ગાંધીજીના પ્રથમ સ્થાપિત કોચરબ આશ્રમને સરકારી વાર્ષિક સહાય માત્ર રૂ. ૧,૮૦,૦૦૦

Monday 15th August 2016 08:33 EDT
 
 

વર્ષ ૧૯૧૫ની આ વાત છે. આ ગાળામાં ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે આફ્રિકાના પ્રિટોરિયામાં રંગભેદની નીતિથી તેઓ દુભાયેલા હતા. એમણે જોયું કે પોતાના દેશમાં પણ કુરિવાજો છે અને સામાજિક બદીઓ જોઈને એમને દુઃખ થતું હતું. વળી, તેઓ ભારતમાં ફેલાયેલા સામાજિક કુરિવાજોને સમજી પણ શકતા હતા કારણ કે આફ્રિકામાં રંગભેદની નીતિના તેઓ શિકાર બની ચૂક્યા હતા. એ વખતે આમ તો ભારતમાં સૌથી મોટી સમસ્યા તો ભારતને બ્રિટીશ શાસન મુક્ત કરાવવાની જ હતી, પરંતુ તેના માટે દેશમાં આંતરિક રીતે ફેલાયેલા પડકારોને પહેલાં ડામવા જરૂરી હતાં. ગાંધીજીએ એ સમયે આઝાદીની લડતની પૂર્વભૂમિકા સ્વરૂપે જ વૈષ્ણવોમાં નામાંકિત જીવણલાલ બેરિસ્ટરનો બંગલો ભાડે લીધો હતો. આ બંગલો એટલે જ ગાંધીજી સ્થાપિત પ્રથમ આશ્રમ. સત્યાગ્રહ આશ્રમ. કોચરબ આશ્રમ.

કોચરબ આશ્રમની સ્થાપના પછી શરૂઆતમાં તો આશ્રમવાસીઓ આશ્રમમાં આશ્રમજીવન જીવવા જ અહીં આવ્યા હતા. આશ્રમવાસી તરીકે વિનોબા ભાવે પણ અહીં રહ્યા હતા. આશ્રમની સ્થાપનાની વાત થઈ રહી હતી ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીને સૂચના આપી હતી કે, હાલમાં તો એક વર્ષ સુધી તમે ભારતને નજીકથી ઓળખો. દેશને અને દેશની સમસ્યાઓને પહેલાં સમજો એ પછી સ્વરાજની દિશામાં વિચાર કરજો. ગોખલેની સૂચનાને અનુસરતાં જ કોચરબ આશ્રમની સ્થાપના પછી એક વર્ષ સુધી ગાંધીજીએ સ્વરાજ વિશે જાહેરમાં ચર્ચા કરી નહોતી.

આશ્રમની સ્થાપના

વર્ષ ૧૯૧૫ની વીસમી તારીખની આસપાસ લિંબડીથી આવેલા ગાંધીજીએ આ બંગલામાં વાસ્તુપૂજન કર્યું હતું. ૨૨મી મેએ તેઓ કેટલાક અનુયાયીઓ સાથે અહીં વસ્યા. જોકે આશ્રમની કાર્યવાહી અને આશ્રમજીવનની શરૂઆતની તવારીખ સંદર્ભો મુજબ ૨૫મી મે નોંધાઈ છે. આશ્રમમાં ટાંકવામાં આવેલી તકતીમાં પણ સ્થાપનાની તારીખ ૨૫મી મે, ૧૯૧૫ લખવામાં આવી છે.

નામઃકરણ

આ આશ્રમની સ્થાપના થઈ ત્યારે તેનું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ રાખવામાં આવ્યું હતું. સમયાંતરે ગાંધીજીએ સાબરમતી કિનારે આશ્રમની સ્થાપના કરી એ પણ સત્યાગ્રહાશ્રમ હતો. તેથી નામની ગૂંચવણ ઊભી ન થાય તેથી પ્રથમ આશ્રમને કોચરબ આશ્રમ નામ પણ મળ્યું.

સત્યાગ્રહ અને સ્વરોજગાર

આ આશ્રમમાં ગાંધીજીનાં અનુયાયીઓ, વિદ્યાર્થીઓ અને નવયુવાનો દ્વારા સત્યાગ્રહ, સ્વરોજગાર, સ્વદેશી ચીજોની હિમાયત, ગરીબો, મહિલાઓ અને અસ્પૃશ્યોના ઉદ્ધાર માટેના કાર્યો થતાં હતાં. જાહેર શિક્ષણ અને આર્થિક ઉપાર્જન અંગેના ગાંધીવિચારોનું કોચરબ આશ્રમ ભારતનું પ્રથમ અને મુખ્ય કેન્દ્ર હતું. આશ્રમનું નિર્માણ સાદગી, સમાનતા જેવા સિદ્ધાંતો પર થયું હતું. ગાંધીજીએ આશ્રમ શરૂ કર્યો ત્યારે તો તેમાં માંડ વીસથી પચ્ચીસ લોકો જ રહેતા હતાં. તેમાંથી આશરે સત્તરથી અઢાર જણા તો સાઉથ આફ્રિકાથી આવેલા તમિળો હતાં.

ઉલ્લેખનીય છે કે ગાંધીજીને આશ્રમની સ્થાપના માટે કલકત્તા, હરિદ્વાર, રાજકોટ જેવા ઘણા સ્થળેથી આમંત્રણ હતાં, પણ ગાંધીજીએ એવી જગ્યા પસંદ કરી હતી કે જ્યાંથી તેઓ અને તેમના અનુયાયીઓ સમાજ સુધારણા માટેની પ્રવૃત્તિઓ પણ કરી શકે અને આર્થિક ઉપાર્જન પણ કરી શકે.

એ સમયમાં અમદાવાદમાં ઘણી કાપડમિલો હતી એટલે મિલમાંથી કાચોમાલ આશ્રમમાં આવતો અને વણાટકામથી વસ્ત્રો તૈયાર થતાં. તેમાંથી આર્થિક ઉપાર્જન અને આંશિક આશ્રમ નિભાવની કામગીરી થતી હતી. સાબરમતી આશ્રમમાં પ્રયાણ કરતાં પહેલાં બે વર્ષ માટે ગાંધીજી આ કોચરબ આશ્રમમાં રહ્યાં હતાં.

સત્યાગ્રહ સ્મારક

ગાંધીજીએ કોચરબ આશ્રમમાં વસવાટ છોડી દીધા પછી પણ આ જગ્યાને ગાંધીવાદીઓએ ખૂબ જ માવજતથી સાચવી છે. આશ્રમના સંચાલક અને ગાંધીવાદી રમેશભાઈ ત્રિવેદીએ કહે છે કે, વર્ષ ૧૯૫૩માં સત્યાગ્રહ સ્મારક તરીકે જાહેર કરાયેલા આ આશ્રમનું સંચાલન હાલમાં તો ગૂજરાત વિદ્યાપીઠ કરે છે.

સરકારી મદદથી નિરાશા

ગયા વર્ષે જ ૧૦૦ વર્ષ પૂર્ણ કરનારા અને ચાર એકરમાં ફેલાયેલા આ આશ્રમની વર્ષ ૨૦૧૫માં આશરે ૧૯૫૦૦ મુસાફરોએ મુલાકાત લીધી હતી. જોકે જાણીને નવાઈ લાગે કે આ મોંઘવારીમાં પણ આ આશ્રમનો વાર્ષિક નિભાવ ખર્ચ માત્ર રૂ. ૫,૦૦,૦૦૦ જેટલો છે. વળી, સરકાર તરફથી તો વર્ષ ૨૦૧૫માં માત્ર રૂ. ૧,૮૦,૦૦૦ની રકમ જ અનુદાન તરીકે અપાઈ હતી જ્યારે ૨, ૯૯, ૫૦૦ જેટલી રકમ ગૂજરાત વિદ્યાપીઠે આશ્રમને આપી હતી.

આશ્રમના સંચાલક રમેશભાઈ વ્યથા સાથે કહે છે કે, ગાંધીજીના પ્રથમ આશ્રમને જોઈને પોતાની યાદો તાજી કરવા અહીં દેશવિદેશથી પ્રવાસીઓ આવે છે. કેટલાયના વંશજો પણ આવે છે. તે સમયે આ આશ્રમનું મહત્ત્વ સમજીને સરકારે આ આશ્રમના વધુ વિકાસ તરફ ધ્યાન આપવું જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter