વોશિંગ્ટનઃ વિઝા ફ્રોડના એક કેસમાં એક ગુજરાતી-અમેરિકન ઉપરાંત લુઈસિયાનાના ત્રણ વર્તમાન કે પૂર્વ પોલીસવડાની ધરપકડ કરાઇ છે. વિઝા મેળવવા માગતા ઈમિગ્રન્ટ્સને ફેક પોલીસ રિપોર્ટ વેચવા બદલ આ કાર્યવાહી કરાઇ છે. આરોપીઓ દરેક ઇમિગ્રન્ટ્સ દીઠ 5000 ડોલર લેતા હતા. આ ફેક વિઝા સ્કીમ ચલાવનારા આરોપીમાં ચંદ્રકાન્ત ‘લાલા’ પટેલ મુખ્ય આરોપી હોવાનું ખુલતાં તેની પણ ધરપકડ કરાઇ છે. ચંદ્રકાન્ત ‘લાલા’ પટેલે જે લોકો સાથે ફ્રોડ આચર્યું છે તેમાંથી 24 તો પટેલ છે.
ચંદ્રકાન્ત ‘લાલા’ પટેલ ઓકડેલમાં સબવે સેન્ડવીચ સ્ટોર ચલાવે છે, તેની સામે સૌથી વધુ આરોપો લગાવાયા છે જેમાં લાંચ, મેઈલ ફ્રોડ, મની લોન્ડરિંગ અને વિઝા ફ્રોડ આચરવાનું કાવતરું ઘડવાના આરોપ સામેલ છે. જે પોલીસ અધિકારીઓની ધરપકડ કરાઇ છે તેમાં પોલીસ ચીફ ચેડ ડોયેલ, માઈકલ ફ્રેક સ્ટેન્લી, પોલીસ ચીફ ગ્લાયન ડિક્સન, પૂર્વ પોલીસ ચીફ ટેબો ઓનિશીયાનો સમાવેશ થાય છે.
આ તમામ લોકોની સામે વિઝા ફ્રોડ, મેઈલ ફ્રોડ, વિઝા ફ્રોડ માટે કાવતરુ ઘડવું તેમજ મની લોન્ડરિંગનો કેસ કરાયા છે. જો આરોપીઓ દોષિત ઠર્યા તો વધુમાં વધુ 20 વર્ષની જ્યારે ઓછામાં ઓછી પાંચ વર્ષની સજા થઈ શકે છે. જ્યારે ચંદ્રકાન્ત ‘લાલા’ પટેલ પર જે કલમો લગાવાઇ છે તે મુજબ તેને 10 વર્ષની સજા થઇ શકે છે. એટલું જ નહીં કોર્ટ તમામ આરોપીઓને કેદ ઉપરાંત 250,000 ડોલરનો દંડ પણ કરી શકે છે. ચંદ્રકાન્ત પટેલ તમામ પીડિતોના સંપર્કમાં હતો, અને તેણે બાદમાં લાંચની રકમ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડી હતી.