કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મોત સુરતના વૃદ્ધનુંઃ લંડનથી આવેલી યુવતી સારવાર હેઠળ

Wednesday 25th March 2020 09:19 EDT
 

સુરતઃ ગુજરાતમાં કોરોનાથી પહેલું મોત સુરતમાં થયું હતું. સુરતમાં ૬૭ વર્ષના વૃદ્ધનું કોરોનામાં મોત થયું. સુરતમાં કોરોનાના શંકાસ્પદ સર્વપ્રથમ ૩ કેસને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમાંથી અઠવાલાઇન્સનાં વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ વૃદ્ધને કોરોના લાગુ પડ્યો એ પહેલાંથી અસ્થમાની બીમારી હતી અને તેમની કિડની ફેઇલ થઇ ગઈ હતી. કોરોના પોઝિટિવ આવતાં ચાર દિવસની સારવાર બાદ ૨૧મી માર્ચે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત સુરતની ૨૧ વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી દેવાઈ હતી. આ ઉપરાંત તે કોના કોના સંપર્કમાં આવી તે અંગેની યાદી પણ પાલિકા દ્વારા તૈયાર કરી દેવાઈ હતી.
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતી આ યુવતી ૧૪મી માર્ચે લંડનથી સુરત આવી હતી. ૧૬મી માર્ચે તેને તાવ અને કફ જેવી તકલીફ ઉભી થતાં સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આ યુવતીના કોરોના વાઈરસ ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા અને અમદાવાદની લેબોરેટરીમાં મોકલાયા હતા. આ દરમિયાન યુવતીની તબિયતમાં સુધારો પણ આવ્યો હતો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેથી યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી. જોકે આરોગ્ય વિભાગે આ યુવતીના સેમ્પલ મહારાષ્ટ્રની પૂણેની લેબોરેટરીમાં પણ મોકલાવ્યા હતા. ત્યાંથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેથી યુવતીની સારવાર ફરી શરૂ કરવામાં આવી હતી.
હવે યુવતીની તબિયતમાં સંપૂર્ણ સુધારો નહીં થાય ત્યાં સુધી તેને આઇસોલેશન વોર્ડમાં રખાશે. બાદમાં ફરીથી ટેસ્ટ કરાવાશે અને રિપોર્ટ નેગેટિવ આવે તો જ રજા અપાશે
એમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter