નવા પડકારો માટે ખૂબ ઉત્સાહી છુંઃ પ્રણવ મિસ્ત્રી

પાલનપુરી પ્રણવ મિસ્ત્રીએ ૯ વર્ષ બાદ સેમસંગ છોડ્યું

Saturday 26th June 2021 04:28 EDT
 
 

અમદાવાદ: ‘અંગત ન્યૂઝ છે. સેમસંગ સાથે ૯ વર્ષની યાદગાર યાત્રા બાદ મેં હવે નવા પડકાર તરફ પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો છે. કંઇક નવું જ શરૂ કરવું છે. ગેલેક્સી વોચથી ગીયર વીઆર, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સથી રોબોટિક્સ, મને ઘણી બધી પ્રોડક્ટ્સ ક્રિએટ કરવાનો અને લીડ કરવાનો મોકો મળ્યો. નવી સફર માટે ખૂબ જ ઉત્સાહી છું. જાણકારી આપતો રહીશ.’
સેમસંગ ટેકનોલોજી એન્ડ એડવાન્સ રિસર્ચના સીઇઓ અને પ્રેસિડન્ટ એવા પાલનપુરના વતની પ્રણવ મિસ્ત્રીએ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ મૂકીને પોતે સેમસંગથી છુટા પડ્યા હોવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે પ્રણવ મિસ્ત્રી આંતરરાષ્ટ્રીય તખતે આટલા ઊંચા સ્થાને પહોંચ્યા છે, પરંતુ વતન સાથેનો નાતો ભૂલ્યા નથી. થોડાક સમય પહેલાં જ પ્રણવ મિસ્ત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતુંઃ કોઇકે પૂછયું કે તમે કોણ છો? મેં કહ્યું કે પાલનપુરનો પ્રણવ.
તેમણે થોડા સમય અગાઉ એક અખબાર સાથેની વાતચીતમાં પોતાના વતનપ્રેમ વિશે વાત કરતાં કહ્યું હતું કે, મારું વતન પાલનપુર છે. સ્કૂલ-કોલેજ સુધી હું ત્યાં ભણ્યો. આઇઆઇટી-બોમ્બેમાં હું માસ્ટર્સ ભણ્યો. કેમ્બ્રિજ એમઆઇટીમાં પણ માસ્ટર્સ કર્યું. ૨૦૧૨થી હું સેમસંગમાં છું. તેમણે પોતાની એસ્ટોન માર્ટિન કારના ફોટા સાથે લખ્યું હતું ‘મારી કાર, મારું પાલનપુર’.
૨૦૦૪માં માઇક્રોસોફ્ટ સાથે કારકિર્દીનો પ્રારંભ
પ્રણવ મિસ્ત્રીએ કેરિયરની શરૂઆત ૨૦૦૪માં માઈક્રોસોફ્ટ કંપની સાથે કરી હતી. ૨૦૧૨માં સેમસંગ કંપની સાથે જોડાયા હતા. અનેક એવોર્ડ મેળવનાર પ્રણવે પોતાને નામ ઘણી પેટન્ટ ફાઈલ કરાવી છે. તેમાં ડિજિટલ યુઝર ઇન્ટરફેસ ફોર ઈનપુટિંગ ઈન્ડિક સ્ક્રિપ્ટ્સ, રેડિયો ફ્રિક્વન્સી કન્ટ્રોલ ફોર કમ્પ્યૂટિંગ સિસ્ટમ, સ્ટાર્ટ મેન્યુ ડિસ્પ્લે મોડેલ, હાર્ડવેર કન્ટ્રોલ ઈનિશિએટેડ ટાસ્ક સ્વિચિંગ સહિતની પેટન્ટ છે. સેમસંગ સ્માર્ટ વોચ સહિતની ટેક્નોલોજી વિકસાવવામાં ફાળો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter