ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી પૂરી થાય બાદ હવે ભાજપ સંગઠન અને સરકારમાં રથયાત્રા પછી મોટાપાયે ફેરફારો આવી રહ્યા છે. ભાજપ સંગઠનમાં પ્રદેશ પ્રમુખપદે ઓબીસી ચહેરો આવી શકે છે. આ સાથે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે, જેમાં ચાર જૂના અને 2 નવા મળી 6 મંત્રીને સ્થાન મળી શકે છે. કેટલાક મંત્રીઓને સંગઠનમાં લઈ જવાની જ્યારે કેટલાક મંત્રીઓના વિભાગોમાં ફેરફારની પણ ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા કે મયંક નાયક નામ નક્કી થઈ રહ્યું છે. મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રમુખ તરીકે ઓબીસીને સ્થાન અપાશે. સંગઠનમાં નવા લોકોને તક આપી ફેરફારો કરવામાં આવશે. મંત્રીમંડળના વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા અને સી.જે. ચાવડાને સ્થાન આપવામાં આવી શકે છે.
પક્ષનાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ત્રણ મંત્રી એવા લેવાશે, જે અગાઉ પણ મંત્રી તરીકે રહી ચૂક્યા હશે. આ પાછળનું કારણ ડેમેજ કંટ્રોલરની ભૂમિકા ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર અધિકારીઓ જ ચલાવતા હોવાની છાપ ભૂંસવા આ પગલું હશે. મંત્રીમંડળ વિસ્તરણમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી 4થી 2 ધારાસભ્ય, તો સૌરાષ્ટ્રમાંથી 2 ચહેરાને સ્થાન મળી શકે છે. હાલમાં મધ્ય ગુજરાતના 4, સૌરાષ્ટ્રના 5, દક્ષિણના 5 અને ઉત્તર ગુજરાતના 3 મંત્રી છે.