષા સાથે સંકળાયેલ છે જે AHA અનુસાર કાયદાનું ઉલ્લંઘન છે.