સંઘ પ્રદેશનો પત્ર

Saturday 26th March 2022 05:59 EDT
 
 

સેલવાસની પરિણીતાએ જીવન ટૂંકાવવા દમણગંગામાં ઝંપલાવ્યું, યુવાને નદીમાં કૂદી જીવ બચાવ્યો

સેલવાસના આમલી વિસ્તારમા રહેતી એક પરિણીતાએ કોઈક અગમ્ય કારણસર દમણગંગા નદીના પુલ પરથી નદીમાં ઝંપલાવી દીધુ હતુ. આ જોઇને બ્રીજ પરથી પસાર થઇ રહેલા એક યુવાને તાત્કાલિક નદીમા કુદી પડીને યુવતીનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસના આમલી વિસ્તારમાં પુનમ પવાર (32) પરિવાર સાથે રહે છે. તેણે પતિ સાથેના ઘરકંકાસના કારણે કંટાળીને દમણગંગા નદીના પુલ પર પહોંચી જઈ નદીમાં ઝંપલાવી દીધુ હતુ. આ જોતાં પુલ પર લોકોની ભારે ભીડ એકત્ર થઇ ગઇ હતી. આ જ સમયે ઉમરગામનો રહેવાસી યુવાન રંજયકુમાર રિક્ષામા જઈ રહ્યો હતો, જેણે યુવતીને નદીમાં પડેલી જોતાં જ કંઈ પણ વિચાર કર્યા વિના રિવરફ્રન્ટ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ અને ડૂબતી યુવતીને બચાવી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ સાથે 108ની ટીમ પણ પહોંચી ગઇ હતી અને યુવતીને પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં તેને 108એમ્બ્યુલન્સ દ્વારા વિનોબા ભાવે સિવિલ હોસ્પીટલમા લઇ જવામા આવી હતી, જ્યા એના પરિવારના સભ્યો પણ આવી પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પરિણીતાને બચાવનાર યુવાન રંજયકુમારને આ સરાહનીય કાર્ય કરવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્ટ બની ગયો છે. અગાઉ પણ જયારે આત્મહત્યાની ઘટના બની હતી ત્યારે નદીના પુલની આજુબાજુ જાળી લગાવવા માટે માગણી થતી રહી છે, પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઇ પગલાં લેવાયા નથી. જો જાળી લગાવવામા આવે તો આત્મહત્યાના કેસોમાં ઘટાડો થઇ શકે એમ છે.

આરતી ઇન્ડસ્ટ્રીઝમા આગ લાગતા દોડધામ

દાદરા નગર હવેલીના ખેરડી ગામમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ફેક્ટરીમાં આગ લાગ્યાની જાણ થતાં જ કંપની મેનેજમેન્ટ અને કામદારો તાત્કાલિક બહાર દોડી ગયા હતા અને ફાયર સેફટી વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ફાયર વિભાગને ફોન કરતા ખાનવેલ, સેલવાસ અને આજુબાજુની કંપનીના ફાયર ફાઇટરો પહોંચી ગયા હતા. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગામના યુવાનોએ પણ કંપનીની આજુબાજુમાં રહેતા લોકોને હટાવીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં મદદરૂપ બન્યા હતા.

સેલવાસ-નરોલી ફ્લાયઓવરનું કામ ફરી ધમધમતું થયું

સેલવાસને સ્માર્ટ સિટીનો દરજ્જો મળ્યા બાદ અહીં અનેક નવા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે પણ ગત સમયમા પેન્ડેમિકને લઈ અનેક પ્રોજેક્ટની ગતિ મંદ થઇ ગઇ હતી. જોકે હવે નિર્માણ કાર્ય ધમધમતા થયા છે. સેલવાસ-નરોલી રિંગ રોડ ખાતેનો ફ્લાયઓવર બ્રિજ આવતા ચોમાસા પહેલા લોકો માટે ખુલ્લો મુકાશે. આ બ્રિજ નીચેથી નેશનલ હાઇવે પસાર થાય છે. આ હાઇવે પર કુલ ત્રણ બ્રિજ બની રહ્યા છે જેમા પીપરીયા ખાતેના બ્રીજની ઓળખ જંક્શન જી તરીકે કરાય છે. એ જ પ્રમાણે સામરવરણી બ્રિજને જંકશન બી કહેવાય છે અને યાત્રીનિવાસ સેલવાસ-નરોલી બ્રિજને જંકશન એ તરીકે ઓળખ અપાઇ છે. આ ત્રણે બ્રિજ રૂ. 77.22 કરોડના ખર્ચે તૈયાર થઇ રહ્યા છે. બ્રિજની બંને બાજુના સર્વિસ રોડ 8 મીટરના બનાવાયા છે એની સાથે 1.5 મીટરના ફૂટપાથ પણ તૈયાર કરાયા છે. આ નિર્માણ કાર્ય ગત બે વર્ષમાં પૂર્ણ કરવાનુ હતુ પણ કોરોનાકાળને લઈ કામ લંબાયુ છે. આ પ્રોજેક્ટ હવે આવતા ચોમાસા પહેલા પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમા ચાલેછે.

ગેરકાયદે રેતખનન સામે દાનહ તંત્રની લાલ આંખ

દાદરા નગર હવેલી (દાન) મહેસુલ વિભાગે ગેરકાયદે રેતખનન સામે લાલ આંખ કરી છે. અધિકારીઓએ બાતમીના આધારે સામરવરણીના ઓઝરપાડા ગામ નજીક દમણગંગા નદીમાંથી ગેરકાયદે રેતી કાઢવાની કામગીરી પર દરોડો પાડ્યા હતા. મહેસુલ વિભાગની ટીમે સ્થળ પરથી એક હોડી સહિત ઇલેક્ટ્રીક પમ્પ, 20ફુટ પાઇપ અને ડ્રમ કબ્જે કર્યા છે. આ બધી વસ્તુનો કબ્જો લઇને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનમાં જમા કરવામા આવ્યા છે.

સેલવાસ ડિસ્ટ્રીકટ કોર્ટમમાં રાષ્ટ્રીય લોક અદાલત

સેલવાસ ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતને પ્રોત્સાક પ્રતિસાદ સાંપડ્યો હતો. સેલવાસ જીલ્લા વિધિ સેવા પ્રાધિકરણ-દાનહના ચેરમેન યુ.એમ. નંદેશ્વરના માર્ગદર્શનમાં યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 354 કેસો મૂકાયા હતા, જેમાંથી 89કેસોમાં સમાધાન કરવામા આવ્યુ છે. લોક અદાલતમાં રજૂ થયેલા કેટલાક કેસો તો વર્ષોજૂના હતા. આ લોક અદાલત માટે બે પેનલ બનાવવામા આવી હતી. દિવાની ન્યાયાધીશ અને મુખ્ય ન્યાય દંડાધિકારી વાય.એસ. પેઠનકર અને દિવાની ન્યાયાધીશ તથા ન્યાયિક મેજીસ્ટ્રેટ ડી.પી. કાલેની ઉપસ્થિતિમાં આ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સંબંધિત બેંકના અધિકારીઓ, બાર એસોસિયેશનના સભ્યો સહિત મોટી સંખ્યામા અરજદારો અને પક્ષકારો હાજર રહ્યા હતા.

ખાનવેલ રુદાના નજીક મર્સિડીસ કાર આગમાં ખાક

દાદરા નગર હવેલીની એક જાણીતી કંપનીના સંચાલક ખાનવેલથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા ત્યારે રુદાના મર્ગપાડા નજીક અચાનક ગાડીમાંથી ધુમાડો નીકળવાનો શરૂ થઇ ગયો હતો. જોકે કારમાલિક પારસ હેમંતલાલ જૈન સમયસૂચકતા વાપરીને એમની મર્સીડીઝ કારમાંથી બહાર નીકળી ગયા હતા. એમણે તરત જ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં ફાટી નીકળેલી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામા આખી ગાડી બળીને ખાક થઇ ગઇ હતી. જોકે કોઇને ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter