ગુજરાત સરકારમાં ઉલ્ટાપુલ્ટાઃ કાર્યકર્તા મંત્રી બન્યા ને મંત્રી કાર્યકર્તા બન્યા

Wednesday 22nd September 2021 14:46 EDT
 
 

નવા મંત્રીમંડળની રચના સાથે ભાજપના રાજકારણની તાસીર અને તસવીર હવે બદલાઇ છે. વર્ષોથી મંત્રીપદે રહીને કાર્યકર્તા અને ધારાસભ્યોને આદેશો કરનારા નેતાઓ હવે એ જ કાર્યકર્તા અને ધારાસભ્યની હરોળમાં આવી ગયા છે. ભાજપની આ નો-રિપીટ થિયરીને કારણે તમામ મંત્રીઓ પગ નીચેથી ધરતી ખસી ગઇ તેવો ઘાટ સર્જાયો છે. આ મંત્રીઓને અત્યાર સુધી વિસ્તારના કામોની રજૂઆતો લઈને આવતા ધારાસભ્યો હવે મંત્રીપદનો પાવર ભોગવી સ્વર્ણિમ સંકૂલમાં બિરાજશે જ્યારે ભૂતપૂર્વ મંત્રીઓને તેમના મંત્રીઓ તરફથી આદેશ પાલન કરવાના રહેશે. જાહેર કાર્યક્રમોમાં પણ મંચ પર બેસતા આ નેતાઓ હવે કાર્યકરોના ટોળામાં ભળી જશે. જ્યારે ટોળામાં બેસનારા ધારાસભ્યો પૈકીના ૨૫ હવે મંચ પર રૂઆબથી બેસશે. વિધાનસભા ગૃહમાં પણ પડતા મૂકાયેલા મંત્રીઓ હવે પાછલી હરોળમાં બેસીને નવા મંત્રીઓના ભાષણ પર પાટલીઓ થપથપાવશે જ્યારે અત્યાર સુધી ધારાસભ્ય રહેલા આ નવા મંત્રીઓ ટ્રેઝરી બેંચમાં બેસી ગૃહને સંબોધિત કરશે.

૧૦ કેબિનેટ મંત્રીઃ અનુભવી અને નવોદિતોનો સમન્વય

નવરચિત મંત્રીમંડળમાં સૌથી અનુભવીઃ રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી, રાવપુરા (વડોદરા) વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા છે. અમિત શાહ ગ્રૂપના ગણાતા ત્રિવેદીએ બીએસસી (ઓનર્સ), એલએલબી સુધી અભ્યાસ કરેલ છે. તેઓ ખેતી તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન, સામાજિક પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ અને કવિતાલેખનનો શોખ ધરાવે છે. અગાઉ તેઓ રાજ્યકક્ષાના મંત્રી અને સ્પીકર રહી ચૂક્યા છે.
ભાવનગર (પશ્વિમ)માંથી પ્રથમ મંત્રીઃ જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી, ભાવનગર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ર૮ જુલાઇ ૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો છે. તેમણે બીકોમ, એલએલબી, એલડીસીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ભાવનગર પશ્ચિમમાંથી મંત્રી બનનાર પ્રથમ ધારાસભ્ય છે. અગાઉ તેઓ ગુજરાત ભાજપના પ્રમુખપદે પણ રહી ચૂક્યા છે.
મૂળ સુરતી, બે ટર્મથી ચૂ઼ંટાય છેઃ પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદી, સુરત (પશ્વિમ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૨ ઓકટોબર ૧૯૬૫ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે બીકોમ અને એલએલબીનો અભ્યાસ કરેલો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે. તેઓ જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ ધરાવે છે. તેઓ બે ટર્મથી ચૂંટાય છે.
પાટીદાર સમાજ ઉપર વર્ચસ્વઃ ઋષિકેશ ગણેશભાઇ પટેલ, વિસનગર મતવિભાગ (મહેસાણા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૩૦ ઓક્ટોબર ૧૯૬૧ના રોજ ખેરાલુના સુંઢિયા ગામે થયો છે. તેઓએ ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પાટીદાર સમાજ પર વર્ચસ્વ ધરાવે છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે. તેમજ વિસનગર ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે.
ધારાસભ્ય તરીકે છઠ્ઠી ટર્મઃ રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ, જામનગર (ગ્રામ્ય) મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧ જૂન ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો છે. તેમણે બીએ, એલએલબી અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને અનુભવી હોઈ તેઓની મંત્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
૨૦૧૭માં રિપીટ કરાયા હતાઃ કનુભાઇ મોહનલાલ દેસાઇ, પારડી (વલસાડ) વિધાનસભામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ ઉમરસાડી ખાતે થયો છે. તેમણે બીકોમ, એલએલબી (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી છે. વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે.
આદિવાસી સમાજ પર પ્રભુત્વઃ નરેશભાઇ મગનભાઇ પટેલ, ગણદેવી (નવસારી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ મોગરાવાડી, નવસારી ખાતે થયો છે. તેમણે એસએસસી સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આદિવાસી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓ વાંચન, લેખન, સંગીત અને ક્રિકેટના શોખીન છે.
ક્ષત્રિય સમાજના આગેવાનઃ કિરીટસિંહ જીતુભા રાણા, લીંબડી મતવિભાગ (સુરેન્દ્રનગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૭ જુલાઇ ૧૯૬૪ના રોજ થયો છે. તેઓએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા ચૂંટણી જીત્યા છે. આ પહેલાં તેમણે ૧૯૯૫ અને ૨૦૧૩માં પેટા ચૂંટણી જીતી હતી. કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુક્યા છે.
પ્રથમવાર વિજયી, મંત્રી બન્યાઃ અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ, મહેમદાવાદ મતવિભાગ (ખેડા)માંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૨ જૂન ૧૯૭૬ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે થયો છે. તેમણે બીકોમ, ડીસીએમનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રથમવાર વિજયી બની મંત્રી બન્યા છે.
પુસ્તક વાંચનનો શોખ ધરાવે છેઃ પ્રદીપભાઇ ખાનાભાઇ પરમાર, અસારવા મતવિભાગ (અમદાવાદ)માંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૭ જૂન ૧૯૬૪ના રોજ અમદાવાદ ખાતે થયેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બાંધકામ, પેટ્રોલપંપ અને વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાટક જોવાનો અને પુસ્તક-વાંચનનો શોખ ધરાવે છે.

પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)ઃ સૌરાષ્ટ્રમાંથી માત્ર એકને સ્થાન

માત્ર ૩૬ વર્ષની ઉંમરે ગૃહ રાજ્યપ્રધાનઃ હર્ષ રમેશકુમાર સંઘવી, મજૂરા મતવિભાગ (સુરત)માંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૮ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ સુરત ખાતે થયો છે. કોરોનાકાળમાં કરેલી કામગીરી અને કેન્દ્રીય નેતાગીરી સાથેના સીધા સબંધ, સી.આર. પાટીલ ગ્રૂપમાંથી આવે છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ, જ્વેલરી મેન્યુફેક્ચરિંગનો છે. તેઓ રાહતદરે સ્ટુડન્ટ બુક બેન્ક, રાહતદરે સાહિત્ય વેચાણ કેન્દ્ર, રોજગાર મેળા, વનવાસી વિસ્તારમાં કેમ્પ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે.

મનીષા વકીલ ૯ વર્ષમાં પ્રથમ વખત મંત્રી બન્યાંઃ મનીષા વકીલ વડોદરા શહેર મતવિભાગ (વડોદરા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૫ માર્ચ ૧૯૭૫ના રોજ વડોદરા ખાતે થયો છે. તેમણે એમએ અને બીએડ (અંગ્રેજી સાહિત્ય) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બ્રાઇટ ડે સ્કૂલના સુપરવાઈઝર તરીકે સેવા આપી ચૂક્યા છે. ૯ વર્ષમાં પ્રથમ વખત મંત્રી બન્યા છે. તેઓ આનંદીબહેન પટેલ અને સી. આર. પાટીલ ગ્રૂપનાં છે.

મોરબી જિલ્લામાંથી મંત્રીપદ મેળવનાર પ્રથમ ધારાસભ્યઃ બ્રિજેશકુમાર અમરશીભાઈ મેરજા, મોરબી મતવિભાગ (મોરબી) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ પહેલી માર્ચ ૧૯૫૮ના રોજ ચમનપર ખાતે થયો છે. તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું છે. ૨૦૧૩ બાદ રાજ્યમાં મોરબી જિલ્લામાંથી મંત્રીપદ મેળવનાર બ્રિજેશ મેરજા પ્રથમ ધારાસભ્ય બન્યા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.

ટેક્સસ્ટાઇલ મશીનરીના વ્યવસાયમાં સંકળાયેલ છેઃ જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ, નિકોલમાંથી ચૂંટાયેલા છે. તેમણે એમબીએ ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે. તેમનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૭૩ના રોજ અમદાવાદ ખાતે થયો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન-સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે.

બહુ ઓછા સમયમાં મંત્રી પદ મેળવવામાં સફળતાઃ જીતુભાઇ હરજીભાઇ ચૌધરી કપરાડા (વલસાડ) વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ પહેલી જૂન ૧૯૬૪ના રોજ કાકડકોપર, તા. કપરાડા, જિ. વલસાડ ખાતે થયો છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા જીતુ ચૌધરી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા બાદ પેટા- ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે.

નવ રાજ્યકક્ષાના મંત્રીઃ પીએચડીથી માંડીને સહકારી ક્ષેત્રના અગ્રણીઓને સ્થાન

નિર્વિવાદીત છબી ધરાવે છેઃ મુકેશભાઇ ઝેડ. પટેલ, સુરતના ઓલપાડ મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૧ માર્ચ ૧૯૭૦ના રોજ સુરતમાં થયો છે. તેમણે એચએસસી પૂરુ કર્યા બાદ ડ્રાફ્ટ્સમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પેટ્રોલ પંપના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેરમી ગુજરાત વિધાનસભા ર૦૧૨-૧૭માં ચૂંટાયા હતા.
પાટીદારોનો વિશ્વાસ જીતવા પસંદગીઃ વિનોદભાઇ એ. મોરડીયા, કતારગામ વિધાનસભા બેઠકથી ચૂંટાયા છે. જન્મ ૧૦ જુલાઇ ૧૯૬૮ના રોજ સરવઇ ખાતે થયો છે. તેમણે એસએસસી સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાટીદાર સમાજનો વિશ્વાસ જીતવા બદલ તેમજ આરોગ્યમંત્રી કાનાણીને હટાવ્યા બાદ પાટીદારોને સાચવવા તેઓની પસંદગી કરાઇ છે.
કોળી સમાજના વગદાર નેતાઃ રાઘવભાઇ સી. મકવાણા, મહુવા મતવિભાગ (ભાવનગર)માં ચૂંટાયા છે. તેમનો જન્મ ૮ ઓક્ટોબર ૧૯૭૦ના રોજ મહુવા તાલુકાના પાઢિયારકા ખાતે થયો છે. તેમણે ડિપ્લોમા એન્જિનિયરીંગનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ટ્રાન્સપોર્ટ, વેપાર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ કોળી સમાજના મજબૂત નેતા હોવાને કારણે સ્થાન મળ્યું છે.
મહિસાગરના ‘વિકાસ પુરુષ’ઃ કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર, સંતરામપુર (મહિસાગર) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧ જૂન ૧૯૭૦ના રોજ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભંડાર ખાતે થયો છે. તેમણે એમએ, પીએચડીનો અભ્યાસ કરેલો છે. તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ લેખન, વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.
સહકારી ક્ષેત્રના અગ્રણીઃ દેવાભાઇ પુંજાભાઇ માલમ, કેશોદ મતવિભાગ (જૂનાગઢ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧૨ જાન્યુઆરી ૧૯૫૯ના રોજ માંગરોળ તાલુકાના થલી ખાતે થયો છે. તેમણે અન્ડર મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ પ્રાથમિક કૃષિ સહકારી મંડળીના પ્રમુખપદે સેવાઓ આપી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં નવો પાટીદાર ચહેરોઃ અરવિંદ ગોરધનભાઈ રૈયાણી, રાજકોટ (પૂર્વ) વિધાનસભામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૪ જાન્યુઆરી ૧૯૭૭ના રોજ રાજકોટ ખાતે થયો છે. તેમણે એસએસસી સુધી અભ્યાસ કરેલો છે. તેઓ વેપાર સાથે સંકળાયેલા છે. વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.
 ક્ષત્રિય સમાજમાં વર્ચસ્વઃ ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર, પ્રાંતિજ મતવિભાગ (સાબરકાંઠા) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૭૮ના રોજ થયો છે. તેમણે ટીવાયબીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન અને ક્રિકેટનો શોખ ધરાવે છે.
૨૦૧૭માં ૧૦ હજારની લીડ મળી હતીઃ કીર્તિસિંહ પ્રભાતસિંહ વાઘેલા, કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧ જૂન ૧૯૬૯ના રોજ ચાણસ્માના આકબા ગામે થયો છે. તેમણે અન્ડર ગ્રેજયુએટ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રદેશ ઉપાધ્યક્ષ, કિસાન મોરચો, ભાજપ પ્રદેશ મંત્રીપદે રહી ચૂક્યા છે.
બક્ષીપંચ-આદિવાસીનો સમન્વયઃ નિમિષાબેન મનહરસિંહ સુથાર, મોરવાહડફ મતવિભાગ (પંચમહાલ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચુંટાયેલા છે. તેમનો જન્મ વર્ષ ૧૯૮૨માં થયો છે. મોરવાહડફની વિધાનસભાની બેઠક ઉપરથી વર્ષ ૨૦૨૧માં પેટા-ચૂંટણીમાં વિજેતા થયા છે. અગાઉ તેમણે વર્ષ ૨૦૧૩-૧૭ દરમિયાન ગુજરાત વિધાનસભામાં મોરવાહડફથી પ્રતિનિધિત્વ કરેલું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter