હજીરાથી મુંબઇની દરિયાઈ સહેલ ઈન્ટરનેશનલ ક્રૂઝમાં કરી શકાશે

Wednesday 04th September 2019 06:39 EDT
 

અમદાવાદઃ ગુજરાતમાં ખાસ કરીને સુરતવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે હવે હજીરા બંદરેથી વિદેશી ક્રૂઝમાં દરિયાઈ માર્ગે મુંબઈ જઈ શકાશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બાદ વધુ ફેરી સર્વિસ શરૂ થવા જઈ રહી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હજીરા-મુંબઈ વચ્ચે શરૂ થનારી પેસેન્જર ક્રૂઝ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આગામી નવેમ્બરમાં આ ક્રૂઝ સર્વિસનો પ્રારંભ થશે.
ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકાંઠે ક્રૂઝ થકી પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. મુંબઈ જતાં પ્રવાસીઓના ધસારાના લઈને આ પેસેન્જર ક્રૂઝ સર્વિસ શરૂ કરવા નિર્ણય લેવાયો છે.
એસએસઆર મરીન સર્વિસ પ્રા. લિ. દ્વારા ૩૦૦ મુસાફરો લઈ જઈ શકે તેવું ક્રૂઝ હજીરાથી ઉપડી મુંબઈ જશે. આ જહાજમાં ૨૦ એસી રૂમ્સ સહિતની સુવિધા ઉપલબ્ધ હશે. આ પેસેન્જર જહાજ બાંદ્રાથી દર ગુરૂવારે સાંજે સાત વાગ્યે ઉપડી શુક્રવાર સવારે નવ વાગ્યે હજીરા પહોંચશે. શુક્રવારે સાંજે ૬ વાગ્યે ઉપડી અને શનિવારે ૮ વાગ્યે મુંબઈ પહોંચશે. ટૂંકમાં હજીરાથી મુંબઈ પહોંચતાં ૧૨ કલાકથી વધુનો સમય લાગશે.
ખાસ કરીને સુરતવાસીઓને વિકેન્ડની રજાઓ માણવા માટે આ એક નવું નજરાણું બની રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યારે દહેજ અને ઘોઘા ફેરી સર્વિસ ચાલી રહી છે ત્યારે હજીરા અને બાંદ્રાથી મુંબઈ વચ્ચેની આ પેસેન્જર સર્વિસ દરિયાઈ સફરમાં ઉમેરો કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter