એકના એક દીકરાના આપઘાત પછી ૫૦ વર્ષીય માતાએ IVFથી દીકરાને જન્મ આપ્યો

Friday 15th May 2020 07:00 EDT
 

સુરત: આશરે બે વર્ષ પહેલાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી - રુડકીના વિદ્યાર્થી અભિજીત સિંહે (ઉં. ૨૧) રુડકીમાં અભ્યાસ દરમિયાન આપઘાત કર્યો હતો. એકના એક પુત્રના આપઘાતથી અભિજીતના માતા-પિતા ખૂબ જ દુઃખી હતાં. એકના એક દીકરાને ગુમાવતાં માનસિક તણાવમાં રહેતાં ૫૦ વર્ષીય માતા ભગીરથીબહેને IVFની મદદ લઈ સંતાનપ્રાપ્તિ માટે વિચાર્યું હતું. કોરોનાની મહામારીના પ્રથમ ચરણમાં તાજેતરમાં તેમણે એક પુત્રને જન્મ આપ્યો.
એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા પુત્રએ આપઘાત કર્યો હતો
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ભાગીરથીબહેન સિંહે કહ્યું કે, અભિજીત આઈઆઈટી-રુડકીમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં હતો ત્યારે અમને આઘાત આપ્યો હતો. તેના આપઘાત પાછળનું કોઈ કારણ પણ અમે જાણી શક્યા નહોતા. દીકરાને ગુમાવ્યા બાદ પરિવારના સભ્યો માનસિક તણાવમાં રહેતા હતા. તેવામાં અમે આઈવીએફનો સહારો લેવાનું વિચાર્યું અને અમને અભિજીત પાછો મળ્યો તેવું સૌ કહે છે. ભાગીરથીબહેન સિંહ કહે છે કે, ડોકટર પૂજાબહેન નાડકરણીનો ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલીએ. તેમના માર્ગદર્શનથી એક નિવૃત્ત પિતાને લાઠી અને મને મારો અભિજીત પાછો મળ્યો છે. ડો. પૂજા નાડકરણી કહે છે કે, પતિ - પત્નીના અંડથી બનેલા ગર્ભને ભાગીરથીબહેનના ગર્ભાશયમાં સ્થાપન કરી દેવાયું હતું. જેના કેટલાક સપ્તાહ બાદ ભાગીરથીબહેનના ગર્ભમાં એક બાળક આકાર લઈ રહ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. સગર્ભાની સાર સંભાર અને સતત તબીબી પરીક્ષણ વચ્ચે ૯મે મહિને બાળકનો જન્મ થતાં આખા પરિવારનાં ખુશીના આંસુ જોઈને મને પણ ખૂબ આનંદ થયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter