અમદાવાદઃ પોર્ટ ઓપરેટર જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં ગ્રીનફિલ્ડ પોર્ટમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હાલ આ પોર્ટ ઓપરેટરની કોઈ ઉપસ્થિતિ નથી. જેએસડબ્લ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાલમાં ભારતમાં 10 પોર્ટ અને ટર્મિનલ ધરાવે છે. યુએઈમાં એક ટર્મિનલ છે. આ તમામની સંયુક્ત વાર્ષિક ક્ષમતા વાર્ષિક 170 મિલિયન ટન છે. રાજ્યમાં હાલ અદાણી ગ્રૂપનું મુન્દ્રા પોર્ટ, પબ્લિક સેક્ટરનું કંડલા પોર્ટ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ હેઠળના બંદર કાર્યરત છે. ગુજરાત એક મહત્વપૂર્ણ વેપાર પ્રવેશ દ્વાર છે. જેમાં ઘણાં મોટા ઔદ્યોગિક ગૃહો અને કંપનીઓએ અહીં ઉત્પાદન સુવિધા સ્થાપી છે. એટલું જ નહીં, રાજ્યમાં વધુ આધુનિક બંદરો માટે જગ્યા છે.