ગોધરા કાંડના ૧૭ વર્ષ બાદ તપાસ અહેવાલ જાહેર!

Wednesday 18th December 2019 07:51 EST
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડના ૧૭ વર્ષ બાદ તપાસ પંચનો અહેવાલ જાહેર જનતા સમક્ષ રજૂ થયો છે. તપાસ પંચને શરૂઆતમાં તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના અપાયા હતા. જોકે આ ઘટનાના સાત વર્ષ બાદ એટલે કે સપ્ટેમ્બર-૨૦૦૯માં અહેવાલનો પ્રથમ ભાગ જાહેર કરવામાં આવ્યો હતો. તપાસ પંચે બીજો અને અંતિમ ભાગ નવેમ્બર-૨૦૧૪માં તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સોંપ્યો હતો. જોકે રાજ્ય સરકારે પાંચ વર્ષ સુધી આ અહેવાલ ગૃહમાં રજૂ કર્યો ન હતો. હવે ૨૦૦૨માં થયેલી ઘટનાઓ લોકો ભૂલી ચૂક્યા છે ત્યારે સરકાર મોડે-મોડે અહેવાલ રજૂ કરી ઔપચારિકતા પૂર્ણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

તપાસ પંચની સરકારને ભલામણો

• થોડાક ધાર્મિક નેતાઓ, સંગઠનો, અસામાજિક તત્ત્વો બે કોમમાં ભાગલા પડે તેમાં રસ ધરાવતા હોય છે. સમાજમાં આવી નબળાઈઓ દૂર થાય તે માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ.
• પોલીસની ગેરહાજરી અથવા હિંસક ટોળાઓને કાબૂમાં લેવા માટે પોલીસ ફોર્સ અપૂરતો હતો.
• રાજ્ય સરકારે પોલીસ ફોર્સ પૂરતા પ્રમાણમાં છે કે કેમ તેની નિયમિત ચકાસણી કરવી જોઈએ. ખાલી જગ્યા ઝડપથી ભરવી જોઇએ, તાલીમબદ્ધ પોલીસ ફોર્સ ન હોય ત્યાં સુધી કોમી હિંસાના બનાવોનો સામનો કરવાની અપેક્ષા રાખી ન શકાય.
• ઘણા સ્થળોએ બનાવ બન્યા, પોલીસ ફોર્સને પૂરતા સાધન-સામગ્રી, હથિયારો સાથે ડિપ્લોય કરવા જોઈએ.
• પોલીસ પાસે વાયરલેસ, વાહનો અને દારૂગોળો હોય તેની ખાતરી કરવી જોઈએ, આ દીશામાં યોગ્ય પગલાં ભરવા જોઈએ.
• કોમી રમખાણો સમયે મીડિયા-માધ્યમ દ્વારા બનાવો અંગે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં યોગ્ય પ્રતિબંધ મૂકવો જોઈએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter