રોજ ૧ લાખ માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણઃ માધાપરના જૈન - દરજી યુવાઓને મુખ્ય પ્રધાને અભિનંદન આપ્યા

Tuesday 05th May 2020 16:17 EDT
 
 

ગાંધીનગરઃ માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ સંયુકતપણે રોજના આશરે ૧ લાખ માસ્ક તૈયાર કરે છે અને વહીવટીતંત્રના સહયોગથી વિનામૂલ્યે તેનું વિતરણ કરે છે. કોરોના વાઈરસ સંક્રમણને ફેલાતું અટકાવવા કાર્યરત આ મૂક સિપાઇઓને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં વીડિયો કોન્ફરન્સથી અભિનંદન આપ્યા હતા. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા કચ્છના ગ્રામીણ પરિવારોનો આ અનોખો સેવાયજ્ઞ સરાહનીય છે. કચ્છ માધાપર જૈન સમાજ અને દરજી યુવાઓ રોજના એક લાખ માસ્ક તૈયાર કરી કચ્છ પંથકમાં વિનામૂલ્યે વિતરણ કરે છે તેવા કોરોના જંગના મૂક યોદ્ધાઓ અન્યો માટે પ્રેરણા સમાન છે. તેમની સેવાપરાયણતાને અભિનંદન. આ સાથે મુખ્ય પ્રધાને કહ્યું કે, આ લડાઇ લાંબી છે અને જનસહયોગ-લોકજાગૃતિ અને સ્વયં માસ્ક બાંધી રાખવો, વારંવાર હાથ ધોવા જેવા નિયમોના અનુપાલનથી આપણે તેમાં પાર ઉતરવાનું છે. તેમણે આ સેવાવ્રતીઓની સેવાને ઇશ્વરીય કાર્ય ગણાવતા કહ્યું કે, ઇશ્વરે માનવ સેવાના સારા-ઉમદા કાર્ય કરવાની તમને સૌને પ્રેરણા આપી છે એટલે તમને સૌને આ માસ્ક બનાવવાની અને તેનું વિતરણ કરીને કોરોના વાયરસની આ કપરી સ્થિતિમાં જીવન બચાવવાની સેવા તક મળી છે.
માસ્ક ન પહેરનાર વ્યકિત સ્વયં તો સંક્રમિત થાય છે જ પરંતુ પોતાના મોઢામાંથી થૂંક-લાળ કે વાતચીત દ્વારા નીકળતા વાઈરસથી અન્યને પણ સંક્રમિત કરે છે એટલે કે આત્મહત્યા અને ખૂન બેય ગૂના કરે છે તેવો મત વ્યકત કરતાં મુખ્ય પ્રધાને આ બે-બે ગુનામાંથી શકય તેટલા વધુ લોકોને બચાવવાના પ્રેરણા કાર્ય માટે માસ્ક બનાવવાથી વિતરણ સુધીની સેવાપ્રવૃત્તિમાં જોડાયેલા સૌને બિરદાવ્યા હતા અને કચ્છને કોરોનામુકત રાખવાનો સંકલ્પ પાર પાડવા વિનંતી કરી હતી. આ યુવાઓએ પણ કોરોના સામેના જંગમાં રાજ્ય સરકાર મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં જે ઝડપી અને અસરકારક પગલાં લઇ રહી છે તેનો આભાર વ્યકત કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter