ગાંધીનગર: ગુજરાતમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધા પછી ૧,૧૬,૫૮૪ લોકો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નિર્ધારિત સમયગાળામાં લઈ શક્યા નથી એટલે કે વેક્સિનનો બીજો ડોઝ લેવાનું ચૂકી ગયા છે. કોરોના રસીની અછતને કારણે મોટા ભાગના લોકો રસીનો ડોઝ બીજો સમયસર લઈ શક્યા નથી, તો કેટલાક કિસ્સામાં લોકોની આળસ પણ કારણભૂત હોવાનું જાણકારો કહે છે.
આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે, ત્રીજી લહેર સામે લડવાની ઝુંબેશની તૈયારીને એક રીતે ફટકો પહોંચ્યો છે. કોરોના રસીનો પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવાનું ચૂકી ગયા છે તેવા રાજ્યોમાં ૧.૨૬ લાખ સાથે મધ્ય પ્રદેશ અવ્વલ છે, બીજા ક્રમે મહારાષ્ટ્ર ૧,૧૬,૬૯૦ અને ત્રીજા ક્રમે ગુજરાત આવે છે. એ સિવાય પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં પણ આવા લોકોની મોટી સંખ્યા છે. ગુજરાતમાં વેક્સિનનો બીજો ડોઝ ૧.૧૬ લાખ લોકોને સમયસર મળી શક્યો નથી, આવા લોકોનું હવે શું તે એક સવાલ છે. કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે ૧૬મી જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ૨,૮૪,૧૭૦ લોકોને કોરોનો વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે બીજો ડોઝ માત્ર ૧,૬૭,૫૮૬ લોકોને અપાયો હતો જ્યારે ૧,૧૬,૫૮૪ લોકો રસીનો બીજો ડોઝ લેવાનું ચૂકી ગયા છે.
આરોગ્ય વિભાગ એવું કહે છે કે, જે લોકો રસી લેવાનું ચૂકી ગયા છે તેમને રસી લેવા મજબૂર કરી શકાય નહિ, માત્ર જાગૃત કરી શકાય છે. સરકાર પાસે રસીનો બીજો ડોઝ ચૂકી જનારા લોકોને ટ્રેક કરી શકાય તેવી પદ્ધતિ છે. મહત્ત્વનું છે કે, કોવિશિલ્ડનો બીજો ડોઝ ૮૪થી ૧૧૨ દિવસની અંદર તથા કો-વેક્સિનનો બીજો ડોઝ ૨૮થી ૪૨ દિવસે લેવાનો હોય છે.