ગુજરાતી સિને જગતના ઓજસમાં અંધારાઃ અરવિંદ રાઠોડનું નિધન

Wednesday 07th July 2021 05:26 EDT
 
 

એક સમયે ગુજરાતી ફિલ્મજગતમાં જેમના નામના સિક્કા પડતા હતા તેવા એવા ઉમદા કલાકાર અને ગુજરાતી ફિલ્મોના ‘પ્રાણ’ તરીકે ઓળખાતા અરવિંદ રાઠોડનું પહેલી જુલાઇના રોજ ૮૦ વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું છે. અરવિંદ રાઠોડની આકસ્મિક વિદાયથી તેમના ચાહક વર્ગમા શોકનું મોજુ ફરી વળ્યું છે. જેમ હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણની બોલબાલા હતી, તેમ ગુજરાતી ફિલ્મોના વિલન તરીકે અભિનેતા અરવિંદ રાઠોડનો દબદબો હતો. ગુજરાત ફિલ્મોમાં મોટા ભાગે તેઓ વિલનના રોલમાં જોવા મળ્યા હતા. માત્ર ગુજરાતી જ નહીં, પણ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેઓ એક ફોટો જર્નલિસ્ટમાંથી એક્ટર બન્યા હતા.
તેમણે પિતાના દરજીકામના વ્યવસાયમાં જોડાવાના બદલે તેમણે કલા જગતમાં ઝંપલાવ્યું હતું. સ્કૂલ તેમજ કોલેજમાં એક્ટિંગ કરીને નાના-મોટા ઈનામ મેળવનારા કલાકાર અરવિંદ રાઠોડે પછી નાટકમાં પ્રશંસનીય કામ કર્યું હતું. ગુજરાતી સિનેજગતના દિગ્ગજ અભિનેત્રી અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ’મોટા ઘરની વહુ’માં કામ કર્યા બાદ અમદાવાદના કેટલાય જાણીતા નાટકમાં પણ તેમણે કામ કર્યું. ગુજરાતી નાટ્યજગતમાં આગવું સ્થાન ધરાવતા ‘પ્રીત, પીયુ અને પાનેતર’ નાટકમાં કામ કરવા તેઓ ૧૯૬૭-૬૮માં મુંબઈ ગયા અને ત્યાં જ ઠરીઠામ થયા.
મુંબઈમાં એક ફોટો જર્નલિસ્ટ તરીકે કામ કરતા અને શો મેન રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં પણ એક નાનકડો રોલ પ્લે કર્યો હતો. અહીંથી તેમણે ફિલ્મી પરદે પદાર્પણ કર્યું. નાટકથી શરૂ કરીને સિનેમાના પડદા સુધી જુદા જુદા પાત્ર અંતર્ગત ભૂમિકા અદા કરી હતી. અરવિંદભાઇએ નાની-મોટી કુલ થઈને ૨૭૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘બદનામ ફરિશ્તે’, ‘મહાસતી સાવિત્રી’, ‘જ્હોની ઉસકા નામ’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘કોરા કાગઝ’, ‘સલામ મેમસાબ’, ‘સોન કંસારી’, ‘ગંગા સતી’, ‘મા ખોડલ તારો ખમકારો’, ‘મણિયારો’, ‘જાગ્યા ત્યારથી સવાર’, ‘અગ્નિપથ’, ‘મા તેરે આંગન નગારા બાજે’, ‘ખુદા ગવાહ’, ‘અબ તો આજા સાજન મેરે’ જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.
આ સિવાય ટચુકડા પડદાની વાત કરીએ તો ‘થોડી ખુશી થોડે ગમ’ ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે. છેલ્લે તેઓ ત્રણ વર્ષ પૂર્વે ૨૦૧૮માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ટેન્શન થઈ ગયું’માં જોવા મળ્યા હતા. વર્ષ ૨૦૧૫માં અરવિંદ રાઠોડને અમદાવાદમાં તાત્કાલિક ઘૂંટણનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. પણ એ સમયે તેમના પરિવારમાંથી કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા.
કાર્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ
ગાંધીનગરમાં ‘મારી તો અરજી બાકી તમારી મરજી’ નાટકનો શો યોજાયો હતો. અને દિવસ દરમિયાન જ તેમને ઘૂંટણમાં અસહ્ય દુઃખાવો શરૂ થઇ ગયો. સ્વાભાવિકપણે જ તેઓ નાટકમાં મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યા હતા. તેઓ પાત્ર ભજવી શકશે કે કેમ તેવી આશંકા વચ્ચે શોનો સમય નજીક આવી રહ્યો હતો. આ સંજોગોમાં તેમણે ૧૨ પેઈનકિલર ટેબ્લેટ ખાઈને અભિનય કર્યો હતો. પગમાં દુઃખાવો તો સાવ બંધ થયો જ ન હોવાથી ચાલતી વખતે પગ વળી જતા હતા. દર્શકો એવું જ માનતા કે, પાત્રની ચાલ જ એવી છે, પણ હકીકત એવી હતી કે અસહ્ય પીડાના કારણે પગ વળી જતા હતા. ટૂંકમાં તેઓ વ્યવસ્થિત ચાલી પણ શકતા ન હતા, છતાં પણ સવા બે કલાકનું નાટક પૂરું કર્યું. અને નાટક પૂરું થયે તેઓ સીધા જ સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા હતા. ડોક્ટરે તપાસ કરતાં જણાયું કે બન્ને ઘૂંટણ ૮૦ ટકા ખરાબ થઈ ગયા હતા. બીજા જ દિવસે બંને પગમાં ની-રિપ્લેસમેન્ટનું ઓપરેશન થયું. ટ્રીટમેન્ટ દરમિયાન તેમણે કોઈ પરિવારજનોને સાથે ન રાખ્યા. થોડોક સમય પોતાના સંબંધીને ત્યાં આરામ કરી ફરી તેઓ મુંબઈ રવાના થયા.
આવી ઉમદા કાર્યનિષ્ઠા ધરાવતા અરવિંદભાઇ છેલ્લા લાંબા સમયથી જાહેર જીવનથી અલિપ્ત થઇને અમદાવાદના પાલડી વિસ્તારમાં જીવન વિતાવતા હતા. એમના નિધનથી કલાજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter