ભુજઃ ગામડું ધારે એ કરી બતાવે એવા ખંત અને ખુમારી ભર્યા છે ગામડાના લોકોમાં!! જ્યારે જાગૃતિ બતાવવાનો સમય આવે ત્યારે પણ ગામડું અને ગામડાંના લોકો પાછળ ન રહેતા એવું સાર્થક કરી બતાવ્યું છે ખારડીયા ગામે. ખોબા જેવડા ખારડીયામાં જનજાગૃતિ અને ભાગીદારી તેમજ ગ્રામ પંચાયતની તકેદારી ને પગલે કોરોના પ્રવેશી શક્યો નથી.
નખત્રાણા તાલુકાનું ૯૦૦ની વસ્તી ધરાવતું નાનકડું ગામ કે જ્યાં લોકોની જાગૃતિ અને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવતી તકેદારીના પગલે કોરોનાનો એક પણ કેસ ગામમાં આવ્યો નાથી. ગામમાં લોકો સ્વૈચ્છિક રીતે જ સમજીને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે છે. સરપંચ તેમજ ગ્રામ પંચાયત દ્વારા લોકોને અવારનવાર માસ્કનું વિતરણ કરવામાં આવે છે અને લોકો માસ્ક પહેરી ને જ બહાર નીકળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગામના ઘર-ઘર તેમજ જાહેર જગ્યાઓ ને સેનેટાઇઝ કરવામાં આવે છે. ફેરિયાઓને પણ કોરોનાની તમામ ગાઈડલાઈનનું કડકાઈથી ગ્રામ પંચાયત દ્વારા પાલન કરાવવામાં આવે છે. ગામના લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તેનું પણ ગ્રામ પંચાયત દ્વારા ખાસ ધ્યાન રાખતા આરોગ્ય બાબતે પણ લોકોની ખાસ સંભાળ રખાય છે.