૧૦૯ વર્ષીય અખાબાપા જાણે પ્રભુની આગમવાણી થઇ હોય તેમ શિવમાં લીન

Wednesday 25th March 2020 09:38 EDT
 

ડીસા: વડનગર ગામના અખાભાઇ ભગવાનભાઇ પટેલે જીવનની સદી વટાવી અને ૧૦૯ વર્ષની ઉંમરે જાણે ઇશ્વરનો સંદેશ આવ્યો હોય તેમ પ્રભુભક્તિમાં લીન થઇ પોતાના પ્રાણ ભગવાનને તાજેતરમાં ભેટ ધર્યાં હતાં. ઉ. ગુજરાતના વડનગર ગામના અખાભાઇ ભગવાન ભાઇ પટેલના નાનાભાઇ લગધીરભાઇની ઉંમર હાલ ૯૮ વર્ષ છે. બંને ભાઇઓ બાળપણથી જ ભગવાન ભોળાનાથના ભક્ત હતા.
સાદું અને સંયમી જીવન જીવતા અચાનક લગધીર બાપાએ મહિના અગાઉ કહ્યું હતું કે ફાગણ વદ આઠમ કે નોમના દિવસે અખાબાપાનું સહજ મૃત્યુ થશે અને ભગવાનના ધામમાં જશે. બીજી તરફ અખાબાપાએ પણ જાણે ભગવાનના ઘરે જવાની તૈયારી કરી લીધી હોય તેમ તેમનું સમગ્ર ચિત પ્રભુભક્તિના પરોવી માળા લઇને હરી સ્મરણ ચાલુ કરી દીધું હતું તથા તમામ સગા વહાલાઓને પણ બોલાવી લીધા હતા. નોમના દિવસે ભોજન કરી લીધા બાદ તેમણે ઘી ગોળ મંગાવીને મોં મીઠું કર્યું જાણે ભગવાનને મળવાનો અનેરો આનંદ હોય.
સમગ્ર પરિવાર બહેન દીકરીઓની હાજરીમાં તેઓ અચાનક બોલ્યા કે ચાલો હવે ટાઇમ થઇ ગયો મારી પથારી ઓંસરીમાં લઇ લ્યો જેવી તેમની પથારી ઓસરીમાં લઇ ગયા કે તરત જ તમામ લોકોને હાથ જોડી આખો બંધ કરીને પ્રભુસ્મરણ કરતાં કરતાં પોતાનો પ્રાણ ત્યાગી દીધો હતો. જોણે કે જીવનું શિવમાં મિલન થઇ ગયું. સમગ્ર પરિવાર અને ગ્રામજનો આવો અદભુત ચમત્કાર અને અનોખું મૃત્યુ જોઇને અચંબિત થઇ ગયા. રામધૂન સાથે અખાબાપાને સમગ્ર ગામે સગાવ્હાલા, પરિવારજનોએ અગ્નિદાહ આપી વિદાય આપી હતી.
ઉલ્લેનીય છે કે શિવભક્ત લગધીરબાપા ગુજરાત સરકારના પૂર્વ પ્રધાન શંકરભાઇ ચૌધરીના પિતા છે. સ્વ. અખાબાપા તેઓના સગા મોટાબાપા થાય. શંકરભાઇ જન્મ પણ શંકર ભગવાની કૃપા અને માનતાથી થયો હોવાનું પરિવાર કહે છે. સ્વ. અખાબાપા કદાચ ઉત્તર ગુજરાતમાં ૧૦૯ વર્ષ જીવનારા બહુ ઓછા નસીબદાર લોકોમાંથી એક હશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter