તારાજ અમરેલી જિલ્લામાં મુખ્ય પ્રધાનનું હવાઈ નિરીક્ષણ

Friday 26th June 2015 05:17 EDT
 
 

મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ૨૫ જૂને બપોરે તેમના અધિક અગ્ર સચિવ કે. કૈલાસનાથ તથા મહેસૂલ સચિવ કે. શ્રીનિવાસ સાથે રાજ્ય સરકારના વિમાનમાં વરસાદથી તારાજીનો સૌથી વધુ ભોગ બનેલા અમરેલી જિલ્લાના બગસરા, હુકાવાવ, વડિયા, ધારી તાલુકાઓનું તેમ જ રાજકોટના ગોંડલ તાલુકાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં ભારે વરસાદને કારણે રેલવે લાઇનને મોટું નુકસાન થયું હતું. પાણી ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટરથી બહાર લાવવામાં આવ્યા હતા.

મુખ્ય પ્રધાને હવાઈ નિરીક્ષણ માટે જતા અગાઉ સવારે ૧૧ વાગ્યે આપત્તિ વ્યવસ્થાપન અંગે સંબંધિત તમામ વિભાગોના વડા અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આવી જ બેઠક સાંજે અમરેલીથી પરત આવ્યા બાદ પણ યોજી હતી. ઉપરાંત વચ્ચે મુખ્ય સચિવ જી. આર. અલોરિયાએ પણ આવી બેઠક સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી હતી. આ ઉપરાંત ૨૪ જૂન સાંજના ૬ કલાક સુધીમાં મોસમનો સરેરાશ વરસાદ નીચે મુજબ નોંધાયો હતો.

કચ્છ-૭.૩ ટકા

ઉત્તર ગુજરાત-૭.૪૫ ટકા

પૂર્વીય મધ્ય ગુજરાત-૧૯.૯૨ ટકા

સૌરાષ્ટ્ર-૬૫.૯૯ ટકા

દક્ષિણ ગુજરાત-૩૭.૮૨ટકા

સમગ્ર ગુજરાત-૩૩.૯૫ ટકા

અમદાવાદમાં પણ સિઝનનો પ્રથમ વરસાદ ૨૪ જૂને નોંધાયો હતો. મોડી સાંજના ૧૦ વાગ્યા સુધીના ૮ કલાકમાં સરેરાશ સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ લાઈન પાછળ ખર્ચેલા રૂ. ૩૬૯ કરોડ પાણીમાં ધોવાયા હોવાનું ચિત્ર ઊપસી આવ્યું હતું. ભાજપના શાસકો અને અધિકારીઓએ પાણી નહીં ભરાવાના કરેલા દાવા પણ પોકળ સાબિત થયા હતા. આટલા વરસાદમાં મીઠાખળી, પરિમલ, અખબારનગર, ઉસ્માનપુરા, દક્ષિણી અને નરોડા આઇટીઆઇ અંડરપાસ બંધ કરી દેવા પડ્યા હતા. પૂર્વના ૧૦૦ સ્થળોએ અને પશ્ચિમના ૭૦ સ્થળોએ વરસાદી પાણી ભરાયા. જેને પગલે નાના-મોટા ૨૫ રોડ બંધ કરી દેવા પડ્યા. ૨૦૦ સોસાયટીઓમાં કેડસમા પાણી ભરાઈ ગયા. અપ્સરા સિનેમા, મીઠાખળી અંડરપાસ, ગોમતીપુર સલાટનગરના છાપરા સામે, માનસી સર્કલ, રેડિયો મિર્ચી રોડ પર તથા ગુલાબ ટાવર પાસે મોટા ભૂવા પડ્યા હતા. ૩૦૦ સ્થળોએ કેચપીટોના ઢાંકણા ખોલવાની કામગીરી કરવી પડી હતી. પાંચ મોટા રસ્તા બેસી ગયા, ૧૪ વૃક્ષો ધરાશાયી થઈ ગયા. ૫૦ વાહનો સ્લિપ થવાના કિસ્સા બન્યા તો દસ વાહનો પડેલા ખાડામાં ખૂંપી ગયા હતા. સૌથી વધુ વરસાદ ઓઢવ વોર્ડમાં ૭.૫, વેજલપુર ૭.૫, ટાગોર હોલ ૭, દાણાપીઠ વિસ્તારમાં ૭ ઇંચ વરસાદ વરસ્યો હતો. શહેરમાં અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા નદીની સપાટી ૧૨૮ મીટર સુધી લાવવા પ્રયાસ કરાયો હતો. જેને કારણે વાસણા બેરેજના તમામ ૭ દરવાજા ૧થી બે ફૂટ જેટલા ખોલી નખાયા હતા અને ૫ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter