ગુજરાતને તાળાબંધીઃ સરહદો સીલ

Wednesday 25th March 2020 10:25 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં મંગળવાર સુધીમાં કોરોના વાઈરસના ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યભરમાં આશરે ૭૦૦૦થી વધુ લોકોને ક્વોરેન્ટાઇન કરી દેવાયા છે. તો બીજી તરફ, રાજ્યમાં ક્વોરેન્ટાઇનનો ભંગ કર્યો હોય તેવા લોકોની સંખ્યા ૧૦૦ સુધી પહોંચી ગઈ છે. કોરોના વાઈરસની વકરતી જતી પરિસ્થિતિને ધ્યાને લઈને રાખી રાજ્યમાં સોમવારે રાત્રે ૧૨ વાગ્યાથી ૩૧ માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવ્યાપી બંધની જાહેરાતના પગલે ત્રણ અઠવાડિયા લંબાયું છે.

૩૫ પોઝિટિવ કેસ, ૧ મૃત્યુ

દેશ સહિત રાજ્યમાં કોરોના વાઈરસે ભરડો લેતાં લોકોને માસ્ક અને સેનેટાઇઝર તથા કોરોના ગાઇડલાઇનની કિટ અપાઇ રહી છે. અમદાવાદમાં આશરે ૫૦૦થી વધુને કિટ અપાયા ઉપરાંત રાજ્યમાં લોકોને સજાગ કરાઈ રહ્યાં છે. ૧૯મી માર્ચે રાજ્યમાં પ્રથમ વાર નોંધાયેલા કોરોનાના ૩ પોઝિટિવ કેસની સંખ્યા રવિવારે વધીને ૧૮ થઇ હતી અને મંગળવારે ૩૫ થઇ ગઇ હતી. સુરતમાં અસ્થમા અને કિડનીની બીમારીથી પીડાતા અને જયપુરથી ફરીને આવેલા કોરોના પોઝિટિવ ૬૯ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. એ પછી ગાંધીનગરમાં રવિવારે બહાર આવેલો એક કેસ પણ લોકલ ટ્રાન્સમિશનનો છે.
વધુ ચિંતાજનક બાબત એ કે લોકલ ટ્રાન્સિમશનના કારણે ફેલાયેલા કેસમાં મોત ઉપરાંત આવા બે કેસ બહાર આવતાં રાજ્યમાં કમ્યુનિટી સ્પ્રેડિંગ વેગ પકડે એવી દહેશત સેવાઈ હતી. લોકડાઉનની આ સ્થિતિ આમ તો ૨૫મી માર્ચ સુધી જાહેર કરાઈ હતી જેમાં આવશ્યક સેવાઓને બાકાત રખાઈ હતી. રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા, કચ્છ અને સુરત મહાનગરો પોઝિટિવ કેસ દેખાતાં અને તેની સંખ્યામાં વધારો થતાં જનતા કર્ફ્યૂ પછી માર્ચ ૩૧ સુધી લોકડાઉન જાહેર કરાયું છે.

સરહદોને સીલ કરાઈ

લોકડાઉનને અનુલક્ષી ગુજરાતની જે સરહદો અન્ય રાજ્યો સાથે જોડાયેલી છે તેને પણ સીલ કરવાના આદેશ છે. રાજ્યમાં આવશ્યક બાબતો સિવાયનું તમામ પરિવહન (ટેક્સી, કેબ, રીક્ષા, લકઝરી બસ, જાહેર બસ) પણ બંધ કરવાની સૂચના છે. જોકે, મેડિકલ સ્ટોર, કરિયાણા, દૂધ-શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપતી દુકાનો ચાલુ રહેશે. જીવન જરૂરિયાતની આ વસ્તુઓ લઈ જતા માલવાહક વાહનો રાબેતા મુજબ ચાલુ રહેશે. આ વાહન લઈ જતા ફેરિયા અને વેપારીઓ પોલીસને વસ્તુઓ બતાવીને કારણો આપશે તો તેમને આગળ જવા દેવા માટે બેરીકેડ ખોલાશે. ખાનગી ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં માત્ર બે જ વ્યક્તિ મુસાફરી કરી શકશે. રાજ્યના અધિક ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે જણાવ્યું હતું કે, કારખાના અને ઓફિસો બંધ રહેશે. જો કોઈ લોકડાઉનનો ભંગ કરશે તો ડિટેઈન કરાશે.

ગુજરાત ત્રીજા તબક્કામાં...

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિએ સોમવારે કહ્યું કે, કોરોના ગુજરાતમાં ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૩૦ દર્દીઓમાં કોરોના વાઈરસ પોઝિટિવ હોવાના રિપોર્ટ મળ્યા છે. સોમવારની સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાકમાં ૫૮ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી ૪૦ના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે જ્યારે ૧૭ના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી કુલ ૪૨૨ કોમ્યુલેટિવ સેમ્પલમાંથી ૩૦ કેસ પોઝિટિવ મળ્યા છે. જોકે આ સંખ્યામાં મંગળવારે વધારો થયો હતો.

પ્રથમવાર મંદિરોના દ્વારા બંધ

ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશમાં કાળ બનીને કેર વર્તાવી રહેલા કોરોના વાઈરસને પગલે જ્યોતિર્લિંગ સોમનાથ, શક્તિપીઠ અંબાજી, દેવભૂમિ દ્વારકા, ડાકોર અને પાવાગઢના મંદિરો ૨૦ માર્ચથી સંપૂર્ણ બંધ કરાયા હતાં. ચોટીલામાં ચામુંડા માતાનું મંદિર, વીરપુરમાં જલારામ બાપાનું મંદિર અગાઉ જ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી. આમ, ગુજરાતના તમામ મોટા મંદિરો એકસાથે બંધ રાખવામાં આવ્યા હોય તેવું રાજ્યના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે. આ યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માજ્ઞા નિયમિત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે. પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter