ગુજરાત પર ‘મહા’ સંકટઃ સરકાર દ્વારા એલર્ટ જાહેર

Wednesday 06th November 2019 06:01 EST
 
 

ગાંધીનગરઃ વાવાઝોડા ‘મહા’નો સંકટ પાંચમી નવેમ્બરે પણ ગુજરાત પર તોળાયેલો રહ્યો હતો. ધીરે ધીરે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૭મી નવેમ્બરે વહેલી સવારે મહા વાવાઝોડું દિવ અને પોરબંદર વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાના પગલે રાજ્ય સરકારે અગમચેતીના પગલા લીધાં છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને વાવાઝોડાની પરિસ્થિતિને લઇને સપર્ક કર્યો છે.
આ ઉપરાંત કાચા મકાનોને અસર થઇ શકે છે. આ કારણોસર સંભવિત વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર કરાવવાની વ્યવસ્થા કરાઈ હતી. આ સાથે સાથે દરિયામાંથી માછીમારી કરવા ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી હતી. જેથી દરિયાકાંઠે બોટોનો ખડકલો થયો છે.
મહા વાવાઝોડાને કારણે જાનહાનિ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર રાખવાની સૂચના અગાઉ અપાઈ હતી. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી હતી. જરૂર પડે રાહત કામગીરી માટે કોસ્ટગાર્ડના આઠ જહાજ, બે એરકાફ્ટ તૈનાત કરાયા હતા.
વાવાઝોડું જોકે ચોથી નવેમ્બરની રાત્રે વધારે વેગ પકડશે અને પાંચમી નવેમ્બરે સવારના સમય બાદ ધીમું પડી જવાના અહેવાલો બાદ વાવાઝોડું ફરી વેગ પકડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં સાતમી અને આઠમી નવેમ્બરે ભારે વરસાદ પડશે તેવી શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી છે. ચોથી નવેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યા આસપાસ મહા વાવાઝોડું અરબી સમુદ્રના મધ્ય-પૂર્વ વિસ્તાર પરથી ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયું હતુું. ઉત્તર-પશ્ચિમ વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હતું. પાંચમીએ વાવાઝોડું વેરાવળના દરિયાકિનારાથી આશરે ૬૦૦ કિલોમીટર દૂર નોંધાયું હતું.
પાંચમી અને છઠ્ઠી નવેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને દીવમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. સાતમી અને આઠમી નવેમ્બરે અમદાવાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ, અમરેસી, ગીર-સોમનાથ, ભરૂચ, વડોદરા, વલસાડ અને વાપીમાં અતિભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી.
મહા વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર, ભાવનગર, કચ્છ, મોરબી, ગીર સોમનાથમાં થઇ શકે છે જેના કારણે આ વિસ્તારોમાં જીલ્લા કલેક્ટરોએ સંબંધિત અિધકારીઓ સાથે બેઠકો યોજી રેસ્ક્યૂથી માંડીની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

દિવાળી - બેસતા વર્ષે વરસાદઃ ૧૪ જિલ્લામાં ચાર ઈંચ વર્ષા

મહા વાવાઝોડાની અસર તળે રાજ્યમાં વરસાદી વાતારણ નોંધાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં દિવાળીમાં પણ વરસાદ રહ્યો હતો. ગીર-સોમનાથ, અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે દિવાળી, બેસતા વર્ષે વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ નવરાત્રિ બાદ દિવાળીના તહેવારોમાં પણ રંગમાં ભંગ પાડયો છે. ‘ક્યાર’ વાવાઝોડાને પગલે ૨૯-૩૦ ઓક્ટોબરના ગુજરાતના ૧૪ જિલ્લાના ૪૪ તાલુકામાં ૧ થી ૨ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. આણંદમાં સૌથી વધુ ૪.૪૪ ઈંચ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૪ ઈંચ, લખ્તરમાં ૨.૮૭ ઈંચ વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડયો છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં દિવાળીના જ વાદળછાયું વાતાવરણ થઇ ગયું હતું. બેસતા વર્ષના અનેક જિલ્લાઓમાં હળવા ઝાપટાં પડયા હતા. 'ભાઇ બીજ' ના તહેવાર વખતે અનેક જિલ્લાઓમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં 'અષાઢી બીજ' જેવો માહોલ થઇ ગયો હતો.
૨૯-૩૦ ઓક્ટોબરના જે જિલ્લાઓમાં વધારે વરસાદ પડયો તેમાં આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, છોટા ઉદેપુર, ભરૂચ, ખેડા, અરવલ્લી, ખેડા, કચ્છ, રાજકોટ, નર્મદાનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

ડાંગર, મગફળી, કપાસને નુકસાન

રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ-અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વાતાવરણમાં પલટો આવતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત અનેક સ્થાને કમોસમી વરસાદ સાથે માવઠું થયું હતું. જેની સીધી અસર ચોમાસુ સિઝનના તૈયાર થયેલા પાક વર્તાશે.જેથી ખેડૂતોને નુકસાન થવાની ભીતી સર્જાઇ રહી છે. એકટ્રોસીન નામની ફૂગના કારણે મગફળીના ૨૦ લાખ હેકટર ઉપરાંતના પાકને ઠડીયામાં નુકસાન પોહોચાડતું હોવાથી જમીનની અંદર તૈયાર થઇ રહેલી મગફ‌ળીના પાકના બીયા પર સીધી અસર પડે છે. જેથી પાક પોચો પડતાં ગુણવત્તા જળવાતી નથી અને ઉતારો ઘટે છે.

મુખ્ય પ્રધાન- ના. મુખ્ય પ્રધાન દ્વારા સમીક્ષા

મહા વાવાઝોડાના સંદર્ભમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાની બેઠક યોજી વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. બાદમાં મહેસૂલ એસીએસ પંકજકુમારે જણાવ્યું હતું કે, મહા વાવાઝોડું દીવ-પોરબંદર નજીક ૬ થી ૭ નવેમ્બરે વચ્ચે જમીન ઉપર પછડાશે અને એની તીવ્રતા દિન પ્રતિદિન ઘટી રહી છે. એમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ રાજ્યમાં એનડીઆરએફની ૧૫ ટીમ તહેનાત છે અને વદુ ૧૫ ટીમ આવી રહી છે. રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંઘે વીડિયો કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના જિલ્લા કલેકટરોને સાબદા રહેવા તાકીદ પણ કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter