સારા વિચાર - કર્મો - શબ્દો પારસી સમાજની ઓળખઃ મુખ્ય પ્રધાન

Wednesday 01st January 2020 05:35 EST
 
 

પારડીઃ મુખ્‍ય પ્રધાન વિજય રૂપાણીએ પારસી કોમના ઇરાનશાહ ઉદવાડા ઉત્‍સવમાં સહભાગી થતાં ૩૦મી ડિસેમ્બરે સ્‍પષ્ટપણે જણાવ્‍યું કે, પોતાના ધર્મની રક્ષા માટે ૧૩૦૦ વર્ષ પૂર્વે વતન છોડી ભારત આવેલા પારસીઓ સમરસતા અને બંધુત્‍વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે એમ પણ કહ્યું કે ધર્મ અને સંસ્‍કૃતિની રક્ષા માટે વતન છોડવા મજબૂર બનેલા લોકો જ વતનથી દૂર થવાની પીડા સમજી શકે છે. ધર્મરક્ષા માટે વતન છોડવા મજબૂર અને વરસો સુધી શરણાર્થી તરીકેની તકલીફો ભોગવનાર પરત્‍વે સંવેદનશીલતા સાથે તેમને નાગરિકતા આપવાના નાગરિકતા બિલનો વોટબેંકની રાજનીતિથી દોરવાઇને વિરોધ કરનાર લોકો પોતે ગુમરાહ છે અને બીજાને રાષ્ટ્રધર્મ પ્રત્‍યે ગુમરાહ કરવા પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે, નાગરિકતા બિલ કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનું બિલ નથી. આ બિલના વિરોધથી દેશની ધરોહર અને સાંસ્‍કૃતિક સામાજિક એકતા તોડવા મથતા તત્ત્વોથી સાવધ રહેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. ઈરાન શાહ ઉત્‍સવ પારસી કોમની સાંસ્‍કૃતિક વિરાસતની સાથે સાથે સંપ, સદભાવ અને બંધુતાના ઉચ્‍ચતમ માનવીય સદગુણોને ઉજાગર કરતો ઉત્‍સવ છે.
વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા અને દર બે વર્ષે ઉજવાતા આ ઉત્‍સવમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઉપસ્‍થિ રહીને પારસી કોમની ખુમારી, પ્રતિભા, તેમના સામાજિક પ્રદાન અને સાંસ્‍કૃતિક વારસાને બિરદાવ્‍યો હતો.
ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઈને વિકાસમાં પારસીઓનો મહત્ત્વપૂર્ણ ફાળો
પોતાના સત્ત્વ અને તત્ત્વને સૈકાઓથી જાળવી રાખનાર પારસી કોમની ખુમારીને બિરદાવતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સારા વિચાર, સારા કર્મો અને સારા શબ્દો પારસી સમાજની ઓળખ છે. મુખ્ય પ્રધાને રતન ટાટા, સાયરસ પુનાવાલા, જનરલ માણેક શા, મેડમ કામા, નાની પાલખીવાલા, સહિત અનેક લોકોના પ્રદાનને બિરદાવતાં ભારતના સ્વતંત્રતા સંગ્રામથી લઈને આજદિન સુધીના વિકાસમાં પારસીઓના ફાળાને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો.
કરોડોની વસ્તીમાં લઘુમતી તરીકે અમે સચવાયા
રાષ્ટ્રીય લઘુમતી કમિશન (ઝોરાષ્ટ્રીયન પારસી)ના સભ્ય વડા દસ્તુર ખુરશીદ દસ્તુરે જણાવ્યું હતું કે, ઈરાનશાહ ઉદવાડા ઉત્સવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું. સમગ્ર વિશ્વને પારસી સમુદાયનો પરિચય આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ભારત દેશ પરત્વે આભારની લાગણી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે, કરોડોની વસ્તીમાં લઘુમતી તરીકે અમે સચવાયા છીએ. એટલું જ નહીં, સુરક્ષા અને પ્રેમ પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે પારસી સમુદાયના વિકાસમાં, પ્રશ્નોના નિરાકરણમાં મુખ્ય પ્રધાન
તથા રાજ્ય સરકારના સહયોગની સરાહના કરી હતી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter