ગુજરાતમાં 55.22 ટકા મતદાન

Wednesday 08th May 2024 05:16 EDT
 
 

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતના મતદારોએ 25 બેઠકો પર 55.22 ટકા મતદાન કર્યું છે. આ સાથે જ ભાજપ-કોંગ્રેસ‘-આપ’ના 50 ઉમેદવારો સહિત કુલ 266 ઉમેદવારોનું ભાવિ સીલ થઇ ગયું છે. આમાં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ (ગાંધીનગર), મનસુખ માંડવિયા (પોરબંદર), બહુચર્ચિત પરષોત્તમ રુપાલા (રાજકોટ) અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલ (નવસારી)નો સમાવેશ થાય છે. ભાજપના મુકેશભાઇ દલાલ સુરત બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હોવાથી ભાજપ મતગણતરી પહેલાં જ 1-0થી આગળ નીકળી ગયો છે. હવે પરિણામના દિવસ ચોથી જૂને જોવું રહ્યું કે ભાજપ સતત ત્રીજી વખત તમામ 26 બેઠકો પર ક્લીન સ્વીપ કરીને ઇતિહાસ રચે છે કે પછી કોંગ્રેસ-‘આપ’ની યુતિ તેના અભેદ્ય ગઢમાં ગાબડું પાડવામાં સફળ રહે છે.
રાજ્યની 25 બેઠકો પૈકી સૌથી વધુ 68.12 ટકા મતદાન વલસાડ બેઠક પર નોંધાયું છે જ્યારે સૌથી ઓછું 45.59 ટકા મતદાન સૌરાષ્ટ્રની અમરેલી બેઠક પર થયું છે. ગુજરાતમાં 25 લોકસભા બેઠકો સાથે સાથે જ પાંચ વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણી પણ યોજાઇ હતી, જેમાં 56.56 ટકા મતદાન થયું છે. જે બેઠકોની પેટા-ચૂંટણી યોજાઇ છે તેમાં વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં મંગળવારે યોજાયેલા મતદાનમાં 25 બેઠકોના 4.79 કરોડ મતદારોમાંથી 55.22 ટકાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલથી લઇને રાજ્યના આમ આદમીનો સમાવેશ થાય છે.

(વિશેષ અહેવાલઃ 12 - 16 - 17 - 18)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter