બાપા એ મારી બાઉન્ડ્રી, ૧૦૮ પર નોટઆઉટ

Saturday 25th April 2015 07:52 EDT
 

સુરતઃ સમાજમાં આજે ઘણા વડીલો ૧૦૦ વર્ષની ઉંમર વટાવી ગયેલા જોવા મળે છે. અહીં એક આધેડ ૧૦૮ વર્ષે પણ કડેધડે જીવન જીવી રહ્યા છે. મૂળ ભાવનગરના મહુવા તાલુકાના લાડુમોર પરિવારના માધાબાપા ૧૦૮ વર્ષે પણ અડીખમ છે. પાંચ પેઢીનું નેતૃત્વ કરી રહેલાં ૧૦૮ વર્ષના ઘેઘૂર વડલા સમાન માધાબાપાના વડની વડવાઈઓ ધરાવતાં વિશાળ પરિવારે તાજેતરમાં જ ૧૦૮ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગની ઉજવણી કરી હતી. માધાબાપાના અંગે આ પરિવારની ત્રીજી પેઢીના ગોવિંદભાઈ કહે છે કે, મૂળ ખેડૂત તરીકે જન્મેલા માધાબાપાએ પાંચ પેઢીને જોઇ છે. એટલું નહીં, તમામ પેઢીઓમાં સંસ્કારોનું સિંચન અને જતન કર્યું છે. તેમના આચરણ દ્વારા તેઓ ૭૦ વ્યક્તિના પરિવારમાં વ્યક્તિવિકાસના પ્રેરકબળ તરીકે ઉપસી આવ્યાં છે. અગાઉ સમાજમાં સ્ત્રીઓને લાજ કાઢવી પડતી હતી. જોકે ૨૬ વર્ષ પહેલાં લાડુમોર પરિવારની ત્રીજી પેઢીના ગોવિંદભાઈના લગ્ન વખતે સમાજમાં સ્ત્રીઓને લાજ કાઢવાની પ્રથા દૂર કરવાનું શરૂ કર્યું હતું. આ સામા પ્રવાહે તરવા જેવી પહેલ હતી, પરંતુ તેમના પરિવર્તનને સમાજે સ્વીકારી લીધો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter