‘વિવિધતામાં એકતાના દર્શન કરાવતું સુરત મિની હિન્દુસ્તાન’

Saturday 08th October 2022 04:14 EDT
 
 

સુરતઃ હીરાનગરની પ્રશંસા કરતા વડા પ્રધાને કહ્યું હતું કે, દેશના તમામ પ્રદેશના લોકો સુરતમાં વસે છે. વિવિધતામાં એકતાના દર્શન કરાવતું હોવાથી આ શહેર મિનિ હિન્દુસ્તાનની પ્રતીતિ કરાવે છે. શ્રમનું સન્માન કરવું એ સુરતની વિશેષતા છે અને અહીં ક્ષમતાની કદર થવા સાથે પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે.
વડા પ્રધાને કહ્યું હતું કે જીવનમાં આગળ વધવાના સપનાં સાકાર થાય છે. વિકાસની રાહમાં પાછળ રહી ગયેલા વર્ગનો હાથ પકડી આ શહેર તેને આગળ લઇ જાય છે. આપત્તિને અવસરમાં પલટાવી આ શહેર ફરી બેઠું થયું છે. સુરતે વિકાસ માટે બે દાયકા પહેલા એક મોડેલ અપનાવ્યું હતું. આ મોડેલ એટલે PPP આ ત્રણ પીમાં ચોથો પીપલ્સનો P અપનાવી વિકાસનું એક નવું મોડેલ દેશ સમક્ષ રજૂ કરીને કોઇ પણ શહેરનું દરેક ક્ષેત્રમાં બ્રાન્ડિંગ કેવી રીતે થાય તે સુરતે કરી બતાવ્યું છે. સુરતનું કાપડ ઉત્તર પ્રદેશ પહોંચે તે માટે તંત્ર વારાણસીની ટ્રેન શરૂ કરશે તેમ પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું.
રૂ. 3473.54 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
ડાયમંડ સિટી તરીકે દુનિયાભરમાં જાણીતા સુરતમાં રૂ. 3473.54 કરોડના વિવિધ 59 વિકાસકાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું હતું. વડા પ્રધાને પાણી પુરવઠાના રૂ. 672 કરોડના કામ, ડ્રેનેજ પ્રોજેક્ટના રૂ. 890 કરોડના કામ, રૂ. 370 કરોડના ડ્રીમ સિટીના કાર્યો, રૂ. 130 કરોડના બાયો ડાયવર્સિટી પાર્કના તેમજ અન્ય વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડા પ્રધાને 103 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રસ્ટ્રકચરના કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. ફેઝ-2ના કાર્યોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. વનસ્પતિ, જળસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી કાંકરા ખાડી પાસે 88 હેકટર જગ્યામાં બાયો ડાયવર્લિટી પાર્ક બનાવાશે. જેમાં 13 કિમી લાંબી વોકિંગ ટ્રેઈલ્સનો પણ સમાવેશ થાય છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટનાં 80 ટકા વાહનો ઇલેક્ટ્રિક
સુરત શહેરમાં 25 ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા છે. હજુ 500 સ્ટેશન શરૂ કરાશે. સુરતમાં આગામી સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના 80ટકા વાહનો ઇલેક્ટ્રિક થશે. એટલે સુરત ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે પણ ઓળખાશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter